ડો. હરિવલ્લભ ભાયાણીસાહેબ સાથેની યાદગાર ઘટના

“લતાબહેન, પસંદ કરેલા ભગવદ ગીતાના શ્લોકોની કેસેટ બનાવવાનું તમારું કામ કેટલે પહોંચ્યું ! વિચાર ખૂબ સારો છે. કામ પડતું મુકશો નહીં. કોઈ મદદની જરૂર હોય તો સંકોચ વગર કહેશો.” – હરિવલ્લભ ભાયાણી

ઉપરના શબ્દો સાથેનું એક પોસ્ટકાર્ડ મને મળ્યું.

હવે દસકાઓ પહેલાંની આ ઘટના લખું.

મારી ચાલીસી પહેલાંનો સમય અને ગૃહિણી તરીકેની ભૂમિકા પૂર્ણરૂપે ચાલી રહી હતી. (વર્ષ અંદાજે 1986-87) ક્યારેક મન થાય તો ડાયરીમાં કશુંક ટપકાવી લેવું, બાકી સાહિત્યના કક્કો-બારાખડી સાથે ક્યાંય કનેકશન નહોતું. અભ્યાસ છૂટવા સાથે એ બધું છૂટી ગયું હતું.

મારા પાડોશીભાઈએ એકવાર કહ્યું, “તમને વાંચવું ગમે છે તો મારા મામાનું નામ મોટું છે. તમને મળવું હોય તો લઈ જાઉં.”

“શું નામ એમનું ?”

“એ સંસ્કૃતના વિદ્વાન છે, હરિવલ્લભ ભાયાણી”

“હું એમને પૂછીને કહું”

મારે સ્વીકારવું જ પડે કે મને આ નામની ખબર નહોતી ! હું હિન્દી સાહિત્ય ભણી એટલે થોડાક હિન્દી સાહિત્યકારોની મને ખબર હોય. પણ ‘પ્રોફેસર’ શબ્દ સાંભળીને મળવાનું મન થયું.

પછી મેં મારા પતિ જગદીશને વાત કરી. એમણે કહ્યું,

“જરૂર જા, આવા લોકોને મળવું જોઈએ, તને કાંઈક નવું શીખવા મળશે.”

એમનો હંમેશા આ જ વ્યવહાર હતો. વ્યક્તિત્વ વિકાસના પૂરા હિમાયતી. કોઈ બાબતની ‘ના’ નહીં.   

સમય નક્કી કરીને અમે ગયા. હું ભાયાણીસાહેબને જરાય જાણતી નહોતી. વાતાવરણ ભારેખમ લાગે. પુસ્તકોના દરિયામાં જાણે અમે બેઠા હતા. મારે વાત શું કરવી એની મોટી મૂંઝવણ. કંઈક સંકોચ સાથે બેઠી.

એ ભાઈએ મારો પરિચય કરાવ્યો. (હું એમનું નામ પણ ભૂલી ગઈ છું !)

“આ અમારા પાડોશી લતાબેન. એમને વાંચવું ગમે.” મારો પરિચય આનાથી વધારે હતો જ નહીં.

એમણે જરાય મોટપ બતાવ્યા વિના મારી સાથે બહુ સારી રીતે વાત કરી. મને જરી રાહત થઈ. એમણે કહ્યું, 

“બસ આમ જ વાંચતા રહો. મનમાં આવે એ લખો. બધાની શરૂઆત એમ જ હોય. કાંઈ બીજું કરવા વિચાર છે ?”

હું થોડી ખુલી. “મારા પપ્પાનું હમણાં જ અવસાન થયું. મારી ઇચ્છા છે કે ભગવદગીતાના અમુક શ્લોક પસંદ કરી એનું મારા શબ્દોમાં એનું ગુજરાતી ભાષાંતર કરી પઠન કરું અને પપ્પાની યાદમાં કેસેટ બનાવું.”

(હું આકાશવાણીની નાટકો માટે માન્ય કલાકાર હતી અને આકાશવાણીમાં એ પ્રકારના કામો કરતી)

તેઓને વાત ગમી. “આ બહુ સારું પિતૃતર્પણ છે. જરૂર કરો અને મારી મદદની જરૂર હોય તો ચોક્કસ કહેજો. સંકોચ ન રાખશો.” અમે વિદાય થયા.

આ મારી કલ્પના બહારની વાત હતી. આવા મોટા માણસ મારા કામમાં આમ રસ લે ? એમને મળીને એટલો ખ્યાલ તો આવ્યો જ હતો કે મારા પાડોશી સાચા છે. આ દાદા બહુ વિદ્વાન હોય એમ લાગે છે  અને એય થયું કે હા, આવી વાત સાંભળીને કોઈનો પ્રતિભાવ આવો જ હોય ને ! બીજું શું કહે !! મારી વાત કરું તો મનમાં આવી ઈચ્છાઓ તો કેટલીય રમતી હોય ! પણ મારા વિચારોને સ્થગિત થઈ જવાની પૂરી ટેવ ! આચારમાં ઉતારવાની ખાસ આદત નહીં. હું તો ઘરે આવીને પાછી કામમાં પડી ગઈ. પેલી વાત એકબાજુ.

વીસ-પચીસ દિવસ પછી મારા સરનામે એક પોસ્ટકાર્ડ આવ્યું. જી, એ પોસ્ટકાર્ડ ડો. હરિવલ્લભ ભાયાણી સાહેબનું હતું ! જેમાં મેં શરૂઆતમાં લખ્યા એ ચાર વાક્યો લખેલા હતા ! હું આભી બની ગઈ ! આવા મોટા વિદ્વાન માણસને મારા જેવી ગૃહિણીના કામ માટે આવી ખેવના ! અને તોય હું કહીશ કે ત્યારે ‘આવા મોટા વિદ્વાન’ એટલે કેવા મોટા, એની ખબર તો હું 2000 પછી સાહિત્યક્ષેત્રે થોડી પ્રવૃત થઈ એ પછી ખબર પડી ! કેટલા ઉમદા માણસ !

મેં તરત એમને જવાબ લખ્યો. આભાર માન્યો અને કામ કરીશ એમ લખ્યું. જો કે કેસેટ બનાવવાનું કામ તોય ઘણા વર્ષો પછી થયું અને તેય કારણ એ કે મનમાં એક જ વાત રમતી હતી કે આવા મોટા માણસે મારા કામમાં રસ બતાવ્યો છે તો મારે કરવું જ જોઈએ. એનું નિમિત્ત પણ જરા જુદું. બીજા એક સંબંધી દાદાજીના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા. એમની માથામાં થયેલી ગાંઠ ફૂટી ગઈ હતી જેમાંથી નીકળતા પરુની દુર્ગંધને કારણે એમની પાસે કોઈ બેસી શકતું નહોતું. આથી રાતોરાત ચોવીસ કલાકમાં એ કેસેટ બનાવી. આખી રાત બેસીને સ્ક્રીપ્ટ લખી અને સવારે ‘પ્રકાશ સ્ટુડિયો” વાળા પ્રકાશભાઈએ પ્રેમથી કોઈ મહેનતાણું લીધા વિના રેકોર્ડીંગ કરી આપ્યું અને સાંજે એ કેસેટ પેલા દાદાજીના રૂમમાં વાગતી થઈ. એ પછી એ દાદાજી અઠવાડિયું જીવ્યા..

એ કેસેટ બની, પછી ઓડિયો સીડી બની એમાં ભાયાણીસાહેબના પ્રોત્સાહક પ્રતિભાવનો કેટલો મોટો ફાળો ! પોસ્ટકાર્ડના એ ચાર વાકયોએ મારી હિમ્મત વધારી દીધી હતી ! 

થોડાક વરસો પહેલાં ‘ભાયાણી સાહેબના પત્રો’નું એક સંપાદન થયું ને મને એની જાણ થઈ ત્યારે પેલું પોસ્ટકાર્ડ યાદ આવ્યું ! જે મારાથી સચવાયું નહોતું ! અને ત્યારે એય થયું કે એ માત્ર વિદ્વાન જ નહીં, કેટલા મહાન અને ઉમદા માનવી હતા !

આજે ભાયાણીસાહેબનો જન્મદિવસ, 104 વર્ષ થયાં અને આદર વંદન સાથે મારી આ વાત પૂરા ભાવથી શબ્દોમાં મૂકું છું. ડાયરીમાં જે લખી રાખ્યું તું એના આધારે.         

OP 26.5.2021

મનોહર ત્રિવેદી

10-07-2021

ભાયાણીસાહેબના અનુભવને તમે હૃદય ખોલીને આલેખ્યો. ધન્યવાદ બહેન.

નીતિન વિ મહેતા

14-06-2021

આપ ખરેખર અત્યંત ભાગ્યશાળી છો, કે ભાયાણી સાહેબ જેવા વિદ્વાન સાથે આપની મુલાકાત થઈ. સાહિત્ય ક્ષેત્રે પ્રવેશ કરવા બદલ આપણે યોગ્ય દિશા મળી. હું આપની સર્જન પ્રક્રીયાથી પરિચિત છું. હાલમાં જ આપની વેબસાઈટ જોઈ પ્રભાવિત થયો છું. જ્ઞાનનું વૈપુલ્ય છે. અભિનંદન સહ શુભેચ્છા સ્વીકારશો.

હસમુખ અબોટી ‘ચંદન’

27-05-2021

ભાયાણી સાહેબ સાથેના સંસ્મરણો ખરે જ બહુમૂલ્ય ગણાય. ભાયાણી સાહેબ જેવી વિદ્વજ વ્યક્તિ હવે પછીના કાળમાં દુર્લભ મળશે ત્યારે આ પ્રસંગ યાદગાર બની રહે છે.

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

26-05-2021

સાહિત્યમાં કે કોઈ પણ ઉર્ધ્વગામી કામમાં કોઇ આંગળી પકડી પ્રોત્સાહન આપે એ પ્રસંગ કદી ન ભૂલાય એવોજ હોયછે. ભાયાણી સાહેબ જેવા ઘણા ઉમદા વરિષ્ઠ સાહિત્યકારો એ આવું કામ કર્યું છે, કરવા જેવું છે.

છબીલભાઈ ત્રિવેદી

26-05-2021

હરિવલ્લભ ભાયાણી સાહેબ ને મહુવા કૈલાસ ગુરુકુળ ખાતે સંસ્કૃત સત્રમા મળવા નુ બન્યુ ખુબજ ઉમદા વ્યક્તિ મોટાઈ અમથી નથી મળતી મહાન માણસો ખુબજ સહજ, સરળ હોય તેનેજ મોટા કહેવાય ખુબ સારો લેખ અભિનંદન લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: