રમેશ પારેખ ~ યુદ્ધગ્રસ્ત દેશવાસી * Ramesh Parekh  

યુદ્ધગ્રસ્ત દેશવાસી પિતાનો પુત્રને પ્રશ્ન


પ્રશ્ન ખંડેર વિશે પૂછશે તો સમજાવીશ
પણ નવું ઘર ફરી હું કેવી રીતે સરજાવીશ?

વૃક્ષની, ફૂલની, રંગોની કહીશ દંતકથા,
પણ તને સાચી વસંતો હું કઈ રીતે આપીશ?

ડૂમાની, ડૂસકાંઓની આ સ્તબ્ધ વસ્તીમાં,
ક્યા બહાને તારા હોઠને હું મલકાવીશ?

આખું આકાશ મરેલું પડ્યું છે પગ પાસે,
ને તને ફૂટતી પાંખો હું કેમ અટકાવીશ?

બોમ્બ વાવ્યા છે એણે તારા કૂણા મસ્તકમાં,
હવે ઉજ્જડ છે એ ધરતી, તું એમાં શું વાવીશ?

છે કલમ, હાથ છે, છે કોરા કાગળો કિંતુ,
લખી પ્રશ્નાર્થ વસિયતમાં હું મરી જઈશ?

તું છે જિદ્દી, તો છે મુમકિન કે તું કાલે માગીશ,
તો નવી દુનિયા, મારા પુત્ર, હું ક્યાંથી લાવીશ?

~ રમેશ પારેખ

આમ તો આખો નવેમ્બર આપણે રમેશોત્સવ ઉજવ્યો. ઘણા કાવ્યો માણ્યા અને આપણે સૌ જાણીએ છીએ કે ર.પા.ના કાવ્યો અઢળક છે….

આ કાવ્ય યુદ્ધને લાગતું અને વર્તમાન સમયમાં બબ્બે જગ્યાએ મહાભયંકર યુદ્ધો ચાલી રહ્યા છે ત્યારે આ કાવ્ય હાથમાં આવ્યું અને મૂક્યા વગર ન રહેવાયું !

@@

3 Responses

  1. વાહ સાંપ્રત ઘટના ને કાવ્ય વિશ્વ મા સ્થાન આપવા બદલ ધન્યવાદ

  2. Minal Oza says:

    યુદ્ધની વિભિષિકાની અસર કવિના મનને અને આપણને પણ વ્યગ્ર કરી મૂકે છે.

  3. કવિશ્રી ર. પા. ના કાવ્યોનું વિષય વૈવિધ્ય સ્પર્શે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: