મગનભાઈ પટેલ ‘પતીલ’ ~ બે કાવ્યો
સદ્ભાવના
ના મારે તુજ ભેટ, બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ.
છું એવો નહિ રંક કે અવરની મારે કૃપા જોઈએ!
આવ્યો છું લઈ નગ્ન હાથ, કરવા સૌદો મને ભાવતો
થા મારી, જન આ નિખાલસ તણી જો ચાહના જોઈએ.
જો તું દાન કરે મને, ભગવતી! દે દાન હૈયા તણું
હૈયું સાફ પરંતુ કાચ સરખું તે હોવું હા જોઈએ.
જેમાં જોઈ શકું મુહબ્બત તણી તસ્વીર ખેંચાયલી
રાજા ચોર લિયે હરી નહિ નહીં એવી મતા જોઈએ.
આપે તો ગુજરાન આપ મુજને મારી લઈ ખાતરી
થોડા આપ દિનો વળી સુખ તણા ના વાસના જોઈએ
તે મારી નથી માગણી તુજ ને સંકોચ જેનો તને
ઝાઝું જો તુજ પાસ હોય નહિ તો સદ્ભાવના જોઈએ.
~ મગનભાઈ પટેલ ‘પતીલ’ (8.8.1905 – 18.3.1970)
*****
આ લીલા લીલા લીમડા તળે
આ લીલા લીલા લીમડા તળે
થાકેલો કોઈ રાહિયો મળે
કરાર કેવો કાળજે વળે –
જો આમદાનો ભાગિયો મળે?
કોમના ગરાસ તો ગયા
મો’લના ઉજાસ તો ગયા
હારીડા તણો લાવતો પતો
સજાત, દીન ખેપિયો મળે!
હલેત દશા, એકલાપણું –
કશો ન લાભ, સાંખવું ઘણું,
માહરા શેતાન રુદેનો
કો ઠારનાર ગોઠિયો મળે!
~ મગનભાઈ પટેલ ‘પતીલ’ (8.8.1905 – 18.3.1970)
કવિની પૂણ્યસ્મૃતિએ વંદના
કવિ શ્રી ના કાવ્યો ખુબ ખુબ ગમ્યા પ્રણામ
સ્મૃતિ વંદન. સરસ રચનાઓ.