
હરિ, તમે અન્યાય કરો છો એમ ન રાખો ભાર,
હરિ, આપણો હસતાં રમતાં નભી જશે સંસાર…
હું જાણું છું તમે જમીનમાં રહીને ફોડો ઘાસ,
તમે ન હો તો કોઈ રીતે ના થાય હવાનો શ્વાસ,
આવાં અઘરાં કામ કરો તો હુંય કરું કંસાર…
હરિ, આપણો હસતાં રમતાં…
મેઘધનુમાં રંગ ભરો ને કરો છીપમાં મોતી,
ફૂલોમાં હો મ્હેક તમારી ને આંખોમાં જ્યોતિ,
આવાં ઝીણાં કામ કરો તો કેમ કરું તકરાર?
હરિ, આપણો હસતાં રમતાં…
હરિ, તમે હૈયે રાખો તો શૈયે રહું ન ક્યાંય,
તમે ભલેને વિશ્વે વ્યાપો, મને દો કેવળ ઝાંય,
હરિ, આટલો દો આધાર તો વરસું અનરાધાર,
હરિ, આપણો હસતાં રમતાં…
~ રવીન્દ્ર પારેખ
અઢળક હરિકાવ્યો લખાય છે એટલે જ મારી ભૂલ ન થતી હોય તો કવિ ધીરુ પરીખનું કાવ્ય છે, ‘હરિ ચડ્યા હડફેટે’… એમાં એમણે કવિઓને જ હડફેટે લીધા છે. હા, એમાં અપવાદ હોય જ અને આ એ શ્રેણીમાં આવતું ગીત.
આખુંય ગીત સરસ અને ‘તમે ન હો તો કોઈ રીતે ના થાય હવાનો શ્વાસ’ …… વારી જવાય એવી.

ખુબ સરસ ગીત, વાહ 👍🏼👍🏼👍🏼
“હરિને ભજતાં હજી કોઈની લાજ જતી નથી જાણીરે” યાદ આવી ગયું.
વાહ.. સરસ હરિ કાવ્ય
સરસ ગીત રચના