મીનાક્ષી ચંદારાણા ~ હવે આપો રજા અમને * Minaxi Chandarana

પરીને દેશ સરવું છે, હવે આપો રજા અમને!
વગર પાંખે પ્રસરવું છે, હવે આપો રજા અમને !

નથી કોઈ સ્પષ્ટ કારણ ભાગવાનું, કંઈ નથી અગવડ
સ્વરૂપ નોખું જ ધરવું છે, હવે આપો રજા અમને!

ઘણાંએ તપ કીધાં પોતીકી પળને પામવા માટે
હવે બસ ત્યાં જ ઠરવું છે, હવે આપો રજા અમને!

ઉબડખાબડ ને ઝાડી ઝાંખરામાં, કંટકો વચ્ચે
ઝરણની જેમ ઝરવું છે, હવે આપો રજા અમને !

મળ્યું છે એમ ઉડવું…. આંબતાં પહેલાં જ પટકાવું
ને સોંસરવા નીસરવું છે, હવે આપો રજા અમને !

~ મીનાક્ષી ચંદારાણા

અહીં દેખીતી રીતે વાત મુક્તિની છે, જ્યાં છે, જેમ છે, તેમાંથી છૂટવાની છે. પંક્તિએ પંક્તિએ નારો ગૂંજે છે, ‘હવે આપો રજા અમને..’ રજા માંગવાના ક્યા ક્યા કારણો છે? તો કવયિત્રી કહે છે, ‘નથી કોઈ સ્પષ્ટ કારણ ભાગવાનું, કંઈ નથી અગવડ..’ કારણ એ કે ‘ઝરણની જેમ ઝરવું છે’, મનગમતી રીતે મોજ પડે એ કરવું છે..

કોઈ પણ સ્ત્રીને આ કલ્પના જ સુખ આપી જાય કેમ કે પોતાના ઘર, સંસાર અને સગાંસંબંધીઓ તરફની જવાબદારીઓમાં મોટેભાગે એ એટલી બધી ફસાયેલી રહે છે કે ન પૂછો વાત! પણ રજા માંગવાના આ બધાં કારણૉ વેલિડ હોવાં છતાં મુખ્ય અને સૌથી વજનદાર કારણ છે, ‘પોતીકી ક્ષણને પામવાની તરસ’ !!

પોતીકી પળને પામવાની તરસ એ આ ગઝલનું હાર્દ છે.  એવો સમય કે જ્યારે એ માત્ર પોતાની સાથે જ હોય. એ ખુદમાં જ ખોવાયેલી રહી શકે. એ સમય, માત્ર અને માત્ર એનો પોતાનો હોય.. પોતીકા સમયનો ઉઘાડ માત્ર સ્ત્રીના જીવનમાં જ નહીં, એની આસપાસ જીવનારા સૌને માટે અજવાળું પાથરી જાય છે. નાનકડી આ ગઝલમાં સમસ્ત સ્ત્રી જગતની સંવેદનાઓ હળવાશથી પણ સ્પર્શી જાય એવી રીતે વ્યક્ત થઈ છે.

18 Responses

  1. Vidhi says:

    વાહ ક્યા બાત! સુંદર આલેખન.

  2. ગુલામ અબ્બાસ નાશાદ says:

    બહુ સરસ ગઝલ. તમારો અંદાઝ અલગ જ છે ગઝલમાં.

  3. 'સાજ' મેવાડા says:

    વાહ, ખૂબ જ સરસ ગઝલ. માનવી ને પોતાની રીતે વિચરવાનું ગમે જ.

  4. વાહ ખુબ સરસ ગઝલ સ્ત્રીઓ ની સંવેદના અને મુકિત ની વાત બખુબી કાવ્ય મા રજુ થયેલ છે ખુબ ખુબ અભિનંદન

  5. દિનેશ ડોંગરે નાદાન says:

    ખૂબ સુંદર રદીફ સાથે નારીની મનોવ્યથા રજૂ કરતી ગઝલ. અભિનંદન મીનાક્ષીબેન.

  6. Anonymous says:

    વાહહહહ…

    ખૂબ સરસ ગઝલ – આલેખન…

  7. શ્વેતા તલાટી says:

    વાહહહહ..
    મીનાક્ષીબેન ખૂબ સરસ ગઝલ –
    સરસ આલેખન

  8. મનોહર ત્રિવેદી says:

    મીનાક્ષીબહેની ગઝલનો બીજો શેર વાચનમાં વ્યવધાન ઊભું કરે છે. બાકી આખી ગઝલના રદ્દીફને તેમણે નિભાવી જાણ્યા છે. તમારો આસ્વાદ સર્જકતાથી ઓછો મૂલ્યવાન નથી હોતો. સુકામનાઓ, બહેના.

    • Kavyavishva says:

      મને લાગે છે કે મીનાક્ષીબેન બીજા શેરમાં ‘કોઈ’ ને બદલે “કો'” કરે તો અર્થ બદલાયા વગર વજન ઓછું થાય.
      વંદન મનોહરભાઈ. તમે સરસ સાથ આપો છો.

  9. ચંદ્રશેખર પંડ્યા says:

    વાહ, મજા જ મજા!

  10. ધર્મેશ પગી "ધર્મ" says:

    Very good Super જોરદાર 👌👍

  11. હરીશ દાસાણી.મુંબઈ says:

    સર્વ જગત પ્રપંચથી રજા લઈ મનગમતા માહોલમાં ફરવાની મજા કરતી કવિતા

  12. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    કવિયત્રીની એક સુંદર મરમને સ્પર્શી જતી…તે પંથ તો અગમ નિગમ છે….ખબર નથી કેવો છે…. કર્મનાં સિદ્ધાંતો પ્રમાણે આતરામને અવગતિ કે ગતિ મળે છે….છેવટે તો શૂન્યને મહા શૂન્યમાં વિરમવાની વાત છે…ગૂઢ અને સરસ રદિફ વાળી ગઝલ ,ગમી….! તેમાં પણ લતાબેન નો મિડાસ ટચ ખૂબ ગમ્યો.

  13. Minaxi says:

    આપ સૌને આ ગઝલ ગમી એનો ખૂબ ખૂબ આનંદ છે.
    અને આપને ગમી, તે આપે વ્યક્ત કર્યો તેના માટે વિશેષ આભાર.

  14. Minaxi says:

    સુંદર રસદર્શન માટે ખાસ તો લતાબેનનો અને કાવ્યવિશ્વનો આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: