
મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે. ~ કૈલાસ પંડિત
પરંપરિત ગુજરાતી ગઝલને દ્રઢમૂલ કરનાર શાયરો પૈકીના એક અગ્રણી શાયર કૈલાસ પંડિત. આ કવિની માતૃભાષા हिन्दी હોવાં છતાં ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું યાદગાર પ્રદાન છે.
પોતીકા ભાતીગળ ભાવસંવેદન અને સરળતાસભર બાનીમાંય ઊંડાણ અને ઊંચાઈને તાકતા આ શાયરે 1994 માં એટલે કે ફક્ત 53 વરસની ઉમરે ચિર વિદાય લીધી.
કવિના કાવ્યસંગ્રહો
દ્વિધા 1978 2. સંગાથ 1983 3 ઉમળકો 1991 4. ખરાં છો તમે 1995 (સમગ્ર કવિતા)
સુખનવન કવિ (સંપાદન દસ પુસ્તિકાઓ)
આ શાયરના કેટલાક લોકપ્રિય શેરને માણીએ :
હું નથી થાક્યો હજી સંબંધથી,
લાકડી અળગી કરો ના અંધથી
શબ્દ તો ઘોડા બનીને આવતા,
અર્થ તો અસવાર થઈને હાંફતા
ભૂલી જવાનો હું જ, એ કહેતાં હતાં મને,
એવું કહીને એ જ તો ભૂલી ગયાં મને.
તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું,
મારું ગજું નથી કે તને છેતરી શકું.
ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,
ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ.
ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે ને પછી જખ્મો ધરી