આસીમ રાંદેરી ~ મારી એ કલ્પના હતી *Aasim Randeri

કંકોતરી

મારી એ કલ્પના હતી કે વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !
સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,
દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે !

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
તકદીરનું લખાણ છે, કંકોતરી નથી !

કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,
કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !

એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું.
આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.

‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે, હું એનો એ જ છું !

~ આસિમ રાંદેરી


4 Responses

  1. Jayant Dangodara says:

    Wah.. mast

  2. પ્રણયભંગ થવા છતાં કંકોતરી આવે પછી એનો અનુભવ આબેહૂબ પ્રેમીના હ્રદયમાં કેવો હોય એનું વર્ણન કર્યું છે આ નઝમમાં.

  3. વાહ ખુબ સરસ રચના

  4. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    ખૂબ પ્રસિદ્ધ રચના, દીર્ઘ રચના પણ અતિ ઉતમ.. હૃદયના તાર તારને છેડી જતી કૃતિ… આભાર લતાબેન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: