મણિલાલ હ. પટેલ ~ ગામ પાછું & પેલી દૂરની ધુમ્મસભરી ટેકરી * Manilal H Patel

હું રાહ જોઉં છું…

પેલી દૂરની ધુમ્મસભરી ટેકરી,
એ તો પર્યાય છે મારી ઉદાસીઓનો
ખેડેલાં ખેતરો ઉદગ્રીવ થઈને
વરસાદની વાટ જુવે છે એમ –
કોઈ મારી રાહ જોતું નથી.

સોનાની બંગડી જેવું અમારું ઘર
ડૂબેલું છે સૂનસૂન સન્નાટામાં
તડકો પહેરીને મોસમો ચાલી ગઈ છે
સાદ પાડતું નથી હવે આકાશ મને…

બારણે બારણે ઋતુઓની રાહ જોતી
તરસ ઊભી છે
ને ઓરડે ઓરડે પડાવ છે
ઉઝરડા પાડતી પાનખરનો…

પાદર સુધી આવેલી નદી
પાછી વળી ગઈ છે પડતર તરફ
પારકી સ્ત્રીના પ્રેમ જેવો ઉભડક –
દિવસ ચાલ્યો જાય છે પાછું જોયા વગર
ને ભૂખી વાઘણ જેવી રાત
બેસી રહે છે આંગણે આવીને

કરોળિયાના જાળાં જેવી ઊંઘમાં
ઝીલી શકાતું નથી જીવતર
દાદા કહેતા કે પૂર્વજો
પતંગિયા થઈને પાછા આવે છે.

હું રાહ જોઉં છું બળીજળી ભૂમિ પર
ચાંદની રાત ઊતરવાની

~ મણિલાલ હ. પટેલ

ઉદાસીના દરિયાને વળોટીને પણ પોતે જોયેલા, અનુભવેલા વતન માટેની અદમ્ય તરસ…  

કવિને જન્મદિને સ્નેહભર્યા વંદન.

દુ:સ્વપ્ન

ગામ પાછું સપનામાં આવ્યું છે:
હવડ કૂવામાંથી નીકળેલી રાતે
મૂઠ મારીને ગામને પથ્થર કરી દીધું છે
અંધારાએ મારી આંગળી પકડી લીધી છે
હાથમાં દીવા લઈને પાદરના વડ નીચે
રાતીપીળી બાંધણી પ્હેરી જોગણીઓ રમે છે…

આંબલીના પોલા થડમાંથી, સજીધજીને
વરણાગી વંતરી બ્હાર નીકળી છે
પડછાયા એનો પ્હેરો ભરે છે
સન્નાટો શેરીમાં સભા ભરીને બેઠો છે
મકાનો આંખો મીંચીને જોઈ રહ્યાં છે…

વચલા ફળિયાના પીપળ-ચોરે
દેવલોક પામેલા ભાભાઓ
પડછાયા પ્હેરીને ગુપચુપ બેઠા છે
જાવલી ડાકણ કોઈનું કાળજુ રાંધીને
હમણાં જ ખાવા બેઠી છે…

રમજુડા ભૂવાએ ધૂણીધૂણીને છેવટે
લંગડા ભૂતને ગાગરમાં પૂર્યું છે
અંધારું મને નેળિયા બહાર લાવે છે
કાળો પાડો મુખીનું ખેતર ચરે છે
ઘોડાના ડાબલા ગાજે છે – અચાનક
ગામ છેવાડે કોઈ મરણ-પોક મૂકે છે
હું જાગી જાઉં છું: પરસેવે રેબઝેબ

~ મણિલાલ હ. પટેલ

એ જ વેદના લઈને અવતરેલું કાવ્ય

3 Responses

  1. સરસ કાવ્ય ખુબ ખુબ ગમ્યા

  2. ઉમેશ ઉપાધ્યાય says:

    ખુબ સરસ રચનાઓ 👌🏽👌🏽👌🏽

  3. વાહ, જેણે ગામને આત્મસાત કર્યું હોય એવા કવિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: