લતા હિરાણી ~ ઊગ્યું રે * Lata Hirani

ગીત

ઊગ્યું રે અજવાળું, પેલી ટગલી ડાળે જો
દડિયું ઝાકળ ઝાળું, પેલી ટગલી ડાળે જો…

પરોઢિયાની પાંખે ફૂટે, ટશિયા કેવા રાતા
સંતાકૂકડી રમતા પેલા અંધારા સંતાતા
ચાંદો ચપટીમાં સંકેલી, ભૂરકી ખાળે હો
ટગલી ડાળે જો…

હળવે લહેરાતી કલરવની, કૂંજગલીઓ પ્યારી  
ઉગમણા પડખાને ઝાલી, પ્રગટી સૂર્યસવારી
શરમાતી સુગંધો પહોંચી, ફૂલની પાળે લો  
ટગલી ડાળે જો…

તેજ સમા તગતગ અજવાસો, ધરતી પર પથરાય
ઝાકળથી રમતા કિરણોની આમ પથારી થાય
પનિહારીના લોચન રમતાં, કૂવા થાળે કો’
ટગલી ડાળે જો…

~ લતા હિરાણી

પ્રકાશિત > ‘શબ્દસર’ > 10-2023   

4 Responses

  1. હરીશ દાસાણી says:

    નિસર્ગની તાજગી અને પ્રસન્નતા લઇ આવેલું સહજ સુંદર ગીત

  2. 'સાજ' મેવાડા says:

    વાહ, સુંદર સવારનું પ્રકૃતિગીત,

  3. Kirtichandra Shah says:

    સરસ રચનાઓ, ઘનૃયવાદ

  4. પ્રફુલ્લ પંડ્યા says:

    તમારું ગીત બહુ સરસ છે.નાજુક અને નમણી અભિવ્યક્તિ !
    હાર્દિક અભિનંદન !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: