Louise Gluck ને વર્ષ 2020નું નોબેલ પ્રાઇઝ – હરીશ ખત્રી

સ્વીડીશ એકેડેમી તરફથી આ વર્ષે સાહિત્ય માટેનું નોબેલ પ્રાઇઝ અમેરિકન કવયિત્રી લૂઇ ગ્લિક (Louise Gluck)ને એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આજે દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે ત્યારે આવેલી આ જાહેરાત એ વાતની યાદ અપાવે છે કે અપાર અનિશ્ચિતતાઓ વચ્ચે પણ કળાનું સ્થાન છે. અને, જ્યાં કળા છે ત્યાં આશા પણ છે.

૭૭ વર્ષના (જ. ૨૨ એપ્રિલ, ૧૯૪૩) આ કવયિત્રીનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો. સારાહ લોરેન્સ કોલેજ અને કોલમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી જુદી જુદી કોલેજોમાં તથા હાર્વર્ડ અને યેલ સહિત બીજી યુનિવર્સિટીઓમાં તેમણે કવિતાનું શિક્ષણ આપ્યું હતું. સાહિત્યક્ષેત્રે વિશ્વનું આ સૌથી પ્રતિષ્ઠિત પ્રાઇઝ પ્રાપ્ત થતાં ગ્લિકનો પ્રથમ પ્રતિભાવ એવો હતો કે જે રીતે આજનું વિશ્વ ધર્મ, વંશ, જાતિ, વર્ગના ભેદભાવોમાં વહેંચાયેલું છે તે જોતાં આ સમાચારથી મને ભારે અચંબો થયો. એક શ્વેત અમેરિકન કવિને આ પ્રાઇઝ મળે તેનું મને મોટું આશ્ચર્ય થયું.

આ કવયિત્રીના ૧૨ કાવ્યસંગ્રહો અને નિબંધસંગ્રહો પ્રકાશિત થયા છે. તેમની કવિતા ભાવકને તેની ચેતનાના ઊંડાણમાં રહેલી પોતીકી સંવેદનાની અંતર્યાત્રા તરફ દોરે છે. તેમના કાવ્યસર્જનની સરખામણી ખાસ કરીને એમિલી ડીકીન્સન અને સિલ્વિયા પ્લાથની કવિતા સાથે કરવામાં આવે છે. ‘Averno’, ‘Firstborn’, ‘The Triumph of Achilles’, ’The Wild Irish’, ‘Faithful and Virtuous Night’ વગેરે તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. તેમની કવિપ્રતિભા અનેક એવોર્ડ અને પારિતોષિકોથી સન્માનિત થઇ છે. ‘The Wild Irish’ માટે 1993માં પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઇઝ તથા ૨૦૧૪માં નેશનલ બુક એવોર્ડ, ૨૦૦૧માં Bollingen prize ઉપરાંત અન્ય પારિતોષિકો તેમને એનાયત થયા છે. ‘Academy of American Poets’ના ચાન્સેલર તરીકે પણ તેમણે સેવાઓ આપી છે.

તેમના કાવ્યસંગ્રહ ‘The Wild Iris’માંથી એક કાવ્યનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.

**********

હિમ શીકર

તમે જાણો છો કે હું શું હતો? કેમ જીવ્યો હું?

હતાશા એટલે શું એની તમને ખબર છે?

તો જ તમને શિયાળાનો અર્થ સમજાશે.

મને આશા નહોતી કે હું બચી શકીશ,

ધરતી મારી પર દબાણ કરતી હતી

મેં ધાર્યું નહોતું કે હું ફરીથી ઊઠીશ –

એ અનુભવ કરવા માટે કે આ ભીની ધરતીમાં

મારું શરીર શું ફરીથી પ્રતિક્રિયા આપી શકે છે!

બહુ લાંબા કાળ પછી, શું તેને યાદ હશે કે

ઠંડીગાર રાતના પ્રકાશમાં

વસંતના આરંભે ફરીથી કેમ ખૂલવું!

હા, ગભરાટ છે મારામાં,

પણ તમારી વચ્ચે છું ફરીથી

રડતો, હસતો, ડરતો –

દુનિયાના ભેજવાળા ઠંડા પવનમાં.

(કાવ્યનો ભાવાનુવાદ – હરીશ ખત્રી)

OP 16.10.2020

**********

હરીશ ખત્રી

22-10-2020

નોબેલ પ્રાઈઝ વિજેતા કવયિત્રી લૂઈ ગ્લિકના પ્રાસંગિક પરિચય તથા તેમનાં કાવ્યના ભાવાનુવાદને ઉમળકાભેર વધાવવા બદલ સૌ કવિતાપ્રેમી મિત્રોનો આભાર.

Neepa Bhatt

20-10-2020

સુંદર પરિચય તેમ જ અનુવાદ, હરીશભાઈ !

લતાબેન, “કાવ્યવિશ્વ” માટે ફરી એક વાર આનંદ, અભિનંદન અને શુભેચ્છાઓ !

અમૂલ વ્યાસ

19-10-2020

ખૂબજ સુંદર પરિવાર શરૂ થયો. ધન્યવાદ

Jayant Dangodara

19-10-2020

khub saras anuvad….abhinandan lataben n harishbhai

Rina Manek

19-10-2020

સુંદર અનુવાદ….

Devendra bhai vaniya

18-10-2020

બહેનજી સરસ. બહુજ રસપ્રદ અને પ્રેરણાદાયી કાર્ય છે.

વિવેક ટેલર

18-10-2020

સુંદર પરિચય અને અનુવાદ

Sandhya Bhatt

18-10-2020

સુંદર પરિચય મળ્યો..કવિતા સાથે..?????

Prof. Kaladhar Arya

18-10-2020

અત્યંત માર્મિક ભાવાનુવાદ થકી સ્પંદનો પ્રસરાવ્યા,…સાધુવાદ

Ingit Modi

18-10-2020

વાહ બહુ જ સરસ કાવ્ય અને અનુવાદ.??????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: