ઉમાશંકર જોશી ~ ગીત અમે ગોત્યું Umashankar Joshi
અમે સૂતા ઝરણાંને જગાડ્યું,
ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે વનવનનાં પારણાંની દોરે,
શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું …
અમે ગોત્યું વસંતની પાંખે;
ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું …
અમે શોધ્યું સાગરની છોળે,
વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું …
અમે ગોત્યું કંઇ સેંથીની વાટે,
લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું …
અમે ખોળ્યું શૈશવને ગાલે,
કે નેહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું …
અમે જોઇ વળ્યાં દિશદિશની બારી;
વિરાટની અટારી,
કે ગીત અમે ગોત્યું …
ઉરે આંસુ પછવાડે હીંચતું,
ને સપનાં સીંચતું,
કે ગીત અમે ગોત્યું …
~ ઉમાશંકર જોશી
કવિનું જાણીતું મજાનું ગીત..
વાહ શાળા મા ગવાતુ ગીત ખુબ ગમ્યું કવિ શ્રી ની ચેતના ને પ્રણામ
કવિને ગીત કે કવિતા ગોતવા ક્યાં ક્યાં જવું પડે, આમતો ઉ.જો. એ જ કહ્યું છે. સ્મૃતિ વંદન.
સૌ પ્રતિભાવકો અને મુલાકાતીઓનો આભાર.