આદિલ મન્સૂરી ~ કદી મૌન થૈને

કદી મૌન થૈને સરી ગયા કદી શબ્દ થૈને ખરી ગયા
અમે મોસમોના વિકાસમાં જે થઈ શક્યું તે કરી ગયા

અમે જિંદગીનું વિશેષ રણ ગમે તેમ પાર કરી ગયા
કદી ઓસબિન્દુએ જે ડૂબ્યા કદી ઝાંઝવાઓ તરી ગયા

અમે કાળચક્રની સાક્ષીએ ફર્યું તે દિશામાં ફરી ગયા
કદી બાથ ભીડી છે મૃત્યુથી કદી જાતથીયે ડરી ગયા

બધું એકમેકથી સંકલિત બધે દૃષ્ટિનો જ પ્રભાવ છે
તમે મીટ માંડી તો ઓગળ્યા અને ખેસવી તો ઠરી ગયા

અરે તારા સ્પર્શ-સમુદ્રમાં કશી ખોટ એથી ન આવશે
કોઈ સૂના કિનારે ઊભા રહી અમે આચમન જો ભરી ગયા

જુઓ આ તળેટીની ધૂળમાં હવે આડે પડખે પડ્યા છીએ
હતા કાલ છેલ્લા શિખર ઉપર અને આજ પાછા ફરી ગયા

અહીં શબ્દની બધી બાજુએ ઊગી નીકળે નવું ઘાસ તે
ભલા પંડિતોનું ભલું થજો ભલા થૈ બધું જ ચરી ગયા

~ આદિલ મન્સૂરી

4 thoughts on “આદિલ મન્સૂરી ~ કદી મૌન થૈને”

  1. 'સાજ' મેવાડા

    ખૂબ સરસ ગઝલ, જિવનની જૂદ જૂદી અર્થ સંવેદનની અભિવ્યક્તિ.

  2. DILIP Ghaswala

    બધા જ શેર સવા શેર
    અભિનંદન લતા બેન સરસ કામ આપ કરો છો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *