ભાગ્યેશ જહા ~ બપોરે * Bhagyesh Jaha

બપોરે અડધા સુકાયેલા

કોઈ નટની જેમ બેલેન્સની ચિંતા વગરના

ઊંધા લટકેલા કન્ફ્યુઝ્ડ શર્ટને પહેરવા જતો હતો

ત્યારે અડધા ભીના ખિસ્સામાં

સંતાયેલો, ચીમળાયેલો સૂરજ જડયો…

એનો પરસેવાયેલો ગોળ બાંધો

અને અંગેઅંગમાં ઊગી નીકળેલી

અણસમજુ રાણીઓ જેવી લાલઘૂમ આળસુ અળાઈઓ

આંખોથી ટગરટગર જોયા કરે…. 

સામેના ઝાડમાં કિરણોની રેલમછેલ…

રૂમમાં બોલાયેલી વાતોને દળી દળી

એના ગચ્ચાઓને બહાર ઓકતા

બેબાકળા એસી મશીનો,

ચંદનલેપ લગાવી કંટાળીને સૂઈ ગયેલા ભગવાન…

સોલરપેનલની નીચે બેઠેલી

ચતુર અને ચૂપ ચકલીને કોણ નેપકીન આપશે ? 

એક વિભિષણ જેવા રાક્ષસકુમારની

વામકુક્ષીના સપનામાં આવેલી સોનપરીને

ક્યારનીય મૃગજળમાં નાહી રહેલી જોઈને

સૂરજ ઊડયો છે આકાશ તરફ…… 

આ ગાંડી કોયલ

એક કવિની જેમ અત્યારે પણ ગાઈ શકે છે !

એની વિમાસણમાં બેઠો છું, રાહ જોઉં છું 

કોઈ પવનઘોડો એના છ ભાઈઓ સાથે આવે તો

ભાગી જવું છે,

વાદળોમાં બેઠેલા કાલીદાસ પાસે……

– ભાગ્યેશ જહા

ચોમાસાએ જરાક અડીને આવજો કહી દીધું છે અને બેબાક ‘બફારો’ અનુભવાય છે ત્યારે….. ફરી વરસાદ આવી જાય (એણે આવવું જ પડશે ને!) એ પહેલાં આ નવ્ય કલ્પનો સાથેનું અછાંદસ માણી લઈએ…  ACમાં જીવતા જનો  પણ શર્ટની જેમ કન્ફ્યુઝ્ડ છે અને ઓરડાની વાતોના ગચ્ચાઓ વરંડામાં ઓકાયા રાખે છે…. અહીં ‘વાતોના ગચ્ચાઓ’ શબ્દપ્રયોગ નોંધપાત્ર છે. કવિના ઈશ્વર પણ કંટાળાના સ્ટેટસમાં છે ! જો કે ચકલી ફરરર ઊડ્યા કરે છે, કોઈ નેપકીન આપે કે ન આપે ! કેમ કે એ જ્યાં બચી છે ત્યાં કદાચ હજી સારું હશે… વાંચીએ આ કાવ્ય, કદાચ કાલિદાસનો યક્ષ આપણનેય ભીંજવે!

9.7.21

***

દિનેશ ડોંગરે નાદાન

10-07-2021

વાહ ભાગ્યેશભાઈ સુંદર રચના, આપ અછાંદસ કાવ્યમાં વિશેષ નીખરો છો એવું મારું માનવું છે. કદાચ હું ખોટો પણ હોઉં છતાં
આ મારું નિખાલસ મંતવ્ય આપને ગમશે અને ન ગમે તો ક્ષમસ્વ.

છબીલભાઈ ત્રિવેદી

10-07-2021

ભાગ્યેશ ઝા સાહેબ નુ કાવ્ય ખુબજ સરસ ઝા સાહેબ સાથે મહુવા સંસ્કૃત સત્ર મા ખુબ સાથે રહેવા નો લાભ મળ્યો છે રેવન્યુ વિભાગ ના વડા તરીકે ફરજ પુર્ણ કરી સાહિત્ય ક્ષેત્રે ખુબજ ઉમદા કાર્ય કરી રહ્યા છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન.

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

10-07-2021

કવિ શ્રી ભાગ્યેશ જહા સાહેબની કવિતા અત્યારના સામ્પ્રત કલ્પનો સાથે માણવાની મજા પડી. આપની આસ્વાદકીય નોંધ પણ ખૂબ સરસ વ્યક્ત થઈ છે.

સિકંદર મુલતાની

09-07-2021

Nice
Very
Nice

Vivek Tailor

09-07-2021

Nice poem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: