જગદીશ જોષી ~ પાંદડી તે

પાંદડી તે પી પીને

પાંદડી તે પી પીને કેટલું રે પીશે
કે મૂળિયાંને પડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ ?

એક પછી એક મોજાં આવે ને જાય
એને કાંઠે બેસીને કોણ ગણતું ?
વાદળના કાફલાનું ગીત અહીં
લ્હેરખીમાં રેશમનો સૂર વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઊજાગરાને
આઘાં પરોઢ આઠ કોશ !

નીંદરાતી આંખ મહીં ઊમટીને ઊભરાતું
જાગે છે સપનાંનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
જંપ્યું તળાવ નહીં ડહોળું;
આખા આકાશને ઓઢીને ઠરવાનો
જળને છે ઝીણો સંતોષ ! 

~ જગદીશ જોષી

સ્વર : માલિની પંડિત
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

1 thought on “જગદીશ જોષી ~ પાંદડી તે”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *