કીર્તિ ખત્રી – વ્રજભાષા પાઠશાળા

ગુજરાતી નહીં કદાચ કચ્છીઓને પણ ખબર નહીં હોય કે અઢીસો વર્ષ પહેલાં કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે વ્રજભાષા પાઠશાળા નામે એક વિદ્યાસંકુલ ભુજમાં હતું અને તેમાં કવિ બનવા માંગતા તેજસ્વી વિદ્યાર્થીઓને પિંગળ શાસ્ત્રનું વિધિસરનું શિક્ષણ નિષ્ણાતો દ્વારા અપાતું. એ જમાનામાં જેમ સંસ્કૃત માટે કાશી પ્રખ્યાત હતું તેમ કવિતા માટે કચ્છ જાણીતું હતું. આજ સુધીના ઇતિહાસમાં ગુજરાત કે ભારત જ નહીં વિશ્વભરમાં આ પ્રકારની એકમાત્ર કાવ્ય શાળા હતી. તેમાં પાંચથી સાત વર્ષનો અભ્યાસક્રમ હતો અને તેના આધાર પર રાજાશાહી યુગમાં ‘રાજકવિ’ની નિમણૂકો થતી. ગુજરાતના કવીશ્વર દલપતરામ અને સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા કવિ બ્રહ્માનંદ સ્વામી સહિતના સંખ્યાબંધ કવિઓ અહીં કાવ્યશાસ્ત્ર પાઠ શીખ્યા હતા. આઝાદી પછી બંધ થયેલી આ પાઠશાળા અંગે 90ના દાયકામાં હિન્દીના પ્રાધ્યાપિકા નિર્મળા આસનાણી એ શોધનિબંધ લખીને ડોક્ટરેટની પદવી મેળવી હતી. ૧૯૯૬માં પુસ્તક રૂપે પ્રગટ થયા પછી ભાવનગર યુનિવર્સિટીએ તેને અભ્યાસક્રમ સુદ્ધામાં સ્થાન આપ્યું હતું.

આ મહાનિબંધ ઉપરાંત આ પાઠશાળાના છેલ્લા શિક્ષક રાજકવિ શંભુ દાનજી આયાચી અને અન્ય લોકસાહિત્યકારોએ લખેલા લેખોની માહિતીનું સંકલન કરીને ટૂંકમાં એના ઈતિહાસ પર નજર કરીએ તો 18મી સદીમાં વ્રજભાષા કેવળ વ્રજની જ બોલી ન રહેતાં વિશાળ ભૂખંડની કાવ્યભાષા બની ગઈ હતી. તેમાં રહેલા માધુર્યના સહજ ગુણને લીધે લોકોમાં એણે પોતાનું સ્થાન જમાવી લીધુ હતું. એ અરસામાં જ મહારાવ લખપતજી કચ્છની રાજગાદી પર આવ્યા. તેઓ જાતે કલા સાહિત્ય પ્રેમી અને સર્જક હતા. તેમણે છંદશાસ્ત્ર રસશાસ્ત્ર તથા પિંગળનો અભ્યાસ કર્યો હતો એટલે એમના દરબારમાં કોઈ વિખ્યાત રાજકવિઓ અને વિદ્યાગુરુઓ આવતા તે સૌ બહુમાન મેળવતા.

આવા જ એક પિંગળશાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય પૂજ્ય કનક કુશલજી મહારાવને કવિતાનો શોખ છે એ જાણીને ભુજ દરબારમાં આવ્યા. મહારાવને કવિતાથી પ્રસન્ન કર્યા તો લખપતિજીએ ‘ભટાર્ક’ પદવીથી નવાજ્યા. એ જ વખતે મહારાવે વ્રજભાષા પાઠશાળા ભુજમાં શરૂ કરવાની દરખાસ્ત કરી અને તેના આચાર્ય તરીકે કાર્યભાર સંભાળી લેવા પૂજ્ય કનકકૌશલજી મહારાજને વિનંતી કરી. કવિતા શાળાના આચાર્યની આજીવિકા માટે ભુજથી પાંચ ગાઉ દૂર આવેલું રેહા નામનું ગામ બક્ષીસમાં આપ્યું. આ ગામની આવકમાંથી પાઠશાળાનો નિભાવ ખર્ચ પણ મળી જાય એવી ગોઠવણ થઈ.

