રાજેન્દ્ર પટેલ ~ નવસર્જકો માટે મહત્વની વાત

નવસર્જકો માટે સર્જનના આરંભકાળમાં બીજા કોઈની સલાહ, સૂચન કે માર્ગદર્શન લેવું કે કેમ એ મહત્વનો મુદ્દો હોય છે. આમ તો સર્જકના પોતાના અનુભવો અને ઉત્તમ સાહિત્યનું પરિશીલન એની પ્રતિભાનું ઘડતર કરતાં હોય છે, એટલે લેખકે લેખકે આ સ્થિતિ અલગ રહેતી હોય છે, પરંતુ જર્મન કવિ રિલ્કે માનતા કે નવોદિત કવિએ પોતાની રચના માટે બીજાનો અભિપ્રાય લેવો જોઈએ નહિ. એ કહે છેઃ “No one can advise or help you.” રિલ્કે, પ્રામાણ્ય અંદર શોધવાના મતના છે. બહાર નહિ. જ્યારે અંગ્રેજ કવિ બેસિલ બૉનટીંગનો મત જુદો છે.

આ કવિએ તો નવકવિઓ માટે રીતસર એક યાદી જ તૈયાર કરેલી છે! “I Suggest” નામની આ યાદીમાં નવોદિતોએ ધ્યાનમાં રાખવા જોઈએ એવા સાત મુદ્દાઓ છે.

1. કાવ્યની રચના મોટેથી પઠન કરતાં કરતાં કરો. કવિતા કાનની કળા છે.

2. તમારી લાગણીનું વહન કરવા ‘લય’ પર્યાપ્ત છે, નબળા આવેગો નહિ.

3. બોલચાલના શબ્દો અને વાક્યરચનાનો ઉપયોગ કરો.

4. વિશેષણોથી ડરો, એ સંજ્ઞાને લોહીલુહાણ કરે છે. સીધા વિધાનોને ધિક્કારો.

5. આનંદથી રચનાની અંદર રહેલી વાગ્મિયતા કાઢી નાખો પણ એનું સ્વરૂપ જાળવી રાખો.

6. રચનામાંથી, તમારામાં જીગર હોય એટલા શબ્દોની બાદબાકી કરો.

7. રચનાને પડી રહેવા દો. અઠવાડિયા પછી ફરીથી એની પર કામ કરો.

આ યાદીના અંતે એ જણાવે છે કે કાવ્યમાં કદી સમજાવો નહિ. તમારો વાચક તમારા જેટલો જ ચતુર હોય છે, હંમેશા યાદ રાખો કે એના મસ્તિષ્કમાં બે વિશિષ્ટ કાન પણ હોય છે. જો કે મુખ્ય વાત તો એ છે કે સર્જકે સૌ પ્રથમ પોતાની પ્રતિભાની માવજત કરવી જ રહી. પ્રતિભાબીજની માવજત અંગે કાવ્યમીમાંસક રાજશેખરે આજથી આશરે અગિયારસો વર્ષ પૂર્વે વાત કરી છે. ભાવયિત્રી (ભાવક ચેતના) અને કારયિત્રી (સર્જક ચેતના)ની વિભાવના એમણે ‘કાવ્યમીમાંસા’ નામના ગ્રંથમાં કરી છે. સૌ પ્રથમ પ્રશ્ન એ છે કે ભાવક પ્રતિભાને ખીલવવા માટે જરૂરી ગ્રહણ (reception)માં વિઘ્નરૂપ કયાં પરિબળો છે તે વ્યક્તિએ જાણી લેવાં જોઈએ. એટલે નવસર્જક પ્રતિભાને વિઘ્નરૂપ પરિબળો પ્રત્યે સભાન થવું જરૂરી છે. ભાવક અને સર્જક સાથેની આ ૫રસ્પર જોડાયેલી પ્રક્રિયા નવસર્જકો વધુ સભાનતાથી જાણે, આત્મસાત કરે, તેવી અપેક્ષા ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે વધુ પડતી તો ના જ કહેવાય. એણે બેવડી ભૂમિકા અદા કરવાની હોય છે. ભાવક તરીકેની પ્રતિબધ્ધતા અને સર્જક તરીકેની સજ્જતા. આમ કરતાં કરતાં એણે હંમેશા પોતાને જ પોતે અતિક્રમવો જોઈએ. (પોતાની કલમને વધુ ને વધુ કેળવવી જોઈએ)

સૌજન્ય : બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર 2021

OP 19.11.2021

***

અર્જુનસિંહ.કે.રાઉલજી.

19-11-2021

વાહ વાહ .રાજેન્દ્ર .પટેલ સાહેબનાં સૂચનો ખરેખર તો સોનેરી છે.પટેલસાહેબનો હાર્દિક આભાર .સાદર વંદન

છબીલભાઈ ત્રિવેદી

19-11-2021

આજના સેતુ વિભાગ મા નવ સર્જકો માટે ખુબજ ઉપયોગી માહિતી આપી આપણ ખુબ સારો પ્રયાસ છે સિનીયર સર્જકો આવી રીતે ટીપ્સ આપે તો નવોદિતો ને ઘણુ ઉપયોગી થાય આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: