‘ઈર્શાદ’ની કેટલીક વાતો * ચિનુ મોદી * Chinu Modi 

ગુજરાતના લોકપ્રિય અને ખ્યાતનામ કવિ ચિનુ મોદી. માત્ર કવિ જ નહીં, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક પણ. ‘રે મઠ’ના સદાબહાર કવિઓમાંના એક. બાવન પુસ્તકો સાથે સાહિત્ય અકાદમી એવોર્ડ, વલી ગુજરાતી એવોર્ડ અને નરસિંહ મહેતા એવોર્ડ એમના ખાતે નોંધાયેલા છે એવા કવિ ચિનુ મોદીની થોડીકમજા પડે એવી વાતો.  

કવિ ચિનુ મોદી કોલેજમાં ભણતા હતા ત્યારની વાત. એમના મિત્ર અને જાણીતા પત્રકાર સુધીર માંકડે એમને પોતાના નાના ઉછંગરાય ઓઝાની બે કાવ્યપુસ્તિકાઓ ‘શેણી વિજાણંદ’ અને ‘મેહ-ઊજળી’ ભેટ આપી, જે ન્હાનાલાલની અપદ્યાગદ્ય શૈલીમાં લખાયેલી. કવિ ચીનુ મોદી એ વાંચીને પ્રેરાયા અને એ જ શૈલીમાં જવાહરલાલ પર કવિતા લખી.

લખી તો ખરી પણ પછી ડરતાં ડરતાં એમણે કવિ શ્રી નિરંજન ભગતને બતાવી. ભગતસાહેબે એ વાંચી અને પૂછ્યું,

“જવાહરલાલ તને ઓળખે?”

આવા સીધા સટાક પ્રહારથી સ્તબ્ધ થયેલા કવિ કંઇ જવાબ આપે એ પહેલાં જ ભગતસાહેબે કહ્યું,

“તારી ઉંમર છે એ વખતે થતાં સંવેદનને લખ અને છંદમાં લખ.” 

કવિ ગુરુની શીખ માન્યા. તરત પ્રેમમાં પડ્યા અને છંદમાં એક ગીત લખી નાખ્યું, 

અંતર મારું એકલવાયું, કોને ઝંખે આજ ?

કારણ કોના થઈ ગયાં કે ના સૂઝે રે કાજ ?

કરૂણતા જુઓ ! કવિનું આ પ્રથમ પ્રેમકાવ્ય ‘વિશ્વમંગલ’ નામના ધાર્મિક સામયિકમાં છપાયું ! કવિએ પોતાના પુસ્તક ‘જલસા અવતાર’માં લખ્યું છે કે હજી આટલા વર્ષે પણ એ દુખ ગયું નથી !!

ફરીવાર પણ આવું કંઈક થયું.

કવિ વિજાપુરની કોલેજમાં ભાષણ આપવા ગયેલા. કોલેજના મકાનમાં શાળા પણ ચાલતી હતી. કોલેજ પૂરી થાય અને શાળા શરૂ થાય પછી એમને ભોજન માટે આચાર્યને ત્યાં જવાનું હતું. શાળા શરૂ થઈ, પ્રાર્થનાનો બેલ વાગ્યો અને શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના ગાવાની શરૂ કરી…

પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી

ઈર્શાદ આપણે તો, ઈશ્વરને નામે વાણી.’

પોતાની એક રોમેન્ટીક ગઝલનું, એમાં માત્ર ‘ઈશ્વર’ શબ્દ આવતો હોવાથી પ્રાર્થનામાં રૂપાંતર કરી નાખનારા લોકો માટે હસવું કે રડવું ? કવિ ચિનુ મોદીએ તો ખડખડાટ હસી નાખ્યું પણ એમ થાય કે આવા અણઘડ શિક્ષકો માટે શું કહેવું, જેઓ કવિતા અંગે સાવ સાદી, પ્રાથમિક સમજણ પણ ધરાવતા નથી, એ વિદ્યાર્થીઓને ભણાવે છે ! શિક્ષણખાતા માટે અને આપણાં સૌ માટે આ શરમજનક ન કહેવાય !

લતા હિરાણી

(કવિના પુસ્તક ‘જલસા અવતાર’ને આધારે) 

OP 26.8.2021

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

26-08-2021

મજાની વાતો જાણવા મળી. આમતો કવિએ જે એની રચનામાં જે અર્થમાં કહ્યું હોય એ એનેજ ખબર હોય. જૂદા જૂદા ભાવકો અને આસ્વાદકો કાવ્ય/ગઝલના શેરનો જે અર્થ કાઢે એ થોડા એવું લખતા હોય એમને એકબીજાની જાણબહાર લખવાનું કહીએ તો ખબર પડે કેવું સરસ વૈવિધ્ય મળે છે.
‘પર્વતને નામે… ‘ શેરનું અર્થ ઘટન કરવું એજ એવો દાખલો છે, જે સહેલાઈથી સમજી સકાતો નથી.

Mahesh Dave

26-08-2021

કવિ ચિનુ મોદીના ‘જલસા અવતાર’માં મને પણ એમની મૈત્રીનો લાભ મળ્યો હતો. ગુજરાતી સાહિત્ય રસિકોને જણાવતાં આનંદ થાય છે કે ઈર્ષાદનું મહાભારત આધારીત નાટક ‘ સ્વપ્ન દુ:સ્વપ્ન’ નો મેં કરેલો અંગ્રેજી અનુવાદ ‘ A Dream within a Dream’, Sahitya Akademi, New Delhi દ્વારા પ્રકાશિત indian Literature Bi – Monthly Journal No. 274 March/April 2013 અંકમાં PP. 142 – 179
પર પ્રકાશિત થયેલો. 🙏🏼🙏🏼🙏🏼

છબીલભાઈ ત્રિવેદી

26-08-2021

કવિ શ્રી ચિનુ મોદી સાહેબ વિશે ખુબજ રસપ્રદ માહિતી આપી નરસિંહ મહેતા અેવોર્ડ વખતે રૂબરૂ સાંભળેલા ખુબજ ઉમદા રચના ઓ ઇર્શાદ સાહેબે આપણ ને આપી છે પ્રણામ આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: