સર્જક : આર્ષદૃષ્ટા ઉમાશંકર જોશી * Umashankar Joshi

આર્ષદૃષ્ટા ઉમાશંકર જોશી (21.7.1911-19.12.1988)

સાહિત્યના લગભગ તમામ સ્વરૂપોમાં કામ કરનાર પરંતુ કવિ તરીકે સૌથી વધુ વિખ્યાત ઉમાશંકર જોશીનો આજે જન્મદિવસ. ગુજરાત સાહિત્ય અકાદમી અચંબિત થઈ જવાય એવી રીતે ઉજવી રહી છે. અને કાવ્યવિશ્વનું પણ થોડુંક પ્રદાન..

@@

પોતાને ભવિષ્યની પેઢી કેવી રીતે ઓળખશે એ સંદર્ભમાં કવિએ એક વખત કહ્યું હતું કે,
“જાહેરજીવનના પ્રશ્નોમાં સંકળાયેલા હોવા છતાં, અથવા એ કારણે જ, એક કવિ તરીકે થોડાં ઊર્મિકાવ્યો લખ્યાં અને કવિતા તેમ જ નાટકમાં મહત્વનુ અર્પણ કર્યું. સારું ગદ્ય થોડું લખ્યું અને સૌંદર્ય તેમ જ પરિપ્રેક્ષ્યની સમાજ માટે કદાચ વંચાય.”
આ વિનમ્ર નિવેદન એમના જીવન અને સર્જનને ટૂંકમાં પણ સર્વગ્રાહી રીતે વર્ણવે છે.

લગભગ ચાર દાયકા સુધી (1947-1984) તેમણે ‘સંસ્કૃતિ’ સામયિકનું સંપાદન કર્યું હતું. પોતે સ્થાપેલાં ‘ગંગોત્રી’ ટ્રસ્ટના નેજા હેઠળ ભારતની તેમ જ વિદેશી ભાષાઓની કૃતિઓના અનુવાદિત પુસ્તકો પ્રગટ કર્યા હતા.

ઉમાશંકર જોશી પોતાને ગુજરાતી સાહિત્યકાર કરતાં ‘ગુજરાતીમાં લખતા એક ભારતીય સાહિત્યકાર’ તરીકે ઓળખાવવાનું વધારે પસંદ કરતા હતા. આ વિધાનમાં પ્રાંતિયતાના સંકુચિત માળખામાંથી મુક્ત કરીને ભારતીય સાહિત્યને વૈવિધ્યપૂર્ણ સમગ્રતામાં જોવાનો એમનો આગ્રહ રહેલો છે.

ગાંધીયુગના પ્રધાન સાહિત્યકાર ઉમાશંકર જોશીએ પોતાના જીવનકાળમાં 70થી વધારે પુસ્તકો લખ્યાં. એમની વેબસાઇટ પર એમના હસ્તાક્ષરમાં એમના પુસ્તકોની યાદી જોવા મળે છે.

સૌજન્ય : કવિ ઉમાશંકર જોશી વેબસાઇટ  

@@

મેઘાણીની માફક પોતાનો પરિચય આપતાં ઉમાશંકરે નોંધ્યું છે : “અરવલ્લીની ગિરિમાળાની દક્ષિણ તળેટીએથી હું આવું છું. મારા ગામની આસપાસ વહેળાઓ, નદીઓ, જંગલો અને ડુંગરો ઓળંગીને લાંબા મારગ કાપવાનું વારંવાર બન્યું છે. જુદી જુદી ઋતુઓમાં એ લાંબા પંથ મને કુદરત સાથે વાતે વળવાની, મારી જાત સાથે વાતે વળવાની તક આપતા. હજીયે તે મને એ વાર્તાલાપોના અંશો ખાસ્સા યાદ છે.”

શબ્દ-ભાષા-સંસ્કારની દોસ્તીએ કવિને ક્યાં ક્યાં વિહાર કરાવ્યો છે! – “ગામમાંથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો ? સત્યાગ્રહની છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશોના સાંસ્કૃતિક સમાજોમાં, – એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ, એક બાજુ ઋણ વધતું જ જાય, બીજી બાજુ ઋણ અદા કરવાની તક પણ ક્યારેક સાંપડે. શબ્દના ઋણનું શું ? શબ્દને વીસર્યો છું ? પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસારો વેઠયો નથી. શબ્દનો સથવારો એ ખુશીનો સોદો છે, કહો કે, સ્વયંભૂ છે. શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ એવી કૃતિ (જેવી ‘અમે ઇડરિયા પથ્થરો’ છે.) રચાઈ હશે ત્યારે પણ, બલકે ત્યારે તો નહીં જ.”

