કવિ વિશે વિદ્વાનો

સલાહ કવિ આપું, જો, સ્મરણ સર્ગ કાળે ધારે

ન વસ્તુ કદિ શોધ કાવ્યતણું આત્મચિત્તાંતરે

વિશાળ જાણતા વિલોક મમતાથિ, સન્માનથી

વિસાર નિજ હર્ષ શોક, ભૂલિ જા ઉપાધિ મથી. – બ.ક.ઠાકોર (ભણકાર 5 ખાસ નોંધ. જોડણી કવિએ આપેલી છે) 

માત્ર કોડપૂંજીની છતે કવિવરમાળ મળી જતી હતે

કવિ એકે નવ તાપસી થતે !

નહીં તાપ તે શેનો ભાણ ! તપસ્યા જ કવિયનની ખાણ !

આપ વખાણે કિસ્યૂં પ્રમાણ !  – બ.ક.ઠાકોર (ભણકાર 15)

‘જેનું રસજ્ઞાન થનગન કરી રહ્યું હોય છે, જે લાગણીઓને વશ છે, જે કામક્રોધાદિકને સારી રીતે સમજ્યો એમ જુક્તિથી રંગીને બતાવવાની જેની શક્તિ છે, તેઓને ‘કવિ’ કહેવા.’ – કવિ નર્મદ – નર્મદાશંકર (જૂનું નર્મગદ્ય 129) 

‘કવિની શક્તિ તો જે વર્ણન બીજાથી ન થઈ શકે, જે વર્ણન કરવા બીજા અશક્ત હોય તે વર્ણન કરવામાં હોય છે.’ – રમણભાઈ નીલકંઠ (કવિતા અને સાહિત્ય : 1 17-8)

‘કવિનું કાર્યક્ષેત્ર આખું બ્રહ્માણ્ડ છે. જીવનનાં, આ લોક ને પરલોકનાં, પરમ તત્વો, ઇત્યાદિ સનાતન સૌંદર્યતત્વો છે. માનવના ઈતિહાસમાંના સંકુચિત વ્યવહારો જોડે સ્થાયી સંબંધ કવિને નથી. કવિ અગાધ સત્યોના સિંધુમાં નાવ ખેડે છે. માનવના સંકુચિત વ્યવહારના ખાબોચિયામાં કવિની કિશ્તી બોળાતી નથી. – નરસિંહરાવ દિવેટિયા (કવિતા વિચાર 151)

‘કવિ એ જનતાનું મુખ છે ! યુગને દૃષ્ટા અને સ્રષ્ટા – યુગપ્રકાશક અને યુગપ્રવર્તક ઉભયવિધ કવિની જરૂર છે. એક તો એ યુગને ‘આ હું’ એમ આત્મદર્શન કરાવનાર કવિ જોઈશે – જે વિના આપણે પણ આપણાં યુગને પૂરો ઓળખી શકીશું નહીં, ભવિષ્યના ઈતિહાસકારે તો ઓળખવાની વાત જ શી ?’ – આનંદશંકર ધ્રુવ (આ.ધ્રુ. શ્રેણી 3, 9)  

‘કલાકારનું ચિત્ત બીજાઓથી ભિન્ન પ્રકારનું અત્યંત વેદનાશીલ, સદ્યોવેદી અને સૂક્ષ્મવેદી હોય છે. તેણે ગ્રહણ કરેલા અનુભવમાં તેનું પોતાનું વ્યક્તિત્વ ઘણે મોટે અંશે હોય છે.’ – રામનારાયણ પાઠક (રા.વિ.પાઠક ગ્રંથાવલિ 5, 5)

OP 26.11.2021

દીપક વાલેરા

02-10-2022

સરસ માહિતી

આભાર

04-09-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

30-08-2022

ખૂબ સરસ, જોકે મને તો અંગ્રેજ કવિ William Wordsworth નું આ વાક્ય યાદ આવે છે, ‘All good poetry is the spontaneous overflow of powerful feelings.”

છબીલભાઈ ત્રિવેદી

30-08-2022

કવિ વિષે ખુબ સરસ માહિતી આપી આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: