રાવજી પટેલ ~ ભાઈ * Ravji Patel

(શિખરિણી)

બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું

વિચારે એવું કે લસલસ થતો મોલ સઘળો;

અને આ કોસે તો હદ કરી :

ઉલેચ્યાં પાતાળો પુનરપિ, હવે તે ટપકતો

રહ્યો ભીંતે. બેઠું વિહગ જઇ ત્યાં, સીમ નીરખી

કરે છે ગીતોનું સ્મરણ. કરું હું કાન સરવા.

ચડ્યો ઝોકે એવો બળદ પણ, બીજો મુજ સમો

રહ્યો આ વાગોળી, લચકઇ પડ્યાં લોચન મહીં

પછી તો ડૂંડાઓ, હરખ નવ માયો હૃદયમાં.

ફરી આવું થોડું ચલ મન, જરી ખેતર વિષે.

જતાં રોડું વાગ્યું, ચરણ લથડયો, આંખ ફરકી,

અહીં આ ક્યારીમાં ખડખડ હસ્યો ભાઈ મુજનો !

~ રાવજી પટેલ

રાવજી પટેલ એટલે એક નોખી માટીની દર્દીલી સોડમ. મોલ લચેલા ખેતરનું લીલુંછમ્મ ડૂસકું. અનરાધાર અશ્રુઓને સંઘરી બેઠેલું એક અફાટ રણ. તેમની કવિતાઓ તમને વીંધીને આરપાર ન કરે તો જ નવાઇ. રાવજીનું એક છંદોબદ્ધ કાવ્ય “ભાઈ” અહીં મૂકું છું. એમાં જૂની સ્મૃતિઓ ઝીલતો માહોલ, રાવજીએ કેવી પ્રતીકાત્મક રીતે બહેલાવીને તાદૃશ કર્યો છે, એ માણવાનો આપણો ઉપક્રમ છે.

કાવ્યમાં બપોરી વેળાનો ગ્રામ્ય પરિવેશ ઝીલાયો છે. શબ્દે શબ્દે કવિતા-તત્ત્વ કંડારાયું છે. ખેતર વિચારે ચડે છે. ખીંટીએ ટીંગાતો કોસ ફરી પાતાળો, એટલે કે સ્મૃતિઓ ઉલેચે છે. એક વિહગ ગીતોનું સ્મરણ કરે છે. બપોરની ભારરઝલ્લી પળોમાં એક બળદ ઝોકે ચડ્યો છે.બીજો વાગોળે છે.  લચકાઇ પડેલાં ડૂંડાં જોઈ ખુશ કવિ ખેતરમાં એક ચક્કર મારવા વિચારે છે ત્યાં જ માટીનું એક રોડું પગમાં અથડાય છે અને અગાઉ મૃત્યુ પામેલ તેમનો ભાઈ ક્યારીમાં ખડખડ હસે છે. પછી કવિતા મૌન ધારણ કરીને આપણા અંતઃસ્તલને હચમચાવી મૂકે છે.

~ સુરેન્દ્ર કડિયા

3 Responses

  1. ઉમેશ જોષી says:

    મનને સ્પર્શી જાય છે..

  2. પ્રિય વ્યક્તિની યાદ ઘણીવાર એવા સમયે આવી જાય કે દર્દનું ડુસકું લેવાઈ જાય.

  3. ખુબ સરસ પ્રિય વ્યક્તિ ની યાદ પણ કેવી રીતે આવે છે ખુબ ગમ્યું જુનુ ઘર ખાલી કરતા,, સોનેટ ની યાદ અપાવી આસ્વાદ પણ અેટલોજ માણવા લાયક રહ્ર્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: