મનહર મોદી ~ આ વહે * Manhar Modi

આ વહે ઠંડી હવા, મનહર બિચારો શું કરે ?
પી રહ્યો કડવી દવા, મનહર બિચારો શું કરે?

એક બે તારા ગણ્યા એનાથી દહાડો ના વળે
રાત આખી કાપવા મનહર બિચારો શું કરે ?

કૈંક સદીઓનું ભર્યું છે મૌન બંને આંખમાં
એમને બોલાવવા મનહર બિચારો શું કરે?

ઘાસનો અવતાર છે, કચડાય છે માટીભર્યો
વૃક્ષ માફક ડોલવા મનહર બિચારો શું કરે?

એક હૈયા જેટલું અંતર હજી છે કાપવું
પ્રેમ જેવું ચાલવા મનહર બિચારો શું કરે?

એ ખરું કે સૂર્ય આખો ઓ પડ્યો છે ડોલમાં
બ્હાર એને કાઢવા મનહર બિચારો શું કરે?

ક્યારનો એ તો લખે છે કે હજી લખવું નથી.
જાતને સંભાળવા મનહર બિચારો શું કરે?

ઓ અલ્યા મનહર! ઘણું ઊંઘ્યો હવે તો જાગજે
ધ્યાન એવું રાખવા મનહર બિચારો શું કરે?

ચાર રસ્તા ચાર ઠેકાણાં બતાવે સામટાં
એક એને ઘર જવા મનહર બિચારો શું કરે?

~ મનહર મોદી

સાવ અલગ પ્રકારની રદીફ પણ કવિએ કેવી બખૂબી નિભાવી છે!

4 Responses

  1. મનહર મોદી ની રચના જરા હટકે ખુબ ગમી

  2. કવિ શ્રી ની આ ગઝલ એમની નોખી શૈલીની યાદ અપાવે છે.

  3. લલિત ત્રિવેદી says:

    સરસ ગઝલ.. અનોખી.. અનોખા કવિની

  4. વહીદા ડ્રાઈવર says:

    Wah Bhai wah

    નવું લાવ્યા હો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: