રઈશ મણિયાર ~ કોરોના અને છગનભાઈઓ (હઝલ)
ભટકતા લોક રસ્તા પર, લટકતો માસ્ક રાખે છે
ને કોરોનાને ‘આવી જા!’ કહીને બહુ સતાવે છે
જશે કોવિડ સાથે જે બધા ઓગણીસ-વીસ કરવા
વરસ એકવીસ પહેલાં એ સહુના બાર વાગે છે
નિકટ આવી, મગનના કાનમાં આપે છગન એ ટીપ,
“તમે બસ દૂરતા રાખો, બીમારી દૂર ભાગે છે!”
અડે છે સેનેટાઇઝરને, દિવસમાં એટલી વેળા
કે બોટલનેય જંતુનો ખરેખર ચેપ લાગે છે
રડે કોરોના, “ભારત દેશમાં મારી ઝડપ ધીમી,
અહીં અફવા જ કેવળ વેગથી ફેલાવો પામે છે”
ફકત બે હાથ પર છે સેનેટાઇઝર, એ નથી પૂરતું
સમજદારો જરા બે કાનની વચ્ચેય છાંટે છે
મનોરંજનના સાધનની ઊભી થઈ ટાંચ એવી કે
મરણના આંકડા પર પણ અહીં તો સટ્ટો ચાલે છે
દરેક સોસાયટીએ શુદ્ધતાનો ભેખ લીધો છે
અમે ચોખ્ખા, તમે ચેપી કહીને ભેદ પાડે છે
જુઓ આ વોચમેનનો વટ! ધરી યુનિફોર્મ આર્મીનો-
અતિથિ-આગમન પર ટેમ્પરેચર ગન એ તાકે છે
અમીરો ચેપ લાવ્યા પ્લેન વાટે દેશની અંદર
હવે આજે ગરીબોથી એ આભડછેટ રાખે છે
હે કોરોના! નથી ભારતને તારો ખપ મરણ માટે
મરીશું આત્મનિર્ભર થઈ, સડક પર મોત આવે છે.
–રઈશ મનીયાર
સૌજન્ય : સાહિત્યસેતુ
OP 12.12.2020
પ્રતિભાવો