ધીરુબહેન પટેલ : એક અદભૂત સર્જક Dhirubahen Patel * Lata Hirani

અનુગાંધીયુગના સર્જક ધીરુબહેન પટેલ કહેતાં, ‘Life has been very kind to me.’ ‘જિંદગી મારી સાથે બહુ ઉદાર રહી છે.’ ધીરુબહેનના મુલાકાતીને એમની kindnessનો અનુભવ થયા વગર રહે નહીં. જીવનમાં આંટીઘૂંટીઓ, પડકારો, મુસીબતો ન આવ્યાં હોય એવું કેમ બને? પણ એને સહજતાથી લેનાર વ્યક્તિ જ આવું કહી શકે. ધીરુબહેન પટેલ એટલે સાહિત્યક્ષેત્રે ઝળહળતું નામ અને એકદમ નિખાલસ, સરળ વ્યક્તિત્વ !
એમનું ફોઈએ પાડેલું નામ ધીરેન્દ્રબાળા. ‘હું ક્યારેય મોટી થવાની જ નથી’ એમ એમણે મને અનેક વખત કહ્યું હશે. એમનો ફોન આવે અને વાત મસ્તી-તોફાનથી શરૂ ન થાય એવું ન બને ! એમની સરળતાનું રહસ્ય જ એ હશે ! ધીરુબહેનનો ફોન આવ્યો હોય અને આરામથી પૂરો કલાક વાતો કરી હોય એવો અનેકવારનો વૈભવ મારી સ્મૃતિદાબડીમાં હવે સચવાયેલો રહેશે.
હજી એક વર્ષ પહેલાંની જ વાત છે. 96મે વર્ષે પણ જીવનને અને પોતાના કાર્યક્ષેત્રને કેટલી હદે ચાહી શકાય!
‘મારી પાસે હજી ચાર વર્ષ છે, કામ કરવાના!’
‘અરે બહેન, તમે સદી પૂરી કરશો જ અને પછી પણ વર્ષો કામ કરશો.’
‘એમ થાય તો સારું, પણ ચાર વર્ષ તો છે જ કામ કરવાના. મારે અઢી નવલકથા લખવાની છે !’
‘અઢી? એમ કેમ ?’
‘અડધી લખાયેલી છે અને બે નવી લખવી છે!’
હું એમને જોઈ રહી હતી અને શબ્દો ભૂલી ગઈ હતી !
પાંચ-છ વર્ષની ઉંમરથી નાની ધીરેન્દ્રબાળાને ડાયરી લખવાની આદત હતી. આને એમના લેખનની શરૂઆત કહી શકાય. આમ જ નાની ઉંમરથી નાની ધીરુ રોજ ‘ભગવાનને કાગળ’ પણ લખતી જેમાં એ ભગવાનને પોતાના રોજેરોજના કાર્યોનો હિસાબ આપતી ! આઠ-નવ વર્ષની ઉંમરે એને વર્ગમાં ચિત્ર પરથી વાક્ય લખવાનું હતું. ‘ચાંદ’ મેગેઝીનનું કવરપેજ જોઈને ધીરેન્દ્રબાળાએ વાક્યમાં લખેલું, ‘કન્યાના સુકુમાર મુખાર્વિંદ જેવું’
આચાર્ય રામપ્રસાદ બક્ષીએ પૂછ્યું, “મુખારવિન્દ’ એટલે ?”
“મોઢું”
“તો એમ જ ન લખાય?”
“ના એ સાહિત્ય જેવું ન લાગે !”
“‘મુખાર્વિંદ’ ન લખાય. મુખારવિંદ લખાય.”
“પણ મારા શિક્ષકે લાલ લીટો નથી કર્યો”
ધીરેન્દ્રબાળા માનવા તૈયાર નહોતી. પોતાના શિક્ષક એટલે વિશ્વની અંતિમ સત્તા. એમણે જે સાચું ગણ્યું એ સાચું જ હોય એવો વિશ્વાસ.
“પણ એ જોડણી ખોટી છે.”
પછી આચાર્યએ એમને મુખારવિંદની જોડણી સમજાવી. મુખ+અરવિંદ એટલે મુખારવિંદ. આચાર્યસાહેબે બરાબર સમજાવ્યું એટલે તેઓ માન્યા.
આ જ બક્ષીસાહેબે પછીથી ધીરુબહેનને કહેલું, “તારે સર્જક બનવાનું છે, વિવેચક તો ઘણા છે.” અને એમની આ વાત બહેને જિંદગીભર યાદ રાખી, જો કે એમની સર્જનાત્મકતાનો ધોધ એમને બીજે વળવા દે એમ જ નહોતો.
પંદર વર્ષની ઉંમરે એમણે પહેલી વાર્તા ‘સંજોગ’ લખી જે સંદેશના દીપોત્સવી અંકમાં છપાઈ. એનો પુરસ્કાર પણ મળ્યો
વિનોદ એમનો સ્વભાવ છે. 96 વર્ષે પણ તેઓ રમુજ કરવાથી વાતની શરૂઆત કરી શકે છે અને તરત સરળતાથી તેઓ કહે “તોફાન કરું છું હો!” ધીરુબહેન આમ વાત કરતાં હોય ત્યારે જો હું એમનો અવાજ બાદ કરું, માત્ર શબ્દો પર જાઉં તો મને એક શરારતી યુવતી અનુભવાય. ભલે ક્ષણિક, પણ એ મારાથી રિસાય પણ ખરા! અને કહે, ‘હું તારાથી રિસાઈ છું.’ આ મારા જીવનના ઉત્તમ અનુભવોમાંનો એક.
છેલ્લે સુધી એમને કોઈ જ રોગ નહોતો ! આ પણ એમના વિનોદી સ્વભાવનું જ એક પરિણામ હશે ! ઉંમર સાથે શારીરિક તકલીફો હોય, પણ રોગ ? ના બાબા ના…. એમને મારે ઘરે લઈ જતી વખતે મેં નિર્મળાબહેનને પૂછેલું, “બહેનની દવાઓ કોઈ હોય તો ખાસ આપી દેજો.” અને ધીરુબહેન આનંદથી બોલી ઉઠેલા, “હું દિવસમાં એકેય ગોળી લેતી નથી !” ‘એકેય ગોળી’ શબ્દ પર જે ભાર હતો અને એ બોલવામાં એમનો જે લહેજો હતો, એ તો સાંભળવાની જ મજા!
2003માં તેઓ સાહિત્ય પરિષદનાં પ્રમુખ બન્યાં ત્યારે કાર્યક્રમોમાં અને ખાસ કરીને ‘એનીબહેન સરૈયા લેખિકા કાર્યક્રમોમાં અને પછીથી ‘સર્જનશિબિર’માં એમને મળવાનું થતું. લગભગ દૂરથી પણ એમનું ધીરગંભીર અને શાતા આપતું વ્યક્તિત્વ અનુભવાય.
નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, બાળસાહિત્ય, ફિલ્મલેખન કેટલાં બધાં ક્ષેત્રોમાં ધીરુબહેને અત્યંત સફળતાપૂર્વક કલમ ચલાવી છે! તો કવિતાએ પણ એમને છોડ્યા નથી! એમનું સાહિત્ય લોકપ્રિય પણ બન્યું અને વિવેચકપ્રિય પણ બન્યું. બહુ ઓછા સર્જકો આવાં ભાગ્યશાળી હોય છે.
ધીરુબહેનનાં ગમતાં સાહિત્ય સ્વરૂપો છે, આત્મકથા, વાર્તા, કવિતા. એમના ‘નિર્બંધ નિબંધો’ પણ વાંચીને મોજ પડી જાય એવાં છે. ધીરુબહેનનું સર્જન નિજાનંદે પણ સામાજિક જવાબદારીની સભાનતા સાથે. એમનું કહેવાનું છે કે નિજાનંદે લખી શકાય પણ જો તમારે તેને છપાવવું હોય તો એ સમાજમાં જવાનું છે, લોકો તેને વાંચવાના છે અને લોકો પર તેની અસર પણ પાડવાની છે એ ધ્યાનમાં રહેવું જ જોઈએ. બાકી લખ્યા કરો. છપાવવાની એષણા ન રાખવી. એ વાત પણ તેઓ ઉમેરે છે કે તમે જે લખો છો અને જે છપાય છે એ વાંચવા માટે લોકો પોતાનો કિંમતી સમય આપે છે, એટલે જે છપાય એમાં ક્વોલિટી હોવી જ જોઈએ. વાચકનો સમય વ્યર્થ ન જાય એ જવાબદારી લખનારની છે.
ધીરુબહેને કવિતાઓ પણ લખી છે. એમનું Kitchen Poems અંગ્રેજીમાં 2005માં (બીજી આવૃત્તિ 2017) આવ્યું ને પછી એનું ગુજરાતી પણ એમણે કર્યું, જે કીચન પોએમ્સના નામે જ 2018માં આવ્યું. કવિતાઓનો વિષય એક જ હોવા છતાં એમાં એકવિધતા નથી વર્તાતી. એમની ‘મારો શાકવાળો’ મારી પ્રિય કવિતાઓમાંની એક. દિવ્ય ભાસ્કરમાં કાવ્યાસ્વાદની મારી કૉલમ ‘કાવ્યસેતુ’ની શરૂઆત મેં એમની આ કવિતાથી કરેલી. એમનો ત્રીજો કાવ્યસંગ્રહ એ ‘છોળ અને છાલક’
‘સુધા’ સામયિકનાં તંત્રી તરીકે ધીરુબહેને અગિયાર વર્ષ અવેતન સેવાઓ આપી. ધીરુબહેને ફિલ્મની સ્ક્રીપ્ટ પણ લખી. ‘ભવની ભવાઇ’ એમની ખૂબ જાણીતી ફિલ્મ છે.
ધીરુબહેન હંમેશાં બહેનોના ઉત્કર્ષ માટે અગ્રેસર રહ્યાં છે. મુંબઈમાં એમણે બહેનો માટે ‘લેખિની’ સંસ્થા સ્થાપી. ‘લેખિની’ સામયિક પણ આજે ખૂબ સારું ચાલે છે. જિંદગી આખી મુંબઈમાં કાઢ્યા પછી પાછલી ઉંમરે ધીરૂબહેનને અમદાવાદમાં આવીને ઠરવાનું મન થયું. કાર્યક્ષેત્રની બાબતમાં એમણે ‘વિશ્વકોશ’ને વહાલું કર્યું ! ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’માં એમણે સ્થાપેલ સંસ્થાઓ – બહેનો માટેની ‘વિશ્વા’ અને ‘ધીરુબહેન પટેલ બાળ-કિશોર સાહિત્ય કેન્દ્ર’ના નેજા હેઠળ એમણે કેટકેટલી સ્પર્ધાઓ યોજી અને એ નિમિત્તે બહેનો પાસે ખૂબ લખાવ્યું. હું ક્યારેક ક્યારેક એમની ઓફિસમાં મળવા જતી. બાળવાર્તાના મારાં પુસ્તક ‘બુલબુલ’થી તેઓ બહુ ખુશ થયેલાં. એમણે યોજેલી ‘કિશોરકથા સ્પર્ધા’માં મેં લખેલી ‘હું ને કથા’ નવલકથાએ બહેનને રાજીપો આપેલો. એ પછી ‘વિશ્વા’ નિમિત્તે એમને અવારનવાર મળતી અને આમ જ એમનો સ્નેહ મારા પર વરસતો રહ્યો. હજી છએક મહિના પહેલાં ડો. કુમારપાળ દેસાઇ સાથે તેઓ એક વાર્તાસ્પર્ધાના આયોજનની વાત કરતાં હતાં.
ધીરુબહેનની વિદાય અલબત્ત 97મે વર્ષે અને એય સફળ, સંતોષકારક અને યશસ્વી જીવન જીવ્યા પછી, તોયે મારા સહિત એમના ચાહનારાઓને એમની ખોટ બહુ સાલશે…
કવિ સુરેશ દલાલ લખે છે “એક અલગ ટાપુ જેવું તેમનું વ્યક્તિત્વ છે. પૂરમાં પણ ન તણાય એવું દૃઢસંકલ્પી તેમનું વ્યક્તિત્વ. વિચાર અને આચારમાં અત્યંત સ્પષ્ટ અને સ્વચ્છ…… સંસ્થા સાથે સંકળાય પણ એની સાંકળમાં ન બંધાય કેમ કે તેઓ ખુદ એક સંસ્થા છે.” આ વાત સાથે આપણે સહમત થઈએ જ થઈએ.
*****
સર્જન
કાવ્યસંગ્રહ – 3 Kitchen Poems 2005, ‘છોળ અને છાલક’ 2014, કીચન પોએમ્સ (ગુજરાતી અનુવાદ) 2018,
વાર્તાસંગ્રહ અને નવલકથા – 12 થી વધુ
હાસ્યકથાઓ – 3 થી વધુ
નાટયસંગ્રહો – 3 થી વધુ
બાળવાર્તાસંગ્રહ – 8થી વધુ
બાળનાટ્યસંગ્રહ – 7 થી વધુ
અનુવાદિત પુસ્તકો – 2 થી વધુ
ફિલ્મ – ભવની ભવાઈ
(પુસ્તકોની નિશ્ચિત સંખ્યા મળશે એટલે સુધારો કરી લઈશ. હાલ જે મળ્યું છે એથી કામ ચલાવીએ)
એવોર્ડ અને પુરસ્કાર
નંદશંકર સુવર્ણચંદ્રક 1996
રણજિતરામ સુવર્ણચંદ્રક, 1980
કે.એમ.મુન્શી સુવર્ણચંદ્ર (ગુજરાત સાહિત્ય અકાદમી) 1981
નવલકથા ‘આગંતુક’ માટે સાહિત્ય અકાદમી એવોર્ડ 2001
સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2002
*****
લતા હિરાણી
🙏💐🙏
લતાબહેને ધીરુબહેનનું રેખાચિત્ર આપીને તેમનું યથાયોગ્ય તર્પણ કર્યું છે. એમનાં જીવન-કવનનો આલેખ પણ સૌને પ્રેરક બનશે.પૂ. ધીરુબહેનને ભાવાંજલિ.
આભાર મીનલબહેન
લતાબેન આપે ખુબ સરસ રીતે ધીરૂબેન ને વાચકો સમક્ષ ઉજાગર કર્યા અભિનંદન
આભાર છબીલભાઈ
ધીરૂબેન સાથેનો આત્મીય સંબંધ અને આદર તથા સ્નેહપૂર્ણ નિરીક્ષણ-આ ત્રણેય પરિબળોને સાંકળીને લતાબેને શ્રદ્ધાપૂર્વક ભાવાંજલિ આપી છે.
આભાર હરીશભાઈ
“જે છપાય એમાં ક્વોલિટી હોવી જ જોઈએ. વાચકનો સમય વ્યર્થ ન જાય એ જવાબદારી લખનારની છે.”
આ વાત દરેક કવિ કે લેખકે યાદ રાખવી જોઈએ. વંદન.
આભાર મેવાડાજી.
Love the compilation, latabahen and your essay , especially
Thank you Pratishthajee
લેખ સરસ માહિતી સભર.
આભાર હર્ષદભાઈ. સુધારા પણ સૂચવતા રહેશો.
સરળ અને સરસ લેખ. મારે છેલ્લે ધીરૂબહેનને સ્ક્રેપયાર્ડ થીએટર ખાતે મળવાનું થયેલું. તેઓશ્રીને દેવકી અભિનીત અને મનોજ જોશી દિગ્દર્શિત નાટક ;અદભૂત’ જોવા નિમન્ત્ર્યાં હતાં. તે સમયે તેમની સાથે મારે તેમનાં બાળનાટક ‘અંડેરી ગંડેરી ટીપરી ટેન’ અંગે વાત થઈ હતી. એ જ હસતો ચહેરો, એ જ રમૂજ અને એ જ હળવાશ. કહે, “બસ, લખ્યા કર્યું; લખવાનું ચાલુ રાખ્યું.”
સાચી વાત વિજયભાઇ. આભાર.
ખુબ ગમ્યું આપનું લખાણ ધીરૂબેન એક સ્નેહાળ પ્રેમાળ વ્યક્તિ હતાં.મે પણ એક સ્પર્ધામાં વાર્તા મોકલી હતી. બધી વાર્તાઓ નાં નંબર નો આવે. પણ છતાં કોઈ સ્પર્ધકને અન્યાય ના થાય એવા હેતું થી ૬૫ વાર્તાઓ ની એક બૂક છપાવી એમાં બધાં સ્પર્ધકોની વાર્તાઓ ને ન્યાય આપ્યો. એ બૂક નું નામ –
” વાર્તા વિહાર” ૨૦૨૦ માં છપાઈ .અમને બૂકની સાથે એક યાદગીરી રૂપે એક ભેટ પણ મોકલી.આવા સરળ વ્યક્તિત્વને કેમ ભૂલી શકાય?
આભાર જયશ્રીબેન. ધીરુબહેન એટલે જ ભૂલાતાં નથી.