અવાજને ખોદી શકાતો નથી
અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન
હે વિપ્લવખોર મિત્રો !
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી
તો
સફેદ હંસ જેવા આપણાં સપનાઓને
તરતાં મૂકવા માટે
ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષરભૂમિની કાંટાળી વાડને ?
આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડ્યુ છે તે ખરું
પણ એ ય શું સાચું નથી
કે આંખો આપીને આપણને
છેતરવામાં આવ્યા છે ?
વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી કામે વળગતા મિત્રો !
સાચે જ
અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.
~ લાભશંકર ઠાકર (14.1.1935 – 6.1.2016)
‘મારા નામને દરવાજે’ કાવ્યસંગ્રહમાંથી

એક અવિધિસર ના કવિ શ્રી લા.ઠા.ને સ્મૃતિ વંદન.