રસિકલાલ પરીખ ‘મૂસિકાર’ ~ સદા મંગલમ્ * Rasiklal Parikh

સદા મંગલમ્

આર્યોએ હિતદૃષ્ટિથી જગતને જોઈ વ્યવસ્થા કરી
વર્ણો ને પુરુષાર્થ આશ્રમ તણી, જેથી કરી માનવી
આપોઆપ ચડે ક્રમે ક્રમ ધરી ઉત્કર્ષને સાધતો;
એવો મંગલ આર્યધર્મ-મહિમા સાધો સદા મંગલમ્

ચારે આશ્રમમાં ગૃહસ્થ ઉપરે જીવે બધા આશ્રમો;
ગાર્હસ્થે દૃઢતા અને સુભગતા દાંપત્ય-પાયા પરે;
દાંપત્યે રતિ તો પરસ્પર તણી આસ્થા વિશે ખીલતી;
એ આસ્થા તમ દંપતી-હૃદયમાં સાધો સદા મંગલમ્

ચક્ષુરાગ થકી રુચે પ્રથમ જે, સાંનિધ્ય જેનું ગમે
હૈયે ઝંખન થાય જેમનું સદા, જેના વિના ના ગમે;
એ રીતે હૃદયે વસે પ્રણયમાં, પ્રેમી કહ્યાં તેમને;
દાંપત્યે સહચારધર્મ મધુરા! તે તો મહદ્ મંગલમ્.

પ્હેલાં એક, પછી બને દ્વય, અને અદ્વૈત સાધે પછી;
લીલા અદ્દભુત સૃષ્ટિમાં વિલસતી, જેને પિછાણી શક્યાં.
લક્ષ્મી-વિષ્ણુ, ઉમા-મહેશ્વર, અને શ્રીરામ-સીતા સમાં-
તેઓ મંગલ દૃષ્ટિથી નીરખજો આ દંપતીને સદા.

સંસારે વિચરો પરસ્પર ધરી આસ્થા અને ધૈર્યથી
સ્હેજો એકબીજા તણી ઊણપનેઃ માંગલ્ય તેથી બધું.

~ રસિકલાલ પરીખ ‘મૂસિકાર’ 20.8.1897 – 1.11.1982

કાવ્યસંગ્રહ – ‘સ્મૃતિ’

જન્મદિને સ્મૃતિવંદના

1 Response

  1. ખુબ સરસ કાવ્ય સલામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: