મણિપુર વિભીષિકા ~ હર્ષા દવે, પારુલ ખખ્ખર * Harsha Dave * Parul Khakhkhar    

દ્રૌપદીની ગઝલ ~ હર્ષા દવે

અગનનો સ્વાંગ ઉતારી  સભામાં ઉભી છું!
ગળામાં  ચીસ  દબાવી  સભામાં ઉભી  છું!

તમે  તો  આંખ  ઝૂકાવી  સભામાં બેઠાં  છો,
જુઓ,હું  આંખ  ઉઠાવી  સભામાં ઉભી  છું!

હે  ધર્મરાજ!  ઉછાળો છો  આપ જે પાસા,
આ  એનો  ભાર ઉપાડી  સભામાં ઉભી  છું!

મેં કાલ ઘાવ  પર  પટકુળ   ફાડીને  બાંધ્યું,
આજ એક વસ્ત્ર વીંટાળી સભામાં ઉભી છું!

આ    દ્રૌપદીથી    મુક્તકેશા  સુધીના   પંથે,
ઘણાં   સવાલો  બીછાવી   સભામાં ઉભી  છું!

~ હર્ષા દવે

ત્યારે બોલશું ~ પારુલ ખખ્ખર

આંખ છલકાશે ઉઘાડેછોગ ત્યારે બોલશું,
માંગશે આ વાવ જ્યારે ભોગ ત્યારે બોલશું.

બોલવું તો છે ઘણું પણ મૌન રોકે છે હજુ,
દર્દનો હો શબ્દ સાથે યોગ ત્યારે બોલશું.

હા, દવાઓ છે, દુવાઓ છે, પરેજી સાથમાં,
તે છતાં વકરી જશે આ રોગ ત્યારે બોલશું.

આમ તો કંઈ મોં ન ખૂલે, ઘૂંટ પીવાતા રહે,
નાક જ્યારે દાબશે સંજોગ ત્યારે બોલશું.

એકલે હાથે લડીશું મોરચા, મેરે ખુદા!
જો હશે કંઈ કામ તારે જોગ ત્યારે બોલશું.

~ પારુલ ખખ્ખર

7 Responses

  1. kishor Barot says:

    નારીની મનોવ્યથાને નારી જ સંવેદી શકે.
    બંને કવિયત્રીઓની મર્મભેદી અભિવ્યક્તિ.
    અભિનંદન. 🌹

  2. બંને ગઝલ સ-રસ…

  3. રેખાબા સરવૈયા says:

    સર્જક…! અત્યારે નહીં બોલીએ તો ક્યારે બોલશું ❓️

    🪷👍🪷

  4. ઉમેશ જોષી says:

    બન્ને કવયિત્રી ની રચનામાં નારી સંવેદના પ્રગટે છે.
    અભિનંદન..

  5. બન્ને રચના ચોટદાર

  6. 'સાજ' મેવાડા says:

    આ બંને ગઝલો સંવેદના-વેદના તરફ ઈશારો કરી મૌન થઈ જાય છે.

  7. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    બન્ને રચનાઓ હદયને સ્પર્શી જાય છે….આ સમસ્યા ફકત
    મણિપુર જેવાં પ્રદેશની જ નથી પણ આખાં વિશ્વની સ્ત્રીઓની અસ્મિતા બચાવવા વિષેની છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: