વિ. પ્ર. ત્રિવેદી : કાવ્યન્યાય (poetic justice)

કાવ્યન્યાય (poetic justice) : સર્જનાત્મક સાહિત્યમાં સજ્જન અને દુર્જનને તેમનાં કૃત્ય અનુસાર થતી ફળપ્રાપ્તિના નિરૂપણનો સિદ્ધાન્ત. તેનો સૌપ્રથમ પ્રયોગ કર્યો અંગ્રેજ વિવેચક ટોમસ રાઇમરે. તેમનાં ‘’ટ્રેજે ડિઝ ઓવ્‌ ધ લાસ્ટ એજ કન્સિડર્ડ'(1678)માં કૃતિના અંતે સજ્જનોનું રક્ષણ અને દુર્જનોના વિનાશની કલ્પના દર્શાવવા માટે અથવા તો વિવિધ પાત્રોના સુકૃત્ય કે દુષ્કૃત્યનો બદલો આપવાનું સૂચન આ શબ્દપ્રયોગ દ્વારા કર્યું હતું. રાઇમરની એ ધારણા હતી કે વાસ્તવિક દુનિયામાં ખરેખર ‘ધર્મીને ઘેર ધાડ ને દુર્જનને ઘીકેળાં’ જેવી ઘટનાઓ બનતી હોય છે. તે પ્રમાણે કાવ્યમાં બનવું ન જોઈએ. કાવ્ય તે કવિની સાર્વભૌમ સત્તાનું ક્ષેત્ર હોવાથી તેના પર ચાલતો વ્યવહાર કવિના શિષ્ટાચાર અને નીતિમત્તાના ઊંચા માપદંડ અનુસાર મૂલવવો જોઈએ. એ વાત ખરી કે આ સિદ્ધાંત કરૂણ સંકટ(પીડા)ની શક્યતાનો સમૂળો છેદ ઉડાડે છે. જોકે કેટલાક સમર્થ લેખકોમાં છેક રાઇમરના સમયથી શરૂ કરીને આજ (2005) પર્યન્ત આ સિદ્ધાંતનું પાલન થયેલું જોવા મળે. છતાંય એવું બને કે કોઈ કૃતિમાં ક્યારેક નાયક કે પુરસ્કર્તા પાત્ર પોતાની કરુણન્યૂનતા(tragic-flaw)થી ઉપરવટ જઈ કાવ્યન્યાયથી વિપરીત પરિણામ ભોગવતો ભોગવતો ગૌરવ અને પ્રશંસાનો અધિકારી બને છે.

અન્યાયોથી મુક્ત કરનારી કોઈ દૈવી દયાશીલ શક્તિ વિશ્વનું સંચાલન કરે છે તે ખરું. પરંતુ, આ પરિસ્થિતિનું ચિત્રણ કરવા જતાં સર્જક જીવનનું વાસ્તવિક દર્શન કરાવી શકતો નથી એ મુશ્કેલી છે.

અમુક કૃતિઓમાં થતા દુઃખદ ઘટનાના નિરૂપણમાં પાત્ર પોતે પોતાનાં દુષ્કૃત્યનો ભોગ બનતો. હોય છે. શેક્સપિયરની સુપ્રસિદ્ધ નાટ્યકૃતિ ‘હેમ્લેટ’માં લેયર્ટીસ હેમ્લેટને જાનથી મારી નાંખવા તલવારની ટોચ ઉપર કપટથી વિષ લગાવી દે છે, પરંતુ તે જ તલવારથી હેમ્લેટ લેયર્ટીસને મરણતોલ રીતે જખમી કરી બેસે છે. આ ઘટના વિધિના લેખ અચલ હોય છે તેવી પરંપરાગત કલ્પનાનું સમર્થન કરતી જણાય છે.

આમ દુષ્કૃત્યને યોગ્ય સજા થવી જોઈએ અને સત્કૃત્યને ન્યાયપુર:સર ફળ પ્રાપ્ત થવું જોઈએ. એવું કાવ્યન્યાયના સિદ્ધાન્તમાં અભિપ્રેત છે. જોકે સત્તરમી સદીના અંત પછી કેટલીય કૃતિઓમાં અને ખાસ કરીને કોર્નેલ તથા એડિસન જેવા સર્જકોએ આ માન્યતાનો સમૂળગો છેદ ઉડાડી દીધો. છતાંય સાહિત્યની કૃતિમાં કાવ્યન્યાય હોવો ઘટે એવું સામાન્ય ભાવકનું મનોવલણ રહ્યું છે.

વિ. પ્ર. ત્રિવેદી

ગુજરાતી વિશ્વકોશમાંથી સાભાર

OP 16.9.2021

છબીલભાઈ ત્રિવેદી

16-09-2021

વિ, પ્ર, ત્રિવેદી સાહેબે કાવ્ય ન્યાય દ્નારા ખુબ સરસ લેખ આપ્યો ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: