ગીત વિચાર નવેસરથી: ભાગ 3 ~ પ્રફુલ્લ પંડ્યા * Prafull Pandya  

ગીત વિચાર નવેસરથી: ભાગ 3  

આજના સમય સન્દર્ભમાં ગીત વિકાસ અને તેના સ્વરૂપ વિસ્તાર વિશે વધુ ને વધુ નિસ્બતથી વાત કરીએ તો પરિસ્થિતિ જેટલી સુખદ લાગે છે એટલી જ ચિંતાજનક પણ લાગે છે. આઝાદીની લડત અને ગાંધીયુગના પ્રભાવ હેઠળ લખાયેલાં ગીતો, એ પછી મધ્યકાલીન અને અર્વાચીન ગીત પ્રવાહોમાં જે વિષય વૈવિધ્ય અને સ્વરૂપગત સત્વ – સમૃદ્ધિ જોવા મળ્યાં છે તે હવે અત્યારના સમયમાં ગાયબ થઈ ગયા છે. આજે શ્રમિકો, મજુરો અને ખેડૂતો સહિતના સમાજના વિવિધ વર્ગોના લોકોના જીવનના સુખ દુ:ખોના ગીતો ક્યાં અને કેટલાં લખાય છે? આમવર્ગને આવરી લેતાં લોકજીવનના ગીતો અને લોકસાહિત્યની નજીક અનુઆધુનિક ગીત કેટલું ઊભું રહી શકે તેમ છે?

આપણી પાસે ભક્તિ ગીતોની પણ એક અતિ સમૃદ્ધ પરંપરા રહી છે. પદો, ભજનો, આખ્યાયિકાઓ, ભાવ ગીતો, દેવદેવીઓના ભક્તિ ગીતો, દેવીઓ, દેરીઓ, કુળદેવતાઓ અને શૂરધનોના ગીતો, યુધ્ધ ગીતો, સમરાંગણનું ગીતસાહિત્ય આ બધું આજે ક્યાં અને કેટલું રચાય છે? આનો પ્રભાવ ઝીલતાં નવા ગીતો પણ ક્યાં મળે છે? ગુજરાતી પરંપરિત ગીતોમાં અગાઉ આપણને વ્રજ – હિન્દી, બંગાળી – મરાઠી જેવી ભાષાઓની ગેય રચનાઓનો પ્રભાવ અને પુષ્ટિ જોવા મળતા હતા તે આજના ગીતોમાં ક્યાં જોવા મળે છે? અત્યારે દેશભક્તિ, ઉત્સવ – તહેવારોથી માંડીને મધર્સ ડે, ફાધર્સ ડે, પર્યાવરણ અને વૈશ્વિક ઘટનાઓની થોડી થોડી રચનાઓ કાળક્રમે લખાતી જોવા મળે છે પરંતુ એમાં પણ ઓછું તેજ અને ગોકીરો ઝાઝો જેવી સ્થિતિ છે. તો શું અનુઆધુનિક ગીત આ વિશાળ સમૃદ્ધ પરંપરાને જતી કરશે? કે એને બચાવી નવસ્વરૂપે નવસર્જિત કરશે? આનો આધાર આપણા કવિઓ પર રહેલો છે!

આજના ડિજિટલ યુગમાં ગુજરાતી કવિઓ અને સાહિત્યકારો ઘણું સારું કામ તો અવશ્ય કરી રહ્યાં છે પણ એ ન ભૂલાવું જોઈએ કે આપણી પરંપરિત ગીત કવિતાના વિષયો પરમ તત્વ, પ્રેમ, પ્રકૃતિ અને માણસની વૃતિ- પ્રવૃતિ જે એક સમયે સર્વોપરી હતા તેની બાદબાકી થઈ જવી જોઈએ નહીં. ડિજિટલ યુગમાં કોમ્પ્યુટર, લેપટોપ, વિજ્ઞાન અને ટેકનોલોજી ને આવરી લેતાં ગીતો પણ લખાવા શરૂ થઈ ગયા છે. ઓનલાઈન – ઓફલાઈન જેવા ચઢાવ ઉતાર આજના ગીતોમાં પણ જોવા મળે છે પરંતુ સંપૂર્ણ પરંપરાને ફગાવી દેતું આખેઆખું એક પણ અનુઆધુનિક ગીત  હજી લખાયેલું જોવા મળ્યું નથી. એવું કોઈ મેટાફિઝીકલ ગીત નથી કારણ કે ગીત એ માનવની અંદરની સરજત છે.

ગીતનો જન્મ માનવના હ્રદયમાંથી થાય છે એટલે અનુઆધુનિકતાના નામે ગીતના વેશમાં અસંખ્ય ગેય-અગેય રચનાઓ લખાય છે પણ ખરેખર અનુઆધુનિક ગીત કોને કહેવું તે સમસ્યા તો હજી યે ઊભી જ છે. જો વિવેચકો અને અભ્યાસુઓ છેલ્લાં પચાસ વર્ષના ગીતોનો અભ્યાસ કરી જે નિષ્કર્ષો કાઢે તેના પર નવા ગીતોના ભવિષ્યનો આધાર રહેલો હોવાનું માની શકાય! વિવેચકો વિના નવું ગીત ગમે તેટલું સક્ષમ અને નાવિન્યપૂર્ણ હશે તો પણ તે અનાથ બની જશે. એ રીતે નવા અનુઆધુનિક ગીતોને સમજનારા ઓછાં હશે અને તેને સ્વીકારનારાઓ તો અતિ જૂજ! તો પછી શું ગીત પરંપરામાં જ લખવું? આધુનિક ગીત લખવું જ નહીં? ગીતના સ્વરૂપનું પરિવર્તન અને વિસ્તાર અટકાવી દેવો? આવા અનેક પ્રશ્નોના જવાબો માત્ર કાળદેવતા જ આપી શકે!  આપણા તમામ કવિઓએ અને ખાસ કરીને ગીતો લખતાં કવિઓએ ગીત વિશેના નવેસરથી વિચારની સાથે સાથે આત્મચિંતન કરવું જરૂરી છે. ગીતની ચીલાચાલુ અને ટપ્પાઓ મારતી થોડી નવી જુની ફેકટરીઓ બંધ થઈ જશે તો કદાચ ગુજરાતી ગીત અને તેનું સ્વરૂપ વધુ સમૃદ્ધ બની રહેશે. જોઈએ ડિજિટલ યુગના વિવિધ અને વિપુલ આવિષ્કારોને ઉપયોગીને આપણાં ગીત કવિઓ ગીતને ક્યાં અને કેવાં મુકામે પહોંચાડે છે!

પ્રફુલ્લ પંડ્યા

2 Responses

  1. ખુબ માહિતીસભર લેખ અભિનંદન

  2. રિયાઝ લાંગડા (મહુવા). says:

    ખૂબ સરસ લેખ ….👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: