રક્ષા શુક્લ ~ મુંઝારાના મહેલ

મુંઝારાના મહેલ વચાળે, સોડ અમે તો તાણી

પીડાના પટ્કૂળ પે’રેલી, હું જ મને અણજાણી

સંવેદનાના સળવળ જળ ને જળની આડે પાળા

બાકી સઘળું સજ્જડ સાબુત, હૈયાં થાતાં આળાં

કલરવમાં હું ક્યાંય હતી ના, વેરાને વેરાણી

મુંઝારાના મહેલ વચાળે, સોડ અમે તો તાણી……

કળશ કાંગરા મૌન, ઝરુખા મોભારા સુમસામ

શ્રાવણમાં પણ તરસ તરસ છે, હૈયે રાખી હામ

સંકેલો આ પાનેતરની ઘુઘરિયાળી વાણી

મુંઝારાના મહેલ વચાળે, સોડ અમે તો તાણી….. રક્ષા શુક્લ

સદીઓ જૂનો સ્ત્રીનો મુંઝારો, અકળામણ, પીડા અને જીવનમાં ફેલાયેલી વેરાનગી. જુદી જુદી રીતે રજૂ થતી અને તોયે ન્યાય ન પામતી સ્ત્રીની એ જ ઘવાયેલી અને ઘવાતી રહેતી સંવેદનાનું કાવ્ય..

પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીના જીવનની મુસીબતો સામે બાથ ભીડવાની લાચારીનું, અન્યાય સહેવાનું ને અરમાનોને કચડી નાખવાનું આ કાવ્ય એક આમ સ્રીની સદાકાળની મનોભાવનાને લઇને રચાયું છે.. અલબત્ત ક્યાંક હવે સૂરજ ઊગતો જાય છે. ભલે થોડા વિસ્તારમાં પણ હવે સ્ત્રી માટે નવો યુગ આવતો જાય છે, નવો સૂર્ય એના કિરણો પાથરતો જાય છે એનીયે નોંધ લેવી રહી. પણ એ 25 થી 30 % માટે કહી શકાય. હજી મોટો વર્ગ ઉપેક્ષાયેલો રહ્યો છે.

હવે જરૂરત છે, સ્ત્રીએ જ સ્ત્રીને ઓળખવાની.. પોતાની જાતને લેશમાત્ર પણ ઓછી નહીં આંકવાની.. પોતાના અસ્તિત્વને માટે સંઘર્ષ કરવાની… એ વગર પરિસ્થિતિ ક્યાંથી બદલાશે ?

8 Responses

  1. “મુંઝારાના મહેલ વચાળે, સોડ અમે તો તાણી” પંક્તિ જ ઘણું કહી જાય છે. આદરણીય રક્ષા શુક્લ જીની આ રચના ગર્ભિત રીતે સ્ત્રી હોવાની સંવેદના રજૂ કરે છે.

  2. ઉમેશ જોષી says:

    સ્ત્રીના મુંઝારાને વ્યક્ત કરતી રચના છે..
    ખૂબ ખૂબ અભિનંદન..

  3. Anonymous says:

    સ્ત્રીની લાગણીને વ્યક્ત કરતી રચના ખૂબ ગમી 🌹🌹🌹રક્ષાબેનનાં કાવ્યો ગમે છે 🌹

  4. Raksha Shukla says:

    લતાબેન, ખૂબ ખૂબ આભાર… કાવ્યવિશ્વમાં કવિતા લેવાય એનું ગૌરવ અને રાજીપો ખૂબ.
    મેવાડાજી, ઉમેશભાઈ અને અજ્ઞાતજી
    આપ સૌના શબ્દો જ મારું બળ છે…વધુ લાયક બનું…ફરી આભાર સાથે….

  5. સ્ત્રી ને અનુભવાતા મૂંઝારાની પીડા ખૂબ જ સચોટ રીતે અભિવ્યક્ત થઈ છે. અભિનંદન રક્ષાબેન.

  6. સ્ત્રી ની સંવેદના ખુબ ચોટદાર રીતે કાવ્ય મા દેખાય છે સરસ રચના અભિનંદન રક્ષાબહેન

  7. રક્ષા શુક્લ says:

    દિનેશભાઈ, છબીલભાઈ..આપ બંનેનો ખૂબ આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: