પ્રિયકાંત મણિયાર ~ એ સોળ વરસની Priyakant Maniyar

એ સોળ વરસની છોરી ~ પ્રિયકાંત મણિયાર

એ સોળ વરસની છોરી
સરવરિયેથી જલને ભરતી તો યે એની મટકી રહેતી કોરી.
એ સોળ વરસની છોરી 

ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેંક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી.
એ સોળ વરસની છોરી

મહીં વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘૂઘરિયાળાં રૂપાનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરના મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ-દોરી.
એ સોળ વરસની છોરી

એનાં પગલેપગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ,
એના શ્વાસેશ્વાસે ફૂટે ઘુમરાતા આ વાયરામાં વેલ
એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી.
એ સોળ વરસની છોરી

~ પ્રિયકાંત મણિયાર

સોળ વરસની છોરીનું કેવું અદભૂત અને નયનરમ્ય શબ્દચિત્ર !

જુઓ ઉપરનું ગીત અને આ નીચેનું ! બે સાવ અલગ ભાવસૃષ્ટિ !!

24.1.22

***

આભાર

25-01-2022

આભાર છબીલભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

24-01-2022

આજે પ્રિયકાંત મણીયાર નો જન્મદિવસ અને તેની બન્ને રચનાઓ ખુબ સરસ અેક આધ્યાત્મિક અને અેક સોળ વરસ ની છોરી વાહ કવિ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: