દીકરો મારો લાડકવાયો
દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે…
રમશું દડે કાલ સવારે જઈ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે…
કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું, ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે…
ફૂલની સુગંધ, ફૂલનો પવન, ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે, ગાય છે ફૂલો ગીત,
આમ તો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે…
હાલકડોલક થાય છે પાંપણ, મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે, રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે…
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે…
~ કૈલાસ પંડિત
કાવ્ય : કૈલાસ પંડિત * સ્વરાંકન અને સ્વર : મનહર ઉધાસ

ખૂબ જ જાણીતી બંને રચનાઓ, સ્વરાંકન.