રાજેન્દ્ર પટેલ : સર્જનના આરંભની કાળજી
હું હંમેશાં બાળપણનો એક પ્રસંગ યાદ રાખું છું. નિશાળેથી સાંજે ઘેર પહોંચું ત્યારે ખૂબ ભૂખ્યો થયેલો હોઉં. મને ઝટપટ ખાવાની ઉતાવળ હોય એટલે બાને વારંવાર થાળી પીરસવાનું કહેતો. બા કહેતી “આમ ઉતાવળે આંબા ના પાકે. ખીચડી મૂકી છે થોડી સીઝવા દે”. હું આ વાત એટલે યાદ રાખું છું જેથી હું મારા સર્જનને સીઝવા દેવાનું ભૂલી ના જાઉં. નવોદિત લેખકો
કવિઓને રચના પ્રગટ કરવાની બાબતમાં ખૂબ ઉતાવળ હોય છે અને તેથી એમને એમના કામને સીઝવા દેવાની આદત હોતી નથી. નવસર્જકોએ પોતાના અક્ષરકર્મને આ સીઝવા દેવાની પ્રક્રિયામાંથી પસાર કરવું જરૂરી છે.
આ સંદર્ભે જર્મન કવિ રેઇનર મારિઆ રિલ્કે – (1875-1926)ની સલાહ ખૂબ પ્રસ્તુત છે. સર્જકતા માટેની આવશ્યકતાઓ અને ખોટી સમજને દૂર કરતું એમનું એક ખૂબ પ્રચલિત પુસ્તક છે. ‘લેટર્સ ટુ અ યંગ પોએટ’. આજના કવિઓએ આ પુસ્તકમાંથી અનિવાર્યપણે પસાર થવું જોઈએ. મેં પહેલી વાર એ પુસ્તક વાંચ્યું ત્યારે રિલ્કેએ જાણે એ પત્રો મારા માટે જ લખ્યા હોય એમ જ લાગેલું! આજે પણ જે કોઈ નવોદિત આ પત્રો વાંચશે ત્યારે તેને પણ આમ જ લાગશે.
રિલ્કે પચાસ વર્ષે બલ્ડ કેન્સરથી મૃત્યુ પામ્યા. એમના જીવનમાં કોઈ કાયમી સરનામું ન હતું. એ ચિરપ્રવાસી હતા. મિત્રોના ઘરે રહી રહી જીવન આખું પસાર કર્યું. ગુલાબનું ફૂલ તોડતાં કાંટો વાગ્યો ને લોહીનું કૅન્સર થયું અને નાની ઉંમરે 1926માં એમનું અવસાન થયું. એમણે પોતાની જ સમાધિ માટે શિલાલેખ લખેલો…
હે ગુલાબ ! વનપ્રદેશના નિર્ભેળ સત્યમય સુભાષિત! આનંદ!
આટલાં બધાં સ્તરો નીચે સૂવાનું કોઈને પણ ના હજો.”
ઓગણીસ વર્ષના એક નવોદિત કવિએ પોતાનાં કાવ્યો રિલ્કેને પ્રતિભાવ દર્શાવવા મોકલેલાં. તેના સંદર્ભે રિલ્કેએ તેને ખૂબ સ્નેહથી દસ પત્રો લખેલાં. એક નવકવિએ સર્જનના આરંભકાળમાં શી કાળજી લેવી જોઈએ તે પ્રેમથી સમજાવેલું. સૌ પહેલાં તો એમણે સૂચવ્યું કે અંતર્મુખ બનો.
કવિએ બહિર્મુખતા બને એટલી ટાળવી જોઈએ. પ્રામાણ્ય અંદર જુઓ. બહારનું નહિ. સર્જનમાં કોઈ પણ તમને સલાહ આપી ન શકે કે મદદરૂપ ન થઈ શકે. તમારી જાતમાં ડૂબેલા રહો. ભીતર વળો. અને ખોળી કાઢો તમારી અંદર એવું તો શું છે જે તમને લખવા માટે પ્રેરે છે. એ લખ્યા વગર તમે મરી જશો એવું અનુભવો છો? તમારી જાતનું ઉત્ખનન કરો, તમને ઊંડેથી એનો જવાબ મળી જશે જ. અને તમને લાગે કે તમારે લખવું જોઈએ તો જ આરંભ કરો.
બીજું પગલું દર્શાવતાં રિલ્કે કહે છે પછી કુદરતને ખોળે જાવ. એનું સાંનિધ્ય કેળવો. તમે જે જુઓ છો, અનુભવો છો તે જોયા કરો. રિલ્કે આગળ કહે છે, મહેરબાની કરી પ્રેમની કવિતા ના લખતા. એ વિષય ઘસાઈ ગયો છે. આવા વિષયવસ્તુથી દૂર રહેજો. એના બદલે તમારા રોજબરોજના જીવન વિશેની વાતો, તમારી આસપાસ રહેલી વસ્તુઓ પ્રત્યેના ભાવને વાચા આપો. તમારાં દુઃખ અને દર્દ, ઝંખનાઓ અને વિચારોને, સ્મરણો અને સ્વપ્નાંઓને વિનમ્રતા અને સહૃદયતાથી આલેખો. તમારું ધ્યાન આ બધામાં રત રાખો. અતીતમાં સરો અને લાગણીઓને યાદ કરો. તમારી પ્રતિભા ઘડાવા લાગશે. તમારા એકાંતની સીમા વિસ્તારો.
આમ કહી રિલ્કે એ યુવા નવસર્જકને લખેલા પહેલા પત્રમાં બે વાત પર ભાર મૂકે છે. તમારા અન્તરમનમાં અને તમારા અખંડ એકાંતમાં અવગાહન કરો. અંતે અંતર્મુખ બનવા પર ભાર મૂકી એ નવા કવિને લખેલો પહેલો પત્ર પૂરો કરે છે. ‘કવિ’ શીર્ષકના એક કાવ્યમાં એ કહે છેઃ
“મારી કોઈ પ્રિયતમા નથી
નથી કોઈ ઘર,
હું જે કોઈ ચીજના સંપર્કમાં આવું છું
તેને સમૃદ્ધ કરું છું,
અને તે મને અકિંચન બનાવે છે.” (અનુ. ચંદ્રકાન્ત દેસાઈ)
17 ફેબ્રુઆરી, 1903ના રોજ એક યુવા નવકવિને લખાયેલો આ પત્ર એટલો જ પ્રસ્તુત છે, જેટલો ત્યારે હતો. ત્યારે નહોતાં કમ્પ્યૂટર કે ન હતું સોશિયલ મીડિયા. સર્જકચેતનાને ઠરીને ઠામ થવા ન દે એવા આજના માહોલમાં પણ રિલ્કેની એક કવિ માટેની આ નિસબત વધુ પ્રસ્તુત બની રહે છે.
સૌજન્ય : બુદ્ધિપ્રકાશ ઓગસ્ટ 2021
OP 10.11.2021
અર્જુનસિંહ.કે.રાઉલજી.
10-11-2021
મુ.શ્રી રાજેન્દ્રભાઇ પટેલ સાહેબનો આ લેખ બુધ્ધિપ્રકાશમાં વાંચ્યો હતો ત્યારથી ગમી ગયો હતો .આજે અહીં વાંચીને ખૂબ ખૂબ આનંદ થયો .ખરેખર ઘણું બધું શીખવી જાય છે પટેલ સાહેબ આ લેખ દ્વારા. હાર્દિક અભિનંદન સહ વંદન રાજેન્દ્રભાઇ પટેલ સાહેબને
પ્રતિભાવો