ચિનુ મોદી ‘ઇર્શાદ’ ~ બિંબ છું Chinu Modi
સૂર્યનું પુષ્પે ઝિલાતું બિંબ છું,
હું દૂભાતું, કોચવાતું બિંબ છું.
તું સપાટી પર મને શોધ્યા ન કર,
પાણીમાં તળિયે લપાતું બિંબ છું.
સાવ સામે ક્યાં જરૂરી હોઉં છું?
હું અરીસામાં મઢાતું બિંબ છું.
કેમ અટકી જાઉં છું કોને ખબર?
રાત પડતાં ખોટકાતું બિંબ છું.
કાયમી માયા ગઈ ‘ઇર્શાદ’ની,
તીક્ષ્ણ પળથી ઘસાતું બિંબ છું.
~ ચિનુ મોદી ‘ઇર્શાદ’
વાહ ખુબ સરસ રચના બધા શેર ખુબ ગમ્યા અભિનંદન
કવિ, સાહિત્યકાર ‘ઈર્શાદ’ ને સમૃતિ વંદન