કવિતા : કવિ ઉમાશંકરે એમના સૌ કાવ્યભાવકોને, આગવી રીતે એક પ્રશ્ન પૂછ્યો છે :

ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો
માતાના ચહેરામાં ટમકે,
મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે
જોયું છે ?

આ સવાલની સામે પૂછી શકાય એવો સવાલ એ છે કે કવિના અસ્તિત્વમાં આમ ચમકતું કાવ્ય ઉદ્દભવ્યું–રચાયું શી રીતે ? ઉમાશંકરને સૂચિત કાવ્યવ્યાપાર માટે પ્રેરનારાં મૂડીરૂપ પરિબળો કર્યાં ? આ બંને પ્રશ્નોના ઉત્તરમાં, બે વાનાં’ તરી આવે છે : પહેલી મૂડી એ કુટુંબનું અત્યંત વહાલસોયું વાતાવરણ’ અને ‘સારાયે ગિરિપ્રદેશનું કુદરતી સૌંદર્ય એ બીજી મૂડી. પરંતુ આ બંને પરિબળો કરતાં કવિએ બીજી બે બક્ષિશોને વધુ ઉપકારક ગણી છે. એમાંની એક તે, વતનપ્રદેશના લોકોની, ભાષાનો સ્વાદ લેવાની શક્તિ અર્થાત્ શબ્દસંપત–ભાષાસંસ્કાર અને બીજી, સર્વતોમુખી સાહિત્યસર્જનની પાછળનું પ્રેરકબળ કયું ? – એવા પ્રશ્નનો ઉત્તર આપતાં ઉમાશંકરે નોંધી છે તે “જીવનનો કંઈક – સંવેદનશીલતાથી થતો અનુભવ … મને પોતાને એમ લાગે છે કે જગતનું જે અનરાધાર સૌંદર્ય છે, એને–એના અંશને પણ પામવાને માટે એક મનુષ્યજીવન, જીવનની આ આયુષ્યમર્યાદા પર્યાપ્ત નથી. મારી પ્રેરણા જો કોઈ હોય તો તે આ જીવનની આશ્ચર્યમયતા છે, તે મુખ્ય પ્રેરણા છે.

સૂતાં ઝરણાને જગાડીને ઉછીનું ગીત માગનારા કવિએ ભલે કબૂલ્યું હોય કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું’ – પરંતુ એમણે એ જ ગીતરચનાના છેલ્લા અંતરામાં જેની ઓળખ આપી છે એ ‘ઉરે-આંસુ પછવાડે હીંચતું’ અને સપનાંને સીંચતું’ ગીત એમને ખરેખર સાંપડ્યું છે. મેળાઓ અને ઉત્સવોમાંથી એમને ગીતલય મળ્યો છે. એ સંદર્ભે એમણે ન્હાનાલાલની ગીતકવિતાનો પ્રભાવ પણ સ્વીકાર્યો છે. આ બધાંના સરવાળે એમણે ‘વનરા તે વનનો વણજારો’, ‘ભોમિયા વિના’, ‘ગાણું અધૂરું મેલ્ય મા’, ‘ઝંખના’, ‘ગૂજરાત મોરી મોરી રે’, ‘પંચમી આવી વસંતની’, ‘ગોરી મોરી ફાગણ ફાલ્યો જાય કે…’, ‘હીરાગળ ચૂંદડી’, ‘થોડો એક તડકો’, ‘ક્યારની બોલે છે કોકિલા’, ‘કે વાયરા વાયા વસંતના’, ‘માનવીનું હૈયું’ અને લોકગીત લેખાઈ ગયેલા ‘ગામને કૂવે પાણીડાં નહીં ભરું’ – જેવાં લયસમૃદ્ધ, સૂક્ષ્મ ભાવોત્કટ અને તળપદ બાનીની મીઠાશભર્યાં ગીતો આપ્યાં છે.

ગાંધીયુગનો માનીતો કાવ્યપ્રકાર સૉનેટ ઉમાશંકરે હોંશથી ખેડ્યો છે. એમના કાવ્યસર્જનનો આરંભ પણ ‘નખી સરોવ૨ ઉપ૨ શરતપૂર્ણિમા’ સૉનેટથી થયો છે. કવિનો આ સૉનેટપ્રેમ બ. ક. ઠાકોરથી પ્રભાવિત છે એમ કહ્યા પછી અવશ્ય ઉમેરવું જોઈએ કે તે ઉમાશંકરની ચિંતનોર્મિપ્રધાન કવિચેતનાની સહજ ફલશ્રુતિ પણ છે. જો ગીત એ ઉમાશંકરની ઊર્મિરસિત કવિતાનું વાહન છે તો સૉનેટમાં બહુધા એમની ચિંતનપ્રણીત કવિતા પ્રગટ થઈ છે. મોટે ભાગે પેટ્રાર્ક અને શેક્સપિય૨શાઈ સૉનેટ લખનારા આ કવિએ ‘સખી મેં કલ્પી’તી’, ‘વિહંગ ટહુકો’, ‘બીડમાં સાંજ વેળાએ’, ‘વડ’, જઠરાગ્નિ’, ‘વિશ્વમાનવી’, ‘ભલે શૃંગો ઊંચાં’, જેવી સ્વતંત્ર સૉનેટરચનાઓ તો ‘ગયાં વર્ષો–’, ‘રહ્યાં વર્ષો’, ‘મુખર મૌનનો ઝરો’, ‘શિશુબોલ’, ‘યુગદ્રષ્ટા’, ‘અભિસાર અને મિલન’, ‘પ્રણયસપ્તક’, ‘નારી:કેટલાંક સ્વરૂપો જેવા સોનેટ ઝૂમખા અને સોનેટ માળાઓ આપી છે.

પદપ્રપાતે તવ, હે મહાનટ
ન તૂટશે શું ઉરના વિષાદ એ ?

– આ આશા અને યાચના જેની સમક્ષ રજૂ થઈ છે અને જેને સંબોધાઈને આ કૃતિ રચાઈ છે તે નિશીથની જોડાજોડ, કવિ ઉપરનો ગાંધીપ્રભાવ ઊપસી આવે છે અને તે તે કૃતિના એકલક્ષી પ્રભાવને અળપાવે છે. ચિત્ર, શિલ્પ, નૃત્ય અને સ્થાપત્ય જેવી કલાઓ સાથે કામ પાડતી અન્ય સ્તોત્રરચનાઓમાં ‘નેપથ્ય નર્તિકાને’ અલગ તરી આવે છે.

નાટક અને બને તો પદ્યનાટક, સર્જી શકાય તો સર્જક તરીકે એક જાતની કૃતાર્થતા અનુભવાય’–એવો અભિલાષ સેવનારા ઉમાશંકરે આયુષ્યની પહેલી પચીસી પૂરી થતાં થતાંમાં આત્મલક્ષી કથનકવિતાથી આરંભાયેલી એમની કાવ્યયાત્રાને, એલિયટકથિત ‘કવિતાનો ત્રીજો અવાજ’ જેમાં ઊપસી રહે છે તેવી નાટ્યકવિતાને માર્ગે વાળી છે.  કર્ણ અને કૃષ્ણ; યુધિષ્ઠિર, સૂત, દ્રૌપદી, ગાંધારી અને કુંતી; બુદ્ધ અને આનંદ; રતિ અને મદન; આશંકા અને બ્રહ્મદત્ત જેવાં પૌરાણિક પાત્રો યોજીને એમણે નવા માનવની દુર્દમ નિયતિ;  ‘પ્રાચીના’નાં ‘કર્ણ-કૃષ્ણ’, ‘૧૯મા દિવસનું પ્રભાત’, ‘ગાંધારી’, ‘બાલરાહુલ’, ‘રતિમદન’, ‘આશંકા’ અને ‘કુબ્જા’ જેવાં કાવ્યોમાં આલેખી છે. કવિતાના લય-ધ્વનિ અને નાટકની સંઘર્ષમયતાને ઝીલવા સમર્થ એવાં છંદ-ભાષાની, નિરંજન ભગત જેને લોકજીભે રમતો શબ્દ’ કહે છે એની શોધ પણ આ કૃતિઓ નિમિત્તે કવિએ સભાનતાપૂર્વક કરી છે.

પદ્યનાટકની આ શોધ-મથામણ મહાપ્રસ્થાન’માંનાં મહાપ્રસ્થાન’, યુધિષ્ઠિર’, ‘અર્જુન-ઉર્વશી’, ‘કચ’, ‘નિમંત્રણ’, “મંથરા’ અને ભરત’ લગી લંબાઈ છે. અહીં પણ છંદવૈવિધ્ય છે પરંતુ સૌથી વધારે સંવાદાત્મકતા વનવેલીમાં સિદ્ધ થઈ છે. ‘પ્રાચીના’માં જેમ ‘કુબ્જા’ તેમ ‘મહાપ્રસ્થાન’માં ‘મંથરા’ સર્વાધિક નાટ્યરૂપ પામ્યું છે.

~ રમેશ ર. દવે (ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ:5માંથી ટૂંકાવીને)

@@

સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં તત્કાલીન ચેતનાનું સ્વસ્થ પ્રજ્ઞા અને ભાવપરક ઈન્દ્રિયગ્રાહિતાથી સૌન્દર્યનિષ્ઠ રૂપાંતર કરનાર ગાંધીયુગના આ અગ્રણી સર્જક છે. મુક્તકના ચમત્કૃતિપૂર્ણ લઘુફલકથી માંડી પદ્યરૂપકના નાટ્યપૂર્ણ દીર્ઘફલકનું કલ્પનાસંયોજન દર્શાવતી એમની કાવ્યરચનાઓ, ગ્રામીણ સ્તરેથી ઘટનાને ઊંચકી બોલીનાં સંવેદનો પ્રસારતી એમની નાટ્યરચનાઓ, પાત્રમાનસને કેન્દ્રમાં રાખીને મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકીવાર્તાઓ, હૃદયની વિવિધ છબીઓ આપતાં એમનાં નિબંધો અને વ્યક્તિચિત્રો, સહૃદયસંવિદનો સતત વિકાસ દર્શાવતાં એમનાં વિવેચન-સંશોધનો – આ સર્વ ગુજરાતી સાહિત્યને થયેલું વિશિષ્ટ પ્રદાન છે.

ઉમાશંકરની ગાંધીદર્શનથી પ્રભાવિત ભાવોત્કટ કવિતા સંસ્કૃતિનાં બૃહદ્ પરિમાણોને લક્ષ્ય કરીને ચાલી છે ને સત્યાગ્રહની છાવણીઓ તેમ જ જેલોથી શરૂ કરી વિદેશના સાંસ્કૃતિક સમાજો સુધી એ વિસ્તરી છે. શબ્દવિન્યાસ અને અર્થવિન્યાસ સાથે રહસ્યવિન્યાસના હિલ્લોલરૂપ લયને સેવતી એમની કવિતા આત્માની માતૃભાષા થવા ઝંખી છે; અને તેથી મનુષ્યના આંતરબાહ્ય સકલસંદર્ભને બાથમાં લેવાની જીવનદષ્ટિ એમાં અનુસ્યૂત અને ક્યારેક અગ્રવર્તી રહી છે. એમનું પ્રથમ કાવ્યપુસ્તક ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧) છ ખંડોમાં વહેંચાયેલું, ગાંધીયુગનો અને ગાંધીજીનો મહિમા કરતું વિશિષ્ટ અર્થમાં ખંડકાવ્ય છે.

‘નિશીથ’ (૧૯૩૯)માં સમાજ અને વાસ્તવની તત્કાલીનતાને અતિક્રમી જીવનનાં શાશ્વતમૂલ્યોના અમૂર્ત કે નવીન આવિર્ભાવો તરફનું વલણ છે. માનવ અસ્તિત્વનાં તેમ જ માનવ સંવિત્તિના જુદાં જુદાં પાસાંઓને પાદતત્વના આગવા પ્રયોગ સાથે અહીં સાકાર કરવાનો પ્રયત્ન થયો છે. ‘નિશીથ’, ‘વિરાટ પ્રણય’, ‘સદગત મોટાભાઈને’, ‘અન્નબ્રહ્મ’, ‘આત્માનાં ખંડેર’ આદિ એના ઉત્તમ નમૂનાઓ છે.

