નેહલ વૈદ્ય – સુગંધની સૂરાવલિ Nehal Vaidya Lata Hirani
કાવ્યસેતુ 438. નેહલ વૈદ્ય – સુગંધની સૂરાવલિ 30.5.23
સુગંધની સૂરાવલિ
પ્રત્યેક ક્ષણમાં સાચું જીવાય તો મજાનું,
હર પળ છે એક ઉત્સવ, ઉજવાય તો મજાનું.
આવે છે જો, હવામાં સંદેશ મોસમોના,
ફૂલો લખે છે ચિઠ્ઠી, વંચાય તો મજાનું.
વાગી રહ્યું સદાયે આકાશમાં નિરંતર,
સંગીત છે અલખનું, સંભળાય તો મજાનું.
વાતો રહે અધૂરી, મિલન બને મધૂરું;
આંખોની મૌન ભાષા સમજાય તો મજાનું
હરદમ રહે ફકીરી, ઉત્થાન કે પતન હો,
મૃત્યુ મને મળીને હરખાય તો મજાનું.
~ નેહલ વૈદ્ય
ક્યારેક નવા નામોનો પ્રકાશ આંખમાં અંજાઈ જાય અને આનંદ વ્યાપી જાય. અહીં શરૂઆત કોઈ મોટીવેશનલ સ્પીકરની વાત જેવી લાગે. જો ત્યાંથી અટકી ગયા તો એક સારી રચના ગુમાવવાનો પાછળથી અફસોસ કરવો પડે! પણ જરા જુદી રીતે જોઈએ તો જીવનને હર પળ જીવવાની વાત કે પ્રત્યેક પળને ઉત્સવ માનવાની વાત કોઈ પણ કરી શકે. આવા સરસ મજાના વિચાર પર થોડો કોઈનો ઇજારો હોય! સમજ્યા એ જ સોનું.
કાનનબાલાનું નામ જૂની પેઢીને અજાણ્યું નથી. સ્વરોની દેવી કાનનદેવી. એ નાના હતા ત્યારે વાંચવાનો જબરો શોખ. ભાગવતની કથાનો સંગ્રહ વાંચતાં એક પ્રસંગ એમના મનમાં વસી ગયો. એક પંડિત રોજ એક રાજાને ભાગવત વાંચીને સંભળાવે. પછી પૂછે, ‘રાજાજી, કાંઈ સમજ્યા?’ રાજા હસતાં હસતાં જવાબ આપે કે ‘પહેલાં તમે સમજો.’ એક દિવસ પંડિતજીના હૃદયમાં વૈરાગ્ય જન્મ્યો અને એ સંસારની માયા છોડીને ચાલ્યા ગયા. જતાં પહેલાં રાજા માટે એક ચિઠ્ઠી મૂકતા ગયા કે ‘રાજા, હું સમજ્યો છું.’ અને આ આખીયે વાત કાનનદેવીના મનમાં ઊંડે ઉતરી ગઈ.
સમજણનું એવું જ છે. ક્યારે કઈ ક્ષણે એ ઊગી નીકળે અને રોમ રોમમાં વ્યાપી જાય એ કહેવાય નહીં. કશુંય વાંચ્યા વગર પણ એ સવાર અંદરથી જન્મે. બસ આ વાતનો વિસ્તાર ખૂબ સુંદર રીતે આખી ગઝલમાં થયો છે. ફૂલોની ચિઠ્ઠી વાંચવાનું કે અલખનું સંગીત સાંભળવાની વાત કેવી કાવ્યમય છે!
જો બધી વાતો પૂરી થઈ જાય તો સંબંધનું સૌંદર્ય ઓજપાઈ જાય. અધુરપમાં જ મધુરપ છે. સર્વશ્રેષ્ઠ ભાષા એ મૌન. શબ્દોથી ભાષા બને અને એ વ્યવહાર માટે જરૂરી, પણ શબ્દો ક્યારેક લાગણી વ્યક્ત કરવામાં નડતર પણ બને. માત્ર આંખની કે સ્પર્શની ભાષાની તોલે બીજો કોઈ સંવાદ ન આવે! એ અનુભવ્યા વગરનું જો કોઈ હોય તો એનો જન્મારો વ્યર્થ ગયો જ. છેલ્લો શેર પૂરી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. મૃત્યુ જેને મળીને હરખાય એનું જીવન કેવું ઉમદા!
~ લતા હિરાણી
સરસ કાવ્ય નો ખુબ ઉમદા આસ્વાદ ખુબ ખુબ અભિનંદન
સરસ સરળ છતાં નોંધનીય ગઝલ માટે નેહલ વૈદ્ય ને ખૂબ ખૂબ અભિનંદન. આપણે સાચું માણવું અને જીવવાનું ભૂલી ગયા છીએ એ વસવસાની સાથે જ “તો મજાનું”… રદ્દીફ રાખીને ગઝલને એક નવું પરિમાણ આપ્યું છે. લતાબેનનો આસ્વાદ પણ ખૂબ માર્મિક છે.
મારી રચનાને અહીં સ્થાન આપી પોંખવા માટે અને અર્થનું ઉદઘાટન કરતા સુંદર આસ્વાદ માટે ખૂબ ખૂબ આભાર.🙏
નેહલ
નેહલબેન, આનંદ વહેંચવાનો છે……
વાહ, એક કવિના કાવ્યને આટલો સરસ આસ્વાદીક લેખ મળે તો આનંદ થાય, વાંચનારને પણ.
આભાર મેવાડાજી
કાવ્યવિશ્વમાંથી પસાર થતાં જણાઈ આવે છે કે કાવ્યવિશ્વની યાત્રા એ ખરેખર સર્જકનાં સર્જકત્વની, તેનાં સાહિત્યની, તેનાં શબ્દોની ઉર્ધ્વગતિની યાત્રા છે. ભાવકો સમક્ષ મુકાતી તમામ કૃતિ ભાવકનાં ચિત્તતંત્રને ઝંકૃત કરે તેવી યોગ્યતા ધરાવે છે. આનંદ છે કે આ યાત્રાની ધૂરા તમારા જેવા પીઢ અને વિચારવંત સર્જકનાં હાથમાં છે.
આનંદ છે ઈશિતા
નેહલ વૈદ્યની આ ગઝલ સરળતાથી દિલ અને દિમાગ બંનેને તરબતર કરે છે અને લતાબેન આસ્વાદલેખ મારફત તેને નિખાર આપે છે.
આભાર હરીશભાઈ