રમેશ પારેખ : કેટલાક સંસ્મરણો – રજનીકુમાર પંડ્યા Ramesh Parekh Rajnikumar Pandya

કોઈપણ માણસ, એ અભિવ્યક્તિના અર્થમાં ‘વ્યક્તિ’ પહેલા હોય છે – પછી એમાંથી એનું ભીતરનું કવિ-લેખક-કલાકાર તરીકેનું રૂપ નિખરી આવે છે – જ્યારે જ્યારે રમેશપારેખ નામના, ગુજરાતી સાહિત્યના કાવ્યક્ષેત્રે જબરદસ્ત ‘હેપનિંગ’ ગણાતા માણસના સંદર્ભે વાત થાય છે ત્યારે એની સહજસ્ફૂર્ત કવિ તરીકેના અનન્ય પ્રદાનની વાતો થાય છે – અને આમેય એ બરાબર છે. જે લોકો એને એના શબ્દથી ઓળખે છે એમને એના શબ્દસ્વરૂપ સાથે જ નિસબત હોવી જોઈએ.પણ જે લોકો એને પ્રધાનપણે એક વ્યક્તિ તરીકે ઓળખે છે તેઓ એના એ રૂપમાં રહેલી સંકુલતાને નજરઅંદાજ નથી કરી શકતા..

કવિ તરીકે એનું મૂલ્યાંકન કરનારને હું એનું એ કવિ તરીકે બહાર આવ્યા પહેલાનું રૂપ કેવું છે એ જરા અધિકૃતતા પૂર્વક કહી શકું તેમ છું- એમ તો મારા કરતા પણ પહેલા એના અનેક મિત્રો હશે પણ એમના અનુભવો મેં ક્યાંય વાંચ્યા હોવાનું સ્મરણ નથી. કોઈએ ક્યાંય એવું લખ્યાનું યાદ છે કે રમેશ પહેલાં કરિયાણાની દુકાનના હારબંધ  ગોઠવેલા ડબલાઓ ઉપર ઓઈલ પેઈન્ટથી વસ્તુના નામ લખી આપવાનું કામ કરતો યા થડે બેસતો. પણ કવિ તરીકેના એના ઉઘાડમાં એ વસ્તુનું કોઈ પ્રદાન પ્રસ્થાપિત થતું ના હોય તો એ વાત એક રસપ્રદ વાત તરીકે બરાબર છે પણ એમાંથી એના ઘડતરના એકાદ ટાંકણાનો પણ ઘા પકડાતો નથી.

મારી કોશિશ થોડી એ પ્રકારની છે.

1961ની આસપાસ હું જ્યારે સરકારી નોકરીમાં, જિલ્લા શાળા મંડળના ઓડિટર તરીકે ગામેગામ મહિના, બે મહિનાના તંબૂ તાણતો હતો ત્યારે દરેક ગામમાં પહેલા જ દિવસથી મારી તલાશ એવા કોઈ માણસની રહેતી કે જે સાહિત્યનો શોખીન હોય. જ્યારે અમરેલી જિલ્લાશાળા મંડળના ઓડિટ વેળા, મારી આવી પૃચ્છાના જવાબમાં એક હેડક્લાર્ક દ્વારા મને રમેશચંદ્ર મોહનલાલ પારેખ નામના કારકુનની ઓળખાણ કરાવવામાં આવી. જે પાછળથી દોસ્તીમાં પરિણમી. સાહિત્યમાં બન્ને ચંચુપાત કરતા અને સમવયસ્ક હતા એ તો ખરું જ, પણ ફિલ્મ-સંગીતના રાગડા તાણવામાં અમને બન્નેને અનહદ રસ હતો. આ બંને વસ્તુ રંગ લાવી, સાથે ‘સવિતા’ વાર્તા હરીફાઈમાં ભાગ લેવો અને એકબીજાની સ્પર્ધા કરવી.

આ બધા શોખના ઝમેલાની વચ્ચો વચ એવી એક-બે ચીજ મેં એનામાં જોઈ, જે મારામાં નહોતી. એમાંની એક તે કવિતા ને થોડું જ્યોતિષ. અલબત્ત કવિતાની ‘સેન્સ’ મારામાં ભાવક તરીકે તો વિકસી હતી. હું ફરી 1963માં આવ્યો ત્યારે એણે પોતાની મોરલ મ્યુઝીકલ ક્લબ  સ્થાપી હતી. મેં જોયું કે રમેશનો કંઠ ઘુંટાયેલો બન્યો હતો. બીજી એક વસ્તુ મને બહુ નવાઈ પમાડતી હતી કે એ હવે ઓછું બોલતો થયો હતો. વાત કરતાં કરતાં અટકી જવું, છત તરફ તાકી રહેવું. અધૂરું ગીત છોડીને મને કહેવું કે, ‘તું ગા હવે’ – આ બધું એનામાં થઈ રહેલા કોઈ ભારે  પરિવર્તનના ધીમા સંકેત આપતું હતું – શું થવાનું હતું. એની સમજ તો મનેય ક્યાં પડતી હતી ?

ચિત્રકળા, હિપ્નોટિઝમ, જ્યોતિષશાસ્ત્ર, સંગીત, કસરત(હોમગાર્ડ દ્વારા), નોકરી એ બધામાંથી જોર કરીને કદાચ એનો બળવાન કવિ આગળ આવવાનો પ્રયાસ કરતો હતો કદાચ- પણ અમરેલીમાં શું થાય ? એ જે ગલીમાં રહેતો હતો તેનું નામ ભાટીયા શેરી હતું. પાછળથી તેનું નામ કવિ હંસ માર્ગ તરીકે થયું. ‘ભૂંડા ટોપીવાળાના ટોળા ઉતર્યા’ એ દેશભક્તિનું ગીત રચનાર તે સ્વર્ગસ્થ કવિ હંસ. એની જ શેરીમાં રમેશ રહેતો હતો. પણ એ નામ સિવાય અમરેલીમાં કવિતાની કોઈ આબોહવા નહોતી. પણ રમેશે એ પછીના ગાળામાં ઝડપભેર નામના હાંસલ કરવા માંડી.

અમારી વચ્ચે પત્રોની  ધોધમાર આપલે થતી. એમા સાહિત્ય અને શબ્દચર્ચા પણ ઝબકી જતી. મારા એક સવાલના જવાબમાં એના તા  5-8-1971 ના પત્રના આ  શબ્દો પણ કેટલા બળવાન છે ? એ લખે છે :

“આપણો સૌનો પ્રોબ્લેમ છે કે શબ્દ સંકેત મટીને ક્રિયા બને.(આ વાત) આદર્શ તરીકે ગમે છે,પણ વ્યવહારમાં આપણે જાણીએ છીએ તે મુજબ એ (શબ્દ) સંકેત પણ બની શકતો નથી.એટલે જ તો Communication નો અભાવ સાલ્યા કરે છે.તું જગતમાં એક ભાષા હશે –ની રમ્ય કલ્પના કરે છે ,ત્યારે મને મારી જાત પર હસવું આવે છે.- કે મારે –એટલે કે આપણે-જ એક ભાષા પામી શક્યા નથી-કે શકતા નથી તેનું શું ? ભાષાઓ ભાષાઓ, ઘોંઘાટ ભાષા, અવાજ ચીસ કોલાહલ બધું જ ભેળસેળ સેળભેળ થઇ જાય છે ને કોઇ એક ભાષાનું  છડેચોક ખૂન થતું રહે છે.શક્યતા જ દૂધપીતી થઇ જતી હોય ત્યારે…. ‘ને બોમ્બની જગાએ શબ્દો કામ કરશે ‘ની હવાઇ કલ્પના પર મને મારી જાત પર લાચાર હસવું ન સૂઝે તો શું સૂઝે ?કોણ જાણે કેમ ,આપણા પ્રોબ્લેમ કોઇ સમાંતર ક્ષણે આકાર લેતા હોય છે….”

એ સદાને માટે ઓછા બોલો – સરળ,  લેશમાત્ર હવા દિમાગમાં ન ચઢી હોય એવો – સાદો – ગ્રામ્ય રહ્યો. સરળતા સર્વત્ર એના વર્તનમાં વરતાતી. જે રિક્ષામાં એ બેઠો હોય તે રસ્તામાં બગડે તો આવડે એવું રિપેર કરવા બેસી જઈને એણે હાથ કાળા કર્યા હોય એવા દાખલા પણ છે. આમ છતાં એ સતત અજંપ જ જોવા મળતો. આટલો જબરદસ્ત, જબરદસ્ત રીતે વધાવાયેલો,પ્રચંડ પ્રતિભાવાન કવિ હોવા છતાં એ સદાય મૂંગો મંતર કેમ રહે છે તેનું લોકોને મન રહસ્ય રહેતું. ઘણીવાર આપણને એને એમ પૂછવાનું મન થાય કે યાર,તને હવે શું ખૂટે છે ? આટલા માનસન્માન, ચાંદ,હાથી-ઘોડા-પાલખી…. અલ્યા ભાઈ, તોય કેમ તારૂં મોં મરકતું નથી ?

ઘણીયે વાર હું જાતે એમ ખુલાસો મેળવી લેતો – રમેશ આ દુનિયાનો માણસ જ નથી. બીજી અગમ્ય દુનિયામાંથી અહીં આપણી વચ્ચે આવી રહ્યો છે. આ દુનિયામાં હરે છે, ફરે છે, મોજ કરે છે, કાવ્યો પણ કરે છે પણ વાયરલેસથી સતત એ બીજી દુનિયા સાથેના સંવાદમાં રહે છે.

એના અવસાનના ચારેક વર્ષ અગાઉ  રાજકોટમાં સાંજે એને ત્યાં ભોજન માટે ગયો. જમી-કારવીને પછી હું અને રમેશ એના પોર્ચમાં, લગભગ ઉંબરા વચ્ચે ઉભા હતા – રમેશ ઉઘાડે ડીલે, માત્ર લૂંગીભેર હતો, ને એકાએક શું થયું ? મને વળગીને, મારી છાતીમાં માથું નાખીને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. તે એટલે સુધી કે મારું શર્ટ પલળી ગયું.

“અરે રમેશ !” મેં એના વાળમાં આંગળીઓ ફેરવીને પૂછ્યું : “શું થયું આમ અચાનક? કેમ આમ કરે છે ? ગાંડો થયો કાંઈ ? છે શું ?”

– બસ…. ટ્ગર ટગરમારી સામે જોઈ રહ્યો. કોઈ જ જવાબ નહીં. કારણની કદી ખબર પડી જ નહિં.

એવી જ રીતે 2004ની એક ગુલાબી ઠંડીથી ખુશનુમા બનેલી સાંજે આફ્રિકાના નૈવાસા સરોવરના કિનારે રમેશ પારેખને દોઢ લાખ રૂપિયાનો નરસિંહ મહેતા એવોર્ડ મળ્યાનો ઢંઢેરો એમાં પીટાયો . હાજર સૌ સાહિત્યકારો- લોક સાહિત્યકારો – મોરારિબાપુના ભારતથી સાથે આવેલા સ્વજનો સૌ એક સામટા એને તાળીથી વધાવી લીધો. કોઈના મનમાં વિપરીત મતનો એક સૂર સરખો નહોતો. આ 2004 નું રમેશ સાથેની સંગતનું મીઠું સ્મરણ છે અને એ પછી પણ 2005ની એક સાંજે એક સોની દંપતિને ત્યાં ફરી એક વાર હું, રમેશ , અનિલ જોશી સોનેરી સાંજ સાથે ગાળવા મળ્યા હતા.

પણ ગુજરાતી સાહિત્યમાં અમરનામી રમેશ પારેખ હવે તો મારા જેવા મિત્રો માટે તો સ્મરણશેષ જ,

રજનીકુમાર પંડ્યા

(શ્રી રજનીકુમાર પંડયાના લાંબા રસપ્રદ લેખને ટૂંકાવવાની એમણે મને તરત સમ્મતિ આપી એ સૌજન્ય માટે હું આભારી છું. – લતા હિરાણી) 

OP 27.11.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: