આ મેઘાણી !

આઠેક દાયકા પહેલાંનો પ્રસંગ 

1938 માં રાજકોટ ખાતે અખિલ હિંદ ચારણ સંમેલન ભરાયેલું.ગુજરાત/રાજસ્થાન/વિદેશથી બે હજાર ચારણો આવેલા.સૌના આગ્રહથી ઝવેરચંદ મેઘાણી બોલવા ઉભા થયા.ચારણી સંસ્કૃતિ અને ચારણી સાહિત્ય વિશે મેઘાણીજી એકધારું પોણા બે કલાક બોલ્યા ને ચારણોમાં સોપો પડી ગયો. હાથમાં રહેલા હોકાઓ ય ઠરી ગયા. મેઘાણીજીનું વક્તવ્ય પૂરું થયા બાદ વિદ્વાન ચારણ કવિ શ્રી શંકરદાન દેથા મેઘાણીજીને ભેટીને રીતસર રડી પડ્યા ને બોલ્યા: ” કેવો કળજગ આવ્યો છે! નહિંતર એવું થોડું બને કે એક વાણિયો બોલે ને આ અડાબીડ ચારણો મૂંગા મંતર થઈને, અવાચક થઈને સાંભળ્યા કરે ! બાપ ! માતાજી તમને સો વરસના કરે બાપ ! “

–આ મેઘાણી !

અડધી સદીનાં આયખામાં ય લેખનકાર્યનો સમયગાળો તો રોકડો પચ્ચીસ જ વરસનો ! ને છતાં ય કેટલું યુગપ્રવર્તક સર્જન અને સંશોધન !

–વાર્તા,નવલકથા,જીવનકથા,નાટકો,પત્રકારત્વ,કાવ્યો ,તંત્રીલેખો,પત્રલેખન,લોકસાહિત્ય/સંતવાણી પરત્વે શોધન,સંશોધન,સંપાદન અને બંગાળી/અંગ્રેજી કૃતિઓનું ગુજરાતી અનુસર્જન !

–માણસ એક અને ખેડાણ કેવું ને કેટલું ! સ્વાતંત્ર્યગાનના ઉદ્ગાતા તરીકે જેલવાસ ય ભોગવ્યો !

1947 ના માર્ચ મહિનાની 09 તારીખે હ્રદયરોગના હુમલામાં ખોળિયું છોડી જનાર આ મરજીવા મેઘાણીજીને શ્રદ્ધાંજલિ આપતાં શ્રી ઉમાશંકર જોશી લખે છે:

—“ક્યામતના દિવસે તમારાં નામની બૂમ પડશે ત્યારે, “ક્યાં ગયો પેલો લોકસાહિત્યવાળો ? એમ પડશે ” અને પછી ઉમાશંકર ઉમેરે છે:

” હસતાં હસતાં મેઘાણી કહેતા કે એવી બૂમ પડે એમ મારી ય અંતરની આકાંક્ષા છે.”

–મેઘાણીજીની ભવ્ય મુખાકૃતિ કે એનું ભૂરકી છાંટે એવું ઝળહળતું વ્યક્તિત્વ કે એનો અષાઢીલો મોરલાનો અવાજ આજે ભલે હયાત નથી પણ મેઘાણીની કલમ અને કિતાબનો કસુંબલ રંગ આજે આટલા વરસે ય કામણ પાથરી રહ્યો છે અને આપણને જાણે કે સાદ પાડીને કહે છે:

“ઘોળી ઘોળી પ્યાલા ભરિયા !

રંગીલા ! હો!

પીજો કસુંબીનો રંગ !

હો રાજ !

મને લાગ્યો કસુંબીનો રંગ ! “

છંદ, ગીતો ને સોરઠા, સોરઠ સરવાણી !

રોયાં રાતે આંસુડે,આજ જાતાં મેઘાણી !

–કાગાંજલિ

સાભાર  ~ શ્રી R. P. Joshi

OP 30.8.2021

છબીલભાઈ ત્રિવેદી

30-08-2021

આર, પીસાહેબ ની મેઘાણી ભાઈ વિષે આપેલ કોમેન્ટ ખુબ અભિનંદન ને પાત્ર મેઘાણી ભાઈ ના આવા ઘણા પ્રસંગો છે અને ખરેખર આટલા અડાભીડ ચારણો વચ્ચે એક વાણિયા નો દિકરો અેકધારૂ બોલે અને ચારણો સ્તબ્ધ થઇ સાંભળે તેવિરલ ઘટના છે મેઘાણી ભાઈ તો અેક અવતારી પુરુષ ગણાય કોટી કોટી વંદન આભાર લતાબેન

2 Responses

  1. અરવિંદભાઈ દવે, ગારિયાધાર says:

    મેઘાણીભાઈ….ન ભૂતો ન ભવિષ્યતિ….હા, ન ભવિષ્યતિ…જ….
    કલમ અને કલદારનાં માલિક હોય એવાં તો અસંખ્ય કવિઓ તો આવશે અને જશે….પણ, આવો દિલદાર કવિ હવે બીજો પાકે એવી ભૂમી જ ક્યાં….?
    ફરી-ફરીને કહું કે આભાર કાવ્ય-વિશ્વ….
    આભાર લતાબેન….
    મેઘાણીભાઈને તરોતાજા રાખવા બદલ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: