કાવ્યસેતુ 435 ~ ઉષા ઉપાધ્યાય Usha Upadhyay 9.5.23

મિત્રો, મારી દિવ્ય ભાસ્કરની કૉલમ ‘કાવ્યસેતુ’માં આજે વાંચો ઉષા ઉપાધ્યાયની કવિતાનો આસ્વાદ

*****

સંબંધના શૂળ

પહેલાં આંખો આપો પછી પાંખો આપો, ને પછી છીનવી લો આખું આકાશ,
રે! તમને ગમતાં શું આટલાં પલાશ!

કોરી હથેળીમાં મેંદી મૂકીને પછી ઘેરી લો થઈને વંટોળ,
અષાઢી મેઘ થઈ એવું વરસો, ને કહો કરશો મા અમથા અંઘોળ!
પહેલાં તડકો આપો, પછી ખીલવું આપો
ને પછી છીનવી લો સઘળી સુવાસ,
રે! તમને ગમતાં શું આટલાં પલાશ!

ગોરી પગપાનીને ઝાંઝર આપીને કહો, કાનમાં પડી છે કેવી ધાક!
ગિરનારી ઝરણામાં ઝલમલ તરો, ને કહો સૂરજનાં ટોળાંને હાંક!
પહેલાં પાણી આપો, પછી વહેવું આપો

ને પછી છીનવી લો કાંઠાનો સાથ,
રે ! તમને ગમતાં શું આટલાં પલાશ! – ઉષા ઉપાધ્યાય

સંબંધના શૂળ વાગ્યા ન હોય એવું કોઈ હોય ખરું? અહીંયા વાત સ્ત્રી-પુરુષની છે, જેમાં આ વ્યથાનું પ્રમાણ વધારે છે પરંતુ સંબંધ કોઈપણ હોય, એમાં ઉતાર-ચઢાવ, ભરતી-ઓટ આવ્યાં જ કરવાનાં. જે ક્યારેક સુખ આપે, ક્યારેક બેચેની. એય છે કે આવું ન થાય તો એનો અર્થ એ કે એ સંબંધમાં કોઈ જાતનું ઊંડાણ કે આત્મીયતા નથી. એ સંબંધ ઉપરછલ્લો કે ઔપચારિક છે. દુખ આપવાની તાકાત પ્રેમમાં જ છે!

આ ગીતમાં પ્રેમ તો ખરો જ, પ્રેમનો સ્વીકાર પણ છે.. જુઓ નાયિકા કહે છે, ‘કોરી હથેળીમાં મેંદી મૂકીને પછી ઘેરી લો થઈને વંટોળ, અષાઢી મેઘ થઈ એવું વરસો….’ પ્રિયપાત્રના પ્રેમ, લાડ દર્શાવ્યા વગર નાયિકા રહી શકતી નથી પણ પછી તરત ફરિયાદ છે, ‘તડકો આપો, ખીલવું આપો ને પછી છીનવી લો સઘળી સુવાસ! નાયકની મનમાની એને મંજૂર નથી.

પુરુષ અને સ્ત્રીના સ્વભાવના આ મૂળભૂત ભેદની જ બધી રામાયણ છે. જે રીતે એક વિચારે છે, બીજું એના કરતાં જુદી જ રીતે વર્તન કરે છે. સંસારની સઘળી પીડા આમાંથી જ ઉદભવે છે તો સંસારની સઘળી મીઠાશ પણ આમાંથી જ પ્રગટે છે, એ એક વિચિત્ર પણ સત્ય છે. બંને વિરોધી ધ્રુવ છે ત્યારે તો બંનેને એકબીજાનું ખેંચાણ રહે છે. સરખી પ્રકૃતિ અને સરખી ભાવના હોત તો સંસારનું ચક્ર ચાલત કેવી રીતે?

ક્યારેક ઉવેખાયાની ભાવના પણ સુખમાં કાંટા રોપી દે છે. હાથ પકડીને સાથે ચાલતા હમસફરની આંગળીઓમાંથી સ્પર્શ ઓસરતો લાગે અને રોમેરોમમાં સુકારો પ્રવેશી જાય… પણ આવી ઘટનાઓનો ઉપાય માત્ર અને માત્ર સમય હોય છે. એટલું જ નહીં, સમય જે સમાધાન આપે એ સ્વીકારી લેવાનું હોય છે. પણ માનવીનું મન? એમ જ સઘળું સહજતાથી સ્વીકારાઈ જતું હોય તો ન રહે કલા, ન રચાય કવિતા! પીડાને અમથી કવિતાની જનની કહી છે!   

13 Responses

 1. હરીશ દાસાણી.મુંબઈ says:

  સંબંધ સુખદાયી કયારે શૂળ બની જાય તે વિમાસણનું ગીત. રસસ્થાન સ્પષ્ટ કરતો આસ્વાદલેખ.

 2. દિલીપ જોશી says:

  વાહ લતાબેન,
  તમે મૂળ ગીતનો કેન્દ્રવર્તીભાવ આબાદ પકડ્યો છે.ગીતને સાવ સહજ શબ્દોમાં ખોલી આપ્યું છે.સંબંધમાં એકધારી મધુરતા હોય એવું ભાગ્યે જ બનતું હોય છે.ક્યાંક ક્યાંક સંબંધમાં શૂળ હોય ત્યારે જ સંબંધની સાચી પરખ થાય છે.વાહ વાહ..ઉષાબેન ઉપાધ્યાયને પણ સુંદર ગીત માટે અભિનંદન.

 3. ખુબ સરસ આસ્વાદ ખુબ ગમ્યો આપ કાવ્ય ના ભાવ ને ખુબ સરસ રીતે વાચક સમક્ષ ઉઘાડી આપો છો ખુબ ખુબ અભિનંદન

 4. Anonymous says:

  વાહ,સરસ આસ્વાદ

 5. Minal Oza says:

  કાવ્ય ને ભાવવિસ્તાર બંને સરસ. કવયિત્રી ને લતાબહેન બંનેને અભિનંદન.

 6. Kavyavishva says:

  આભાર મીનલબેન

 7. લતાબેન, તમે આસ્વાદ કરાવતી વખતે સીધાં કવિતાના મૂળ સુધી જઈને વાચક સુધી એ રીતે પહોંચાડો છો કે વાચક કવિતાના પ્રવાહ સાથે અનાયસે વહેતાં વહેતાં ભાવક બની જાય છે. ઉષાબેનનાં ગીતોનું વહેણ તો અસ્ખલિત છે જ, એમાં લતાબેનના મીઠા ‘આસ્વાદી વરસાદ’ની ઝરમર ભળતાં જાદુ ન સર્જાય તો જ નવાઈ।

 8. kishor Barot says:

  દાંમ્પત્ય જીવનના ખટમીઠડાં સ્નેહ સંબંધોનું નજાકતભર્યું આલેખન. 👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: