યોગેશ જોષી ~ સાત સીમાઓ * Yogesh Joshi * Lata Hirani
સાત સીમાઓ તોડી મેં તો ઓછી ઉંમરમાં
સૂરજ સામે દોડી હું તો ઓછી ઉંમરમાં
અજવાળું અજવાળું મારી ઓછી ઉંમરમાં
વીજળીને પંપાળું મારી ઓછી ઉંમરમાં
રોમ રોમ ટમક્યા તારા ઓછી ઉંમરમાં
છાતી ફાડી નીકળ્યા દરિયા ઓછી ઉંમરમાં
કાચાં ખડકો ખેડયાં મેં તો ઓછી ઉંમરમાં
અંધારા છંછેડયા મેં તો ઓછી ઉંમરમાં
સાકરની કટકી શું લાગ્યું ઓછી ઉંમરમાં
ચોમાસાને ચાખ્યું મેં તો ઓછી ઉંમરમાં …….
~ યોગેશ જોષી
આસ્વાદ ~ લતા હિરાણી
કાચી કુંવારી ઉમ્મરમાં નજરુંના બાણથી ઘાયલ થઈ જવાય, પાગલ થઈ જવાય ને પછી ન કહેવાય ન સહેવાય એવી અઘરી અવસ્થા આવીને ઊભી રહી શકે ! અલબત્ત આ કવિતામાં રોમેરોમ અજવાળા ફૂટયાની જ ઘટના છે… વિષાદનો આછેરો અણસાર પણ નથી..
એક છોકરીને એક છોકરા સાથે પ્રેમ થઈ જાય ને મનમાં કેવું કેવું થાય ! આવી કંઈક અનુભૂતિઓ થતી જ હશે પણ એમાં અજબગજબ કલ્પનાઓમાં રમવાનું ને વળી એને શબ્દોમાં વ્યક્ત કરવાનું જે કરી શકે એ માત્ર કવિ જ… ધીંગા વરસાદમાં એક છત્રી નીચે એક છોકરી ને એક છોકરો જરીક કોરા ને ઝાઝાં ભીના થાય ત્યારે આવી ક્ષણોનો જાદુ કંઈક ઓર જ હોય છે.. પ્રેમ પ્રેમ અને પ્રેમ….કવિ કાલીદાસથી માંડીને આજના નવ્ય કવિ સુધીની આખીય શ્રેણીમાં બહુ ઓછા કવિ હશે કે જેઓ આ વિષયને સ્પર્શ્યા વગર રહી શક્યા હશે ! આ એક સનાતન વિષય છે. માનવીની ઉત્પતિ જેટલો જૂનો અને માનવજાતની હસ્તી રહેશે ત્યાં સુધી એ રહેવાનો.
જેનાથી કમખાની તસતસતી કોર જીરવાતી ન હોય ને જુવાની નાથી ન નથાતી હોય એવી છોકરીની ઊર્મિઓને કવિએ આમાં ઝીલી છે. આદર્શોની, સમજણની સાતેય સીમાઓ પહેલી જ પંક્તિમાં કડડભૂસ થઈ ચૂકી છે.. આવી છોકરી સૂરજ સામે દોડે કે ચાંદાને બાથમાં લે, રૂંવાડે રૂંવાડે અજવાળા પથરાવા સિવાય બીજું શું થઈ શકે ? આંખોમાં ભરેલી વીજળી હૈયામાં યે કડાકા બોલાવે છે. ફાટફાટ થતાં જોબનભર્યા અંગના અણુએ અણુમાં દરિયા ઊછળે છે. ખેતરાઉ જમીન નહી, કાચા ખડકો ખેડાય છે ને અંધારા ઉગાડાય છે અહીંયા. આવા મિલનના સ્વાદનું યે વર્ણન અહીં હાજરાહજૂર છે..
વાત શારીરિક આવેગોની છે, દૈહિક ઉન્માદની છે. અલબત્ત શરીર અને મનને સાવ જુદા ન પાડી શકાય પણ આ એક નરી વાસ્તવિકતા છે અને મોટાભાગના લોકોએ ક્યારેક તો વતે ઓછે અંશે અનુભવી જ હોય. અનુભૂતિ સો ટચના સોના જેવી છે, જીવનની સચ્ચાઈ છે અને કોઈ છોછ વગર વર્ણવાયેલી છે, એ ચોક્કસ કવિતાનું જમા પાસું છે.
મૂળ પોસ્ટિંગ 2.7.2021
સરસ રચના, અભિનંદન
આભાર જ્યોતિબેન
સરસ કાવ્ય નો સરસ આસ્વાદ , વાહ
વાહ, સરસ ગીત, અને આપનો આસ્વાદ