આસ્વાદ : આભનો ખેડૈયો ~ સુન્દરમ્ * * Sundaram

આભનો ખેડૈયો

ભલો રે ઘોડો ને ભલાં ખેતરાં,
દિગદિગ પહોળા રે પગથાર,
ભલો રે ખેડૈયો આદિ કાળનો.

આઘે રે આઘે ગગન આંજિયાં,
આછાં ઉગમણી ધાર,
ઓરાં રે ઓરાં આભ ચાસિયાં
હળથી ચાસ્યાં વીજળિયાળ,
વીંધ્યાં અંધારાં બંધિયાર,
ભલો રે ખેડૈયો આદિ કાળનો.

ઊંચી તે કેશવાળી ઘોડો હણહણે,
ધણણે આભનાં મેલાણ,
હિમાળી બાંધી તે પાઘ ખેડુએ
પગમાં પવનનાં પલાણ,
નિત નિત નવલાં ખેડાણ;
ભલો રે ખેડૈયો આદિ કાળનો.

વાવ્યાં તે વાવ્યાં ધાન તેજનાં,
કોળ્યા તારલા અંબાર,
પાકી તે પાકી મોલે પૃથવીયું,
લખ લખ સૂંડલા ઉતાર,
ખરા ખેડના બલિહાર;
ભલો રે ખેડૈયો આદિ કાળનો,
આભનો ખેડૈયો આદિ કાળનો.

~ સુન્દરમ્

ગુજરાતી ભાષાની વિરલ રચના – આભનો ખેડૈયો

દિગદિગ પહોળા પગથાર ઉપર વિસ્તરેલું આભનું ખેતર, એમાં આદિકાળનો ખેડૂત તેજની ખેતી કરી રહ્યો છે. દૂર દૂરની પૂર્વ ક્ષિતિજ આછી આછી અંજાણી છે અને છેક આપણાં માથા સુધી એના ચાસ પડ્યા છે. રાતના બંધિયાર અંધારા આ કિરણોના હળથી વીંધાયા છે. સૂર્યોદય થાય છે ત્યારે ઊંચી કેશવાળીએ હણહણતા ઘોડા ઉપર ખેડૂત આવી રહ્યો છે. એના શિરે હેમાળાની પાઘ છે અને પગમાં પવનના પલાણ છે. નીત નવાં નવાં ખેડાણ કરતો આ ખેડૂત આભના મેલાણને ધણધણાવી રહ્યો છે.

એને તેજના ધણ વાળ્યા છે અને કોળીને તેજ કણસલા સમા તારાઓ થી અંબર નું ખેતર ઝળહળી રહ્યું છે. આ ખેતરના પાકી ગયેલા મોલ સમી પૃથ્વી છે જેમાં લાખ લાખ સુન્ડલા ભરીને પાક ઉતરી રહ્યો છે. આભનો આ ખેલૈયો આદિકાળનો છે. કવિ એને ‘ભલો’ કહીને બિરદાવે છે. સાવ સામાન્ય રૂપકમાં વહેતું આ કાવ્ય દર્શનની દ્રષ્ટિએ અસામાન્ય છે.

ઋગ્વેદના પુરુષ સૂક્તમાં છે તેવી ખેડૂત રૂપે એક વિરાટ પુરુષની અહીં કલ્પના છે. આદિકાળથી એણે ચેતનની ખેતી માંડી છે. અનેક સૂર્યમંડળો અને નિહારિકાઓથી ભરેલું આ સમગ્ર બ્રહ્માંડ એનું ખેતર છે. એમાં તેજના જે કોટા ફૂટ્યા તે તારા છે અને જેની ઉપર ચેતન વધારે પાંગર્યું છે તે પૃથ્વી એનો તૈયાર થયેલો પાક છે. બ્રહ્માંડમાં અસંખ્ય સૂર્યમંડળો છે અને પ્રત્યેક પાસે એની પૃથ્વી છે એટલે સહેતુક પૃથ્વી માટે અહીં બહુવચન આવ્યું. પૃથ્વી જાણે ડૂંડુ છે. એમાં પણ ચેતનની પ્રક્રિયા ચાલી છે. અને સારસત્વસમો દાણો બેઠો છે. પૃથ્વી રુપી ડુંડાનો સારસત્વ સમુદાય તે મનુષ્ય છે. આદિકાળથી જે ખેતી ચાલી રહી છે તેના પરિણામ સ્વરૂપ આ મનુષ્ય જાણે કે ખેતીની બલિહારી છે. વાહ ખેતી ! વાહ મનુષ્ય !

સુંદરમમાં મનુષ્યનું, નિશંક મનુષ્ય શરીરનું મહત્વ છે. આ શરીર એટલું કિમતી છે કે જેનું મૂલ્ય આંકી શકાય એમ નથી. આભના ખેલૈયાની આદિકાળથી ચાલતી ખેતીનો તૈયાર થયેલો દાણો તે આ મનુષ્ય છે.

(આ આસ્વાદ ક્યાંકથી મળ્યો છે. ગમ્યો એટલે અહીં મૂક્યો. કોણે લખ્યો છે એ નામ નથી મળ્યું. કોઈને જાણ હોય તો કહેવા વિનંતી. – સંપાદક)

3 Responses

  1. જે કાવ્યમાં નિહિત છે તે આસ્વાદ કરનારે આબાદ ઝીલ્યું છે.

  2. Minal Oza says:

    સુંદર રચના ને આસ્વાદ પણ રચના પ્રમાણે જ સરસ.

  3. ઉમદા રચના નો ખુબ ઉત્તમ આસ્વાદ અભિનંદન કાવ્ય વિશ્વ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: