દીવાલોની પારનાં અજવાળાંને
પામવાની મથામણમાં
મારી ચીમની બુઝાવી નાખવી
મને મંજૂર નથી.
મને મંજૂર નથી
આ પાર કે તે પારની
સંતાકૂકડીની રમત.
મારે માણવા છે
આ પારની દુનિયાના બધાં સૂર્યોદય
બધાં સૂર્યાસ્ત
બધી આવનજાવન
દિવસ અને રાતની
મારી નાનકડી ચીમનીની
જ્યોત નાનકડી,
ટમટમતી
રાખવી છે મારે…….
~ જયા મહેતા
‘દીવાલો પારનાં અજવાળાં’ – અહીં ‘અજવાળાં’ શબ્દ વાપર્યો છે એટલે કવયિત્રીએ, ધર્મોએ બતાવેલ જીવન પછીની ગતિ – સ્વર્ગનું સુખ કે મોક્ષની કલ્પનાને નકારી નથી પણ એને ‘દીવાલની પાર’નું કહી એમાં પોતાની મર્યાદા જરૂર જાહેર કરી છે. એ સુખ હશે, અજવાળું હશે પણ એ દીવાલો પારનું છે. હું એને જાણતી નથી અને એટલે એ મારે કામનું નથી. સ્વર્ગ-નરક, કલ્પના હોય કે સત્ય, કોઇએ ત્યાંથી પાછાં આવીને એને પ્રમાણ્યાં નથી. કવયિત્રીને વર્તમાનમાં વિશ્વાસ છે. એ અણજાણ દુનિયાને પામવા આ જીવનને શા માટે નકારવું ? કવયિત્રીને એ મંજૂર નથી. નોંધપાત્ર એ છે કે પોતાની નામંજૂરી એણે મક્કમ રીતે શબ્દોમાં બેવડાવીને જાહેર કરી છે.
આ કાવ્યને બે રીતે મૂલવી શકાય. એક દૃષ્ટિકોણ છે, જીવન પછીનું સ્વર્ગ મેળવવા આ જિંદગીને તરછોડવી. અને બીજો દૃષ્ટિકોણ છે, કાલ્પનિક સુખની પાછળ દોડવાને બદલે વાસ્તવિકતાને વધાવવી. જો વાત કાલ્પનિક સુખ એટલે કે મૃગજળની હોત તો ‘અજવાળાં’ શબ્દ ન વપરાયો હોત કેમ કે ‘દિવાલો પારનાં અજવાળાં’ કહીને અજવાળાંના અસ્તિત્વને સંમતિ તો આપી જ છે. જ્યારે મૃગજળને સંમતિ આપવાનો કોઇ સવાલ જ ન હોય !!
નકારથી આરંભાતી હકારની આ કવિતા આ સંસારને, જીવનને દૃઢપણે વધાવે છે.

દિવાલો પરના અજવાળાં…
નો આસ્વાદ રોચક છે……અભિનંદન.
આભાર ઉમેશભાઈ.
અવ્યકત સુખ પ્રાપ્ત કરવા માટે વ્યકત સુખનું બલિદાન આપવાની પારંપરિક સંન્યાસ દ્રષ્ટિનો આ વિરોધ છે. આ ભૌતિક અને આ આધ્યાત્મિક એવું સ્પષ્ટ વર્ગીકરણ કરનાર ગેરસમજ દૂર થઈ શકે તો આ કવિતાનો ધ્વનિ સમજાય.
આદરણીય લતાજી આપે કાવ્ય ને સરસ રીતે ઉઘાડી આપ્યું છે.
આભાર મેવાડાજી.