આમ ભુજના એક વિશાળ ભવનમાં કાવ્યપાઠશાળા શરૂ થઈ. શરૂઆતમાં તે નાની પોશાળ તરીકે ઓળખાતી. ઇતિહાસ અનુસાર લગભગ સવાસો વર્ષ સુધી જૈનાચાર્યના સંચાલન હેઠળ પાઠશાળા સારી પેઠે ચાલી. તે પછી જૈને તર આચાર્યો આવ્યા. આ ફેરફાર સાથે પાઠશાળા નું ભવન પણ બદલાયું. ભુજમાં આશાપુરા મંદિરની પાસે બે માળના મકાનમાં શાળાનું સ્થળાંતર થયું. મહારાવ લખપતજીએ શરૂઆતથી જ કાઠિયાવાડ, રાજસ્થાન તેમ જ અન્ય હિન્દીભાષી પ્રદેશોમાં વસતા કવિ હૃદય (ભાટ ચારણો)ને ભુજ આવીને કાવ્યશાસ્ત્રની દિક્ષા પ્રાપ્ત કરવા ઈજન આપ્યું. દેશભરમાંથી એનો પ્રતિભાવ સાંપડ્યો. કવિ બનવાની ઈચ્છા સાથે આવતા વિદ્યાર્થીઓના શિક્ષણ તેમજ રહેવા-જમવા સહિતનો તમામ ખર્ચ કચ્છ રાજ્ય ભોગવતું. પાઠશાળામાં ઉચ્ચ કોટિનું સાહિત્ય ભણાવવામાં આવતું. હિન્દી સાહિત્યની તમામ પરંપરાઓ અને સ્વરૂપનો અભ્યાસ વિદ્યાર્થી કરતા. કાવ્યરચનાના દશે-દશ પાસા એટલે કે રસ, છંદ, અલંકાર, રીતિ, વક્રોક્તિ, ધ્વનિ, નાયિકાભેદ, કાવ્યદોષ, કાવ્યગુણ અને શબ્દશક્તિનો ગંભીરતાથી અભ્યાસ કરાવાતો. બીજા અર્થમાં કહીએ તો હિન્દી કાવ્ય સાહિત્યના ઉત્કર્ષમાં પણ કચ્છની પાઠ શાળા એ મહત્વનો ભાગ ભજવ્યો.

આ પાઠશાળાના માધ્યમથી રાજકવિ બનેલા ૩૫૦ જેટલા ના તો નામ સુદ્ધાં ડોક્ટર આસનાણીએ મેળવ્યા હતા. જે મુજબ કવિપદ પ્રાપ્ત કરનાર કવિઓએ ગુજરાત સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના નાના-મોટા રજવાડાઓમાં રાજકવિનું બહુમાન મેળવવાની સાથે સાથે યશ અને ધનપ્રાપ્તિ પણ કરી હતી. 

1948માં આ અજોડ પાઠશાળા બંધ કરી દેવાઇ. આઝાદી પછી કચ્છ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો ત્યારે તેને ભાટચારણોના રાજાશાહી શોખની પાઠશાળા માનીને બંધ કરી દેવાઇ. આ પગલાંનો વિરોધ થયો પણ કંઈ વળ્યું નહીં. કાગળો અને દફ્તરો સળગાવી દેવાયા અને 2001 ના ભૂકંપ પછી મકાનનુંયે નામનિશાન રહ્યું નથી.

છેલ્લા આચાર્ય શંભુદાનજી ગઢવી (ભૂતપૂર્વ સાંસદ પુષ્પદાનજીના પિતા)ની જન્મ શતાબ્દી ૨૦૧૦ માં ઉજવાઇ ત્યારે ભુજમાં એ સમયના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાજર રહ્યા હતા. એ વખતે વ્રજભાષા પાઠશાળા ને પુનઃજીવિત કરવાનો અનુરોધ જુદા જુદા વક્તાઓ દ્વારા થયો. આખરે ચર્ચા વિચારણાને અંતે 2012માં સરકારની ૨૫ લાખની ગ્રાન્ટ સહાયને સહારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘ઝવેરચંદ મેઘાણી લોકકલા સાહિત્ય કેન્દ્ર’નું પૂજ્ય મોરારિબાપુના હસ્તે ઉદઘાટન થયું. યુનિવર્સિટીનું કેન્દ્ર ભુજ જેવી કાર્યશાળા નથી. હા, લોકસાહિત્ય અને ચારણીસાહિત્યને પ્રોત્સાહન મળે એ પ્રકારની પ્રવૃત્તિઓ જરૂર કરી છે. સાચું પૂછો તો આજે વ્રજભાષા પાઠશાળા જેવી સંસ્થા કવિઓને આર્થિક ક્ષેત્રે શું અપાવી શકે એ એક મોટો પ્રશ્ન છે. રાજાશાહીના જમાનામાં રાજકવિઓને માન ચાંદ અને ધન પણ મળતું. આજે કવિ ની પદવી મળ્યા પછી શું?

લેખક – શ્રી કીર્તિ ખત્રી

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

OP 21.10.2020

છબીલભાઈ ત્રિવેદી

16-07-2021

કચ્છ મા આવેલી પાઠશાળા વિષે ખુબજ વિસ્ત્રુત માહિતી આપી, કચ્છ તો સાહિત્ય અને કલા નો પ્રદેશ છે દાદા મેકરણ અને દુલેરાય કારાણી કચ્છના સાહિત્ય ના ઝળહળતા સિતારા છે હાલ મા પણ કચ્છમા સાહિત્ય કલાની ખુબ ઉત્કૃષ્ટ સેવા થઇ રહી છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Sarla Sutaria

16-07-2021

આ પ્રકારની કાવ્ય શાળા વિશે પહેલીવાર જાણ્યું. સુંદર આલેખન 🙏

Mahesh Dave

16-07-2021

Thanks for very interesting article on the systematic teaching of Prosody. Even today, when we sing simultaneously in praise of “ અછાંદસ” as well as “ગઝલ”, Gujarati Sahitya Parishad could think of reviving the teaching of metres and verse forms to our budding poets. If song is not an easy form, “singing lines” cannot be missed in poetry.

દક્ષા સંઘવી

23-10-2020

વ્રજભાષા પાઠશાળા વિશે ના શ્રી કીર્તિ ભાઈ ખત્રી ના લેખનું દસ્તાવેજી મૂલ્ય સમજું છું ખૂબ જ રસપ્રદ આલેખન

Jayant Dangodara

23-10-2020

kavita ni paheli vidyapidth no parichay karavva mate dhanyvad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: