હું ગુજરાતીમાં લખતો ભારતીય લેખક

મંત્રદૃષ્ટા કવિ ઉમાશંકર જોશી અંગે કેટલીક રસપ્રદ વાતો

કોઈએ કવિને પૂછ્યું હતું કે તમને કેવી રીતે ઓળખાવું ગમશે ? 

કવિ ઉમાશંકર જોશીનો જવાબ હતો – “એઝ એ મેન ઓફ પબ્લીક અફેર હું ઓલસો રોટ સમ સ્ટોરી સમ પોએટ્રી.” – “હું જાહેરજીવનનો માણસ છું જેને કેટલાક કાવ્યો અને કેટલીક વાર્તાઓ પણ લખ્યાં…”

~~~~~~~~~~

“દૂરથી ગીત સાંભળું તો લયમાં એટલો બધો ખોવાઈ જાઉં કે કાન શબ્દોને બરાબર પકડી ન શકે.” – ઉ.જો.

~~~~~~~~~~

કવિની ખૂબ જાણીતી પંક્તિઓ – ‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણીયે ન લાધશે”

આ કાવ્યનો ખરો આનંદ કવિને પોતે જ્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવા આપતા હતા ત્યારે થયેલો. યુનિવર્સિટીના કર્મચારીઓ એકવાર હડતાળ પર ઉતર્યા હતા અને કવિ તરફ આવી રહ્યા હતા.

સૂત્રોચ્ચાર થતો હતો ! આગળ રહેલો નાયક ગાજતો હતો – ભૂખ્યા જનોનો જઠરાગ્નિ…. અને એકઅવાજે બાકીના સૌ ઝીલતા હતા – ‘જાગશે’ !!!

~~~~~~~

“નવી કવિતા સર્વાંગસંપૂર્ણ છે એમ કહેવાનો આશય નથી. વાસ્તવિકતા શોધવા જતાં કોઈ વાર તુચ્છતા જ એને હાથ લાગે છે પણ એ પ્રયાસ પાછળની વિશાળ-હૃદયતા તિરસ્કારપાત્ર ન ગણાવી જોઈએ. નવીનપણુ તો કાળના વહેવા સાથે લુપ્ત થવાનું પણ કાવ્યતત્વ જ એની જીવાદોરીનો આધાર રહેશે.” – ઉ.જો.

~~~~~~

જ્યારે કવિવર ઉમાશંકર જોશીએ Nikita Khrushchevને કહ્યું,

“હું માનવ હૃદય સુધી પહોંચવાનાં રોકેટ સર્જી રહ્યો છું.”

આ વાત 1960ની છે. એ વખતે રશિયાના પ્રેસિડેન્ટ Nikita Khrushchev ભારતની મુલાકાતે આવેલા. તેમના માનમાં જવાહરલાલ નેહરુએ ભોજન સમારંભ યોજેલો. તેમાં કવિવર ઉમાશંકર જોશીને પણ આમંત્રણ મળેલું.

નેહરુએ Nikita Khrushchevને ઉમાશંકર જોશીનો પરિચય કરાવ્યો. એ દિવસોમાં રશિયાએ રોકેટ છોડેલું. કવિએ Nikita Khrushchevને હળવાશથી કહ્યું કે I am devising rockets to reach the human heart (હું માનવ હૃદય સુધી પહોંચવાનાં રોકેટ સર્જી રહ્યો છું).

સાભાર : રમેશ તન્ના

~~~~~

કવિ ઉમાશંકર જોશીના પદ્યનાટક ‘મહાપ્રસ્થાન’માં એક નાટિકા છે ‘મંથરા’.

‘મંથરા’ કંઈક એમ આવ્યુ હતું. કવિ લખે છે, 

“મારે 7-8 કલાક ઊંઘવા જોઈએ. લખવા માટે ઉજાગરો કરું નહીં. પણ એ વખતે લીટીઓ ઉપર લીટીઓ આવે. પડખે બારીમાં એક ડાયરી પડી હતી તેમાં પડ્યો પડ્યો, અંધારામાં જ પેન્સિલથી એ લખી લઉં. અંધારું હતું એટલે એક ઉપર બીજી ન આવી જાય એથી લીટી સાથે પાનું બદલતો જાઉં ! ઉજાગરો ન કરવાનો મારો નિર્ણય અને કવિતાને ઉતરવાની જીદ સામસામે ચાલી. ન મેં ઊભા થઈ બત્તી કરી લખ્યું ન કવિતાએ આવવાનું છોડ્યું ! અને ‘મંથરાનું’ મુખ્ય કામ એ જીદ દરમિયાન જ થઈ ગયું !”

OP 24.7.2021

Sarla Sutaria

26-07-2021

માનવ હૃદય સુધી પહોંચવાના રોકેટ….આમ કહીને કવિતાને કેવી ઉર્ધ્વગામી બનાવી દીધી. ઉમાશંકર જોશી સાહેબ વિશે ઘણું જાણવા મળ્યું. આભાર લતાબેન 🙏

છબીલભાઈ ત્રિવેદી

24-07-2021

કવિ શ્રી ઉમાશંકર જોશી સાહેબ ની ઘણી અદભુત વાતો જાણવા મળી કાવ્યવિશ્ર્વ માટે ની લતાબેન ની મહેનત કાબીલે દાદ છે કાવ્યવિશ્ર્વ ખરેખર ખુબ રસપ્રદ બની રહ્યુ છે આભાર લતાબેન

આભાર આપનો

24-07-2021

સાચું કહ્યું પ્રફુલ્લભાઈ. આભાર.

સરલાબેન, પ્રફુલભાઈ, મેવાડાજી આભાર

‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતીઓનો આભાર.

પ્રફુલ્લ પંડ્યા

24-07-2021

કવિશ્રી ઉમાશંકર જોશીનો એક એક શબ્દ મહત્વનો હોય, અહીં રજૂ કરવામાં આવેલી કવિની વિચાર સૃષ્ટિમાં એક મહાન કવિ અને સાધકની જીવન દ્રષ્ટિ અને અનેરી વિચાર- ચિંતનની પળો માણવા મળે છે.સમગ્ર વિચાર સંકલન કવિનાં જે તે સમયનાં પ્રેરક ઉદગારો અને કથનોનો રસપ્રદ પ્રસાદ પીરસે છે.ખૂબ ઉપયોગી થૈ પડે તેવી વાંચન સામગ્રી ! હાર્દિક આભાર સાથે,
પ્રફુલ્લ પંડ્યા

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

24-07-2021

સંપૂર્ણ કવિતા ને વરેલા શ્રી ઉ. જો.ની સરસ વાતો જાણવા મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: