રમેશ પારેખ ~ સુખ Ramesh Parekh

સમજ્યા, ચંદુભાઈ!
એને ટેવ નડી, ટેવ…ખોતરવાની.
એને કાન ખોતરવાની ટેવ
દાંત ખોતરવાની ટેવ
નાક ખોતરવાનું તો બંધાણ…
નખ નવી નવાઈના એને જ હોય જાણે
બધું ખોતર ખોતર કર્યા જ કરે
ઘડી ય જંપ નહીં
ખોતર ખોતર કરવું કાંઈ સારું છે?
અરે, સાલો સાથળ ખોતરે, સાથળ
કેમ જાણે એમાંથી ગગો નીકળવાનો હોય!
આપણને એમ, છો ખોતરે
એની જાંધ ઈ ખોતરે એમાં આપડે સું?
પણ ચંદુભાઈ,
આ ખુસાલિયો કાંઈ ખોતરવે ચડ્યો, કાંઈ ખોતરવે ચડ્યો…
છેવટે ઈણે એનું મગજ ખોતર્યું
મોટામોટા ખાડા કર્યા ઈમાં
ઘરઘરાઉ ખોતરણા કરતો’તો ત્યાં સુધી તો જાણે ઠીક
પણ પછી તો એનો હાથ
મૂળો વધે એમ મૂળમાંથી વધવા લાગ્યો…
આપણને એમ કે ઈનો હાથ છે તે વધે એમાં આપડે સું ?
પણ વધતો વધતો હાથ નીકળ્યો બહાર
કે’છ સેરીમાં કોઈને દીઠો ન મેલે
માણહનાં હાડકાં ખોતરી નાખે, ઊંઘ ખોતરી નાખે
વિચાર –
ઈનો હાથ કોલંબસ થઇ ગ્યો !
મૂળે ખુસાલિયાને ગોતવું’તું સુખ
જોવું’તું નજરોનજર
પછી પારકું હોય કે પોતાનું – પણ સુખ
ઈ અડબાઉને એમ કે ચોપડીયું’માં લખ્યું હોય ઈ બધું સાચું જ હોય
સુખનાં ઝાડવાં ફિલમુમાં ઊગે
સુખના ફુવારા કવિતામાં ઊડે
નવલકથાયું વાંચે એમાં હોય સુખના હિલ્લોળા
તે ખુસાલિયાને બસ એમ જ થઇ ગ્યું કે સુખ હોય
દીકરો અહીંયા જ થાપ ખાઈ ગ્યો…
એને એમ કે
સોમવાર રવિવાર હોય એમ સુખ પણ હોય જ!
ટપુભાઈ ને તરવેણીબેનની જેમ
સુખે ય આપડે ત્યાં આવે …
અક્કલના ઇસ્કોતરાને કહેવું ય સું?
આપણે તો જાણીએ, ચંદુભાઈ કે
સસલાને સિંગડા હોય તો માણસને સુખ હોય.
ઠીક છે, ડાહી ડાહી વાતું કરીએ, ચોપડીયું વાંચીએ
પણ ખુસાલિયા, સુખો માટે આવી ખોતરપટ્ટી?
જે નથી એને માટે આવો રઘવાટ ?
અભણ હતો, સાલો
જે વાંચવું જોઈએ ઈ વાંચ્યું નહીં
નવલકથાયું નહીં, ઈતિહાસ
પુછજો એને, ઈતિહાસ વાંચ્યો છે એણે?
એમાં છે ચપટી ય સુખ મળ્યાનો ઉલ્લેખ કોઈ પાને?
આપડા આ ખુસાલિયાનાં હાથ
જેને જેને અડે ઈ પદારથ દુઃખ થઇ જાય –
એક દિવસ ખુસાલિયો
પોતાનાં સપનાંને અડ્યો’તો!
ત્યારથી છે આવી દિમાગને ચાટી જાતી બળતરાઉ !
પણ હાળો, મરસે!
સુખ નથી આઠેય બ્રહ્માંડમાં.
સુખ નામનો પદારથ જ નથી આ ભોં પર
આવી વાત ઈ જાણતો નથી
ઈ જ એનું સુખ ! આપડે સું, મરસે, હાળો –
આપડને તો એના વધ વધ થતા હાથની દયા આવે
આવે કે નહીં, ચંદુભાઈ ?
~ રમેશ પારેખ
આવી ગંભીર વાતને કવિતામાં આટલી હળવી શૈલીમાં અને છતાંય સોંસરવી ઊતરી જાય એવી રીતે કવિ રમેશ પારેખ જ કહી શકે.
કવિની પૂણ્યતિથિએ સ્મૃતિવંદના
Rhyming with ચંદ્રવદન તે ચંદ્રવદન, રમેશ પારેખ તે રમેશ પારેખ What more I વન say
વાત વાતમાં ઘણું કહેવાનું વ્યંજનાની જે કમાલ છે એ જ રમેશ પારેખની વિશેષતા.
વાહ ખુબ સરસ રચના ખુબ ગમી અભિનંદન
વાહહ ખૂબ સરસ રચના
રમેશ પારેખ સરને સ્નેહ વંદના સાથે શ્રદ્ધાજલી
૧૭ મી પૂણ્યતિથિએ દિવંગત કવિ ર.પા.ને શબ્દાંજલિ અપુઁ છું.
સ્મૃતિ વંદન ર.પા. ને,