રાવજી પટેલ ~ મારી આંખે * રઘુવીર ચૌધરી
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ |
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો,
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.
~ રાવજી પટેલ
વિદારકદ્વૈત – રઘુવીરચૌધરી
એક આવકવેરા અધિકારી શ્રી હિતકારી ભારતીય કવિઓનાં કાવ્યો એમના હસ્તાક્ષરમાં એકઠાં કરતા હતા. કવિ રાવજી ત્યારે હયાત ન હતા. મેં મારી પાસે સચવાયેલ રાવજીની હસ્તલિખિત સામગ્રીમાંથી ઉપર્યુક્ત ગીત શોધી આપ્યું. મેં, ચંદ્રકાન્ત શેઠ અને બીજા કેટલાક મિત્રોએ આ ગીત રાવજીના કંઠે સાંભળેલું. હરિકૃષ્ણ પાઠક અને બીજા મિત્રોને અસલ ઢાળ યાદ. હું પણ ગાતો. અહીં નોંધવા જેવી વિગત આ છે; પ્રથમ પંક્તિનો પ્રથમ શબ્દ મૂળ હસ્તપ્રતમાં ન હતો. ‘આંખે કંકુના સૂરજ આથમ્યા’ એ ચાર શબ્દ હતા. ‘મારી’ સર્વનામ સ્વીકારવા જાણે કે રાવજીની તૈયારી ન હતી. પણ રાવજીનું સંગીતનું જ્ઞાન પાકું હતું. લયની ખોટ પૂરી કરવા આથમતા રંગોમાં એણે જાતને ઉમેરવાનું જોખમ ખેડ્યું અને પછી એ રીતે ગાયું કે સાંધો કે રેણ વરતાય જ નહીં. શીર્ષકમાં તટસ્થતા છે બલ્કે પરાયાપણું છે – ‘આભાસી મૃત્યુનું ગીત’ – કોઈ પણ / નવલોહિયાના મૃત્યુના આભાસનું ગીત. પણ ગુજરાતી કવિતાના સહૃદયોને મૃત્યુની ઘટના એટલી સ્પર્શી નથી, જેટલી કલાપી, મણિલાલ કે રાજવીના મૃત્યુની ઘટના સ્પર્શી છે. વાત મૃત્યુની નહીં, કવિના મૃત્યુની છે, સર્વશ્લેષી સંવેદનાના મૃત્યુની છે – જેની વસંત વીતી નથી એવા કવિના મૃત્યુની. મણિલાલ વિશેના કાવ્યમાં રાવજીને આ અનુભૂતિ હતી – ‘મીઠા વિષના સર્પ મણિધર ડસવાનું તું છોડ.’
આમ તો ‘મારા ખેતરને શેઢેથી ઊડી ગઈ સારસી’નું ગતિશીલ ચિત્ર કવિતાના ઉદયકાળનું કલ્પન કંઈક આવો જ ફફડાટ સૂચવતું હતું. પણ ‘આભાસી મૃત્યુ’ની માંડણી કરી ત્યાં સુધીમાં તો પ્રતીતિ થઈ ગઈ હતી, વહેલી વિદાયની. અને જીવવું હતું. અનેક અધૂરાં અરમાન પૂરાં કરવા. મરણ અને જીવનના તાણાંવાણાથી રચાયું છે આ ગીત.
ગીત સહૃદયોને સવિશેષ સ્પર્શ્યું છે એમાં આ અંગત સંદર્ભ બિનંગત કલ્પનોની જેમ નિમિત્ત બન્યો છે. રોગો અને દારિદ્રથી સેંકડો જોજન દૂર કોઈક શબ્દના કસબીએ આ પદ રચ્યું હોત તો સંપ્રેષણ આ કક્ષાએ થયું હોત ખરું? જૂની પેઢીના સર્જકો અને વિવેચકો અનુભવની સચ્ચાઈ પર ભાર મૂકતા હતાં, કેમકે કવિ-કર્મ એ માત્ર ભાષિક સંરચના નથી, ચૈતસિક ઘટના છે. સર્જક અને ભાવક વચ્ચેનો એક અદીઠ પણ અતૂટ પુલ છે. કલાના આસ્વાદમાં સમૂહસ્મૃતિની મૂડી પણ ભાગ ભજવતી હશે.
સંગીતકારો આ રચનાને મૂળ ઢાળથી કંઈક દૂર લઈ ગયા છે. કવિ રાવજીના ચિત્તમાં લગ્નગીતનો ઢાળ જાગ્યો છે અને સઘળી કલ્પનાવલી લગ્નમંડપમાં જોવાયેલા જીવનસ્વપ્નના સંકેત ધરાવે છે. કાવ્યનાયક અહીં વરરાજા છે. એ વ્હેલ શણગારવા કહે છે, એ જ વાક્યમાં શગ સંકોરવા કહે છે. નામણ દીવડો કન્યાને તેડી જવાનો સંકેત ધરાવે છે. શ્વાસ અશ્વની જેમ ખેંચાયેલી વાંભે તત્પર છે ઊપડવા. અજવાળું કુંકુના સૂરજનું છે, તેમ પેલા દીવડાની શગનું પણ છે.
બીજા ચરણમાં મૃત્યુનો સંદર્ભ સુરેખ ઊપસી આવે છે. આ મૃત્યુ નૈસર્ગિક નથી, અકાળ છે. લીલા ઘોડા ‘પીળા રે પાંદે’ ડૂબે એ તો મધ્યાહ્ન કરતાં પણ આગોતરો સૂર્યાસ્ત કહેવાય. કેટકેટલાં કામ કરવા ધાર્યા હતાં! ચિત્તમાં કેવી કેવી સ્વપ્નસૃષ્ટિઓ લહેરાતી હતી. ભાવસમૃદ્ધિની એ સઘળી સિલક એકાએક ડૂબી જાય, એનું ડૂલ થવું યૌન ઊર્જાના અશ્વના હણહણાટ રૂપે સંભળાય છે. એ હણહણાટ છે કામ્ય કાયાની સુવાસનો. આ કલ્પન પહેલી વાર રચાયું ગુજરાતી કવિતામાં, અન્ય ભાષાની કવિતાની ખબર નથી, રાવજીને નહોતી. પૌરુષસૂચક હણહણાટ અને સૌમ્ય સુવાસના એ અંતિમોને અહીં લય સંયોજે છે. લય કવિતાની એક ઇન્દ્રિય છે.
ગીતના છેલ્લા ચરણમાં મિલન પૂર્વેની વિદાયનો નિર્દેશ છે. મધ્યકાળમાં ચાકરીએ જતા પતિને સંબોધોતી નવવધૂના કેટકેટલા ઉદ્ગાર અહીં યાદ આવી જાય છે ! ગીત લોકગીતની સહજતા પામે છે. પણ હાંકનાર કોઈ માંસલ આકૃતિ નથી, પડછાયો છે. સ્પષ્ટ સંવાદ શક્ય નથી. બોલ અને ઝાંઝર પાછા વળવા મનવર કરે એમ નહીં પણ ઝાલે છે. પ્રેતગ્રસ્ત કરે એવી ક્ષણ પણ પ્રેતનો ઉલ્લેખ નથી કરવો. સઘળો પરિવેશ જીવંત છે, જે સજીવી હળવાશ વાગે છે. કાયાનો ભાર ભૂલી જવાયો છે. આછું ભાન છે નાયિકાની ઉપસ્થિતિનું.
ભારતીય કવિતામાં મૃત્યુની મંગલ અનુભૂતિ નિરૂપાઈ છે, કબીરસાહેબથી ગુરુદેવ રવીન્દ્રનાથ સુધી એનાં દૃષ્ટાંત મળે છે. રાવજીની કવિતામાં મૃત્યુની અનુભૂતિ મંગલમય નથી. અહીં અદ્વૈત નથી. દ્વૈત છે, વિદારક દ્વૈત. વિચ્છેદની વેદના મુખર થયા વિના વ્યક્ત થઈ હોઈ વધુ માર્મિક બની છે.
– રઘુવીર ચૌધરી
મૂળ પોસ્ટિંગ 9.7.2021
પ્રતિભાવો