~ ચંદ્રકાંત ટોપીવાળા (લેખમાંથી ટૂંકાવીને)

@@

કાવ્યસંગ્રહો

કવિતા : ‘વિશ્વશાંતિ’(૧૯૩૧), ‘ગંગોત્રી’ (૧૯૩૪), ‘નિશીથ’ (૧૯૩૯), ‘પ્રાચીના’ (૧૯૪૪), ‘આતિથ્ય’ (૧૯૪૬), ‘વસંતવર્ષા’ (૧૯૫૪), ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫), ‘અભિજ્ઞા’ (૧૯૬૭), ‘ધારાવસ્ત્ર’ (૧૯૮૧), ‘સપ્તપદી’ (૧૯૮૧), ‘સમગ્ર કવિતા’ (૧૯૮૧)

પદ્યનાટકો : પ્રાચીના, ગાંધારી, મહાપ્રસ્થાન  

કાવ્યસંપાદનો : ગીતસંગ્રહ ‘ભોમિયા વિના’ (૧૯૭૩), સુન્દરમ્- ઉમાશંકકૃત સૉનેટસંગ્રહ ‘સમન્વય’ (સં. સુરેશ દલાલ, ૧૯૭૫), ‘કાવ્યકણિકા : ૧: ઉમાશંકર જોશી’ (૧૯૮૧), ‘કાવ્યકોડિયાં : સંપુટ : ૩ : ઉમાશંકર જોશીનાં કાવ્યો’ (સં. જયન્ત પાઠક, ૧૯૮૧), ‘કેટલાંક કાવ્યો : ઉમાશંકર જોશી’ (સં. સુરેશ દલાલ, ૧૯૯૩), કનકરજ ઉમાશંકર જોશીની કવિતાની’ (સં. મહેન્દ્ર મેઘાણી, ૧૯૯૪),

આ ઉપરાંત એકાંકી, વાર્તાસંગ્રહ, નિબંધ, સંશોધન, સંપાદન, વિવેચન, પ્રવાસ, ચિંતન, અનુવાદ, બાળસાહિત્યના – કુલ 70 જેટલા પુસ્તકો એમણે આપ્યા છે.

એવોર્ડ અને પુરસ્કારો

જ્ઞાનપીઠ પુરસ્કાર 1967
રણજિતરામ સુવર્ણચંદ્રક 1947 
નર્મદ સુવર્ણચંદ્રક 1947
ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક 1963
સાહિત્ય અકાદમી પારિતોષિક 1973
સોવીએત લેન્ડ નહેરુ એવોર્ડ 1973  

પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં સભ્યપદ  

સભ્ય : નેશનલ બુક ટ્રસ્ટ 1965  
સભ્ય : કેન્દ્રિય ભાષા સલાહકાર સમિતિ 1966  
પ્રમુખ : ગુજરાતી સાહિત્ય પરિષદ 1968  
પ્રમુખ : સાહિત્ય અકાદમી એવોર્ડ-ગુજરાતી  1978-1982  
કુલપતિ – ગુજરાત યુનિવર્સિટી 1970  
રાજ્યસભાના સભ્ય 1970-1976  
કુલપતિ વિશ્વભારતી યુનિવર્સિટી શાંતિનિકેતન 1979-1982  
પ્રમુખ : દિલ્હી સાહિત્ય અકાદમી 1978-1983

@@

કવિ ઉમાશંકર જોશી

જન્મ : 21.7.1911 બામણા  અવસાન 19.12.1988
માતા-પિતા : નવલબહેન જેઠાલાલ જોશી
જીવનસાથી : જ્યોત્સનાબહેન
સંતાનો : નંદિનીબહેન, સ્વાતિબહેન

૧૯૫૨માં ચીન, જાવા, બાલી, શ્રીલંકા વગેરે એશિયાઈ દેશો, ૧૯૫૬માં અમેરિકા તથા યુરોપ, ૧૯૫૭માં જાપાન અને રશિયાના પ્રવાસો, ૧૯૮૮માં કૅન્સરની સારવાર દરમ્યાન મુંબઈમાં અવસાન.

સૌજન્ય : વિકિપીડિયા, ગુજરાતી સાહિત્ય પરિષદ વેબસાઇટ તથા કવિ ઉમાશંકર જોશી વેબસાઇટ

3 Responses

  1. 'સાજ' મેવાડા says:

    કવિ શ્રી ઉ.જો. ને સ્મૃતિ વંદન. સરસ માહિતી.

  2. ખુબ સરસ જાણવા જેવી માહિતી

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    અનેક રીતે સમૃદ્ધ વ્યકિતત્વ અને સત્વશીલ જીવન ઉમાશંકર જોશીમાં મળે. ઉત્તમ કવિ,સંયોજક,નિર્ભય વકતા,વિદ્યાપુરુષ ઉમાશંકરની સ્મૃતિઓ વંદનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: