ડો. બાબુ સુથાર : ગુજરાતી ભાષા પર એક નોંધ

એક આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં એક પેપર રજુ કરીને મેં એવી દલીલ કરેલી કે ગુજરાતી ભાષા શીખવતી વખતે native speaker દ્વારા અને native speaker માટે લખાયેલી ભાષા ઝાઝી કામ લાગે એમ નથી. મેં ભાષાના અનેક નમૂનાઓ આપીને મારી દલીલને સમર્થન આપેલું.

ત્યાર પછી જમતી વખતે એક અમેરિકન વિદ્વાને મને મારા પેપરના સંદર્ભમાં કેટલાક પ્રશ્નો પૂછેલા. એમાંનો એક પ્રશ્ન હતો: તમે બતાવો છો એટલી બધી ભૂલો હોવા છતાં લોકોને એ ભૂલો કેમ ખટકતી નથી? મેં જવાબ આપેલો: ખૂબ સરળ જવાબ છે આનો. લોકોને જ ખબર નથી કે આ બધી ભૂલો છે. એ વિદ્વાન સ્માર્ટ હતા. એ મને કહે: તો પછી એવું ન બને કે ગુજરાતી ભાષાની જોડણી અને વ્યાકરણવ્યવસ્થા બદલાઈ ગઈ છે? એ વિદ્વાન ભાષાશાસ્ત્રના જાણકાર હતા. પણ, Educational Linguistics પૂરતા. મેં એમને જવાબ આપેલો: ના, આ ભૂલોના કારણે ભાષામાં અનેક variations ઊભાં થઈ ગયાં છે અને એને કારણે standard ભાષાની સામે ખતરો ઊભો થયો છે. હું જાણું છું કે standard ભાષાનું પણ એક રાજકારણ હોય છે; એની પણ એક ideology હોય છે; પણ કોઈ પણ ભાષાના વિકાસ અને નિભાવ માટે એનું standard સ્વરૂપ હોવું જોઈએ.

એ વિદ્વાને એક બીજો પ્રશ્ન પણ પૂછેલો: શું લોકો અંગ્રેજીમાં આવી ભૂલો કરે છે? મેં કહેલું કે મેં ગુજરાતી પ્રજાના અંગ્રેજીના સ્વરૂપનો અભ્યાસ નથી કર્યો. પણ હું જાણું છું ત્યાં સુધી અંગ્રેજીમાં કોઈ જોડણીભૂલ કરે તો લોકો એના શિક્ષણને, એના જ્ઞાનને, અને એની સમજને પણ શંકાની નજરે જોતા હોય છે. એની સાથે સામાજિક status સંકળાયેલું છે. ગુજરાતી, અથવા માતૃભાષા સાથે એવું status નથી સંકળાયેલું. એમણે પૂછેલું: આવું કેમ બને?

મારો જવાબ હતો: ગુજરાતી ભાષા configurational છે, જ્યારે અંગ્રેજી linear છે. લોકો linear સાથે અમુક પ્રકારનાં સામાજિક મૂલ્યોને વધારે સરળતાથી જોડી દેતા હોય છે. દાખલા તરીકે ગુજરાતી લેખન વ્યવસ્થા લો. એમાં ‘ક’ પછી કાનો આવી શકે, ‘ક’ પહેલાં હ્રસ્વ-ઇ આવી શકે, ‘ક’ પછી દીર્ઘ-ઈ આવી શકે; ‘ક’ની ઉપર માત્રા કે અનુસ્વાર આવી શકે; અને ‘ક’ની નીચે પણ હ્રસ્વ-ઉ કે દીર્ઘ-ઊ આવી શકે. એની સામે અંગ્રેજી ભાષા લો. એમાં દરેક લેટર ક્રમમાં જ આવી શકે. જો કોઈ ગુજરાતી ‘દિકરી’ લખે તો એને એની જોડણી નડશે નહીં; પણ જો કોઈ અમેરિકન gril લખશે તો વાંચનાર તરત જ કહેશે કે આમ ન લખાય, આમ લખાય: girl.

એ જ રીતે, ગુજરાતી ભાષા inflectional છે. એટલે કે ‘ઊંચું’ વિશેષણ ‘છોકરો’, ‘છોકરી’ કે ‘છોકરું’ પ્રમાણે ‘ઊંચો’, ‘ઊંચી’ કે ‘ઊંચું’ બની જતો હોય છે. આ પ્રકારની ભાષાઓમાં word order ઝાઝો મહત્ત્વનો નથી હોતો. જો કે, ગુજરાતી ભાષામાં પણ word order મહત્ત્વનો છે પણ મર્યાદિત પ્રમાણમાં. અંગ્રેજી જેવો કે જેટલો નહીં. એથી ‘આવ્યો રમેશ અહીં આજે’ વાક્ય ખોટું નથી. પણ, અંગ્રેજીમાં Came Ramesh here today લખો તો લોકો હસશે. gujrati word orderની વ્યવસ્થા પ્રમાણમાં ઢીલી હોવાથી આપણે ગીત ગઝલ કે ગરબા લખવામાં કે ગાવામાં ઝાઝી મુશ્કેલી અનુભવતા નથી. આ ઢીલી word order વ્યવસ્થાને કારણે કેટલીક ભૂલો નડતી નથી.

છેલ્લે, મેં એ વિદ્વાનને કહેલું કે અમારી ગુજરાતી પ્રજા ખૂબ દયાળુ છે. એ કાગળમાં લખે કે “ભૂલચૂક સુધારીને વાંચજો.” અમારો લેખક ભૂલો કરે પણ વાચક એને સુધારીને વાંચી લે અને પછી પેલા લેખકને ખોટું ન લાગે એ માટે એને એની ભૂલ વિશે કહે પણ નહીં.

– બાબુ સુથાર

OP 31.10.2020

વિવેક મનહર ટેલર

05-11-2020

મજાનો લેખ
નવું જાણવા મળ્યું. વિનોદભાઈની ટિપ્પણી પણ રસપ્રદ

વિનોદ ગાંધી

03-11-2020

પદક્રમ મહત્ત્વની બાબત છે. મોટે ભાગે , ગુજરાતીમાં કર્તા, કર્મ, ક્રિયાપદ એવી વાક્યરચના બને છે.જ્યારે સંસ્કૃતમાં
આ ક્રમમાં ફેરફાર સામાન્ય બાબત છે.
હું રસ્તે દોડું છું.-ગુજરાતીમાં આમ લખાય.
अहम् मार्गे धावामि ।
मार्गे धावामि अहम्।
धावामि अहम् मार्गे
આમ લખે તો ચાલે છે.
અંગ્રેજીમાં ક્રિયાપદ વચ્ચે આવે.
I run on road.
વળી ગુજરાતીમાં સહાયકારી ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ પછી આવે.
હું કેરી ખાઉં છું.
છું સહાયકારી ક્રિયાપદ છે. એ ખાઉં પછી જ આવે.
——આ તો મોટો મુદ્દો છે.અટકું છું.

Purushottam Mevada

02-11-2020

સરસ માહિતી. જૌકે સામાન્ય જન સમુદાયને કદાચ ફરકના પડે, ખાસ કરીને વાત કરે ત્યારે.

Dhruv Bhatt

01-11-2020

ખૂબજ સુંદર લેખ ગુજરાતી ભાષામાં થઈ રહેલ વ્યાકરણની સમજણ ઉદાહરણ રૂપે રજૂ કરી ભાષા દોષ ને સમજાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: