હર્ષદેવ માધવ ~ આંદોલન * Harshdev Madhav

બંધનું એલાન :

શેરીઓ પણ શ્વાસ થંભાવી રહી ફરમાનમાં;
કેટલા આવેશને રાખ્યો હતો ક્યાં મ્યાનમાં

પથ્થરમારોઃ

હાથ વચ્ચે મોં દબાવીને સહો વરસાદ; પણ,
લોહી તો સમજી શકે છે ક્યાં કશુંયે સાનમાં?

ટીયરગૅસ :

ધૂંધળી ગલીઓ, દુકાનો ચૂપ, પગલાં બ્હાવરાં,
એક ટોળું વેદના – ને એ નહોતી ભાનમાં.

ધરપકડો :

સાપને છે ફેણ, ફૂંફાડો વળી વિષડંખ હોય,
ઇન્કિલાબી આ હવા લઈ જાવ કોઈ વાનમાં.

ફાયરિંગ :

ચીસ પાછી ચીસ, ઘાયલ તરફડાટો શબ્દના,
માગતાં જે ના મળે એ મોત પામ્યા દાનમાં!

કરફ્યૂગ્રસ્તતા :

ભીંત વચ્ચે છે દિવસના હાથપગ બંધાયલા,
બારણાંને સ્ટોપરો રાખી રહી છે બાનમાં.

અને પછી…:

ચૂંટણી ને… ‘વોટ’નું વેંચાણ, ‘નેતાજીનો જય’,
કોઈ ખાંભી ખોડશો મા એમની વેરાનમાં!

~ હર્ષદેવ માધવ

કવિનો આ નવો કાવ્યસંગ્રહ ‘પોતપોતાની તરસ’ એક જુદી જ આભા લઈને આવ્યો છે. આ સંગ્રહમાં ડો. હર્ષદેવ માધવની રચનાઓનું સંપાદન કર્યું છે ડો. અશોક ચાવડાએ.

ઉપર આપેલી રચના આમાં તો સળંગ ગઝલ છે. પણ એક નવો વિષય અને એના ઘટકો વિશે અલગ અલગ રજૂઆતથી એક નવો અને સફળ પ્રયોગ બની છે.  

આ સંગ્રહની પ્રસ્તાવનામાં ડો. અશોક ચાવડા લખે છે, “સંસ્કૃત સાહિત્યમાં ‘તવ સ્પર્શે સ્પર્શે’ કૃતિ થકી 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીના પુરસ્કાર વિજેતા ડો. હર્ષદેવ માધવ એક નામ જ પૂરતું છે. ગુજરાતી સાહિત્યમાં પણ એમનું નામ અને કામ એટલું આલા દરજ્જાનું છે કે એના વિશે અલગથી નોંધ કરવી પડે.”

‘કાવ્યવિશ્વ’ને કાવ્યસંગ્રહો ભેટ મોકલવા બદલ કવિ હર્ષદેવ માધવનો આભાર.

કાવ્યસંગ્રહો : ‘હાથ ફંફોસે આંધળા સુગંધને’, ‘પાન સરનામું ન જાણે ઝાડનું આ દેશમાં’, ‘પોતપોતાની તરસ’      

4 Responses

  1. હરીશ દાસાણી says:

    અશાન્ત પરિસ્થિતિની શાન્ત ગઝલ

  2. સરસ મજાની રચના ઓ કવિ શ્રી ની સંસ્કૃત રચનાઓ પણ માણવા લાયક હોય છે પ્રણામ સહ અભિનંદન આસ્વાદ માહિતી સભર

  3. 'સાજ' મેવાડા says:

    વાહ, સરસ પ્રયોગ. કવિને નમસ્કાર

  4. Jayshree Patel says:

    સરસ નવતર પ્રયોગ.. કવિશ્રીને વંદન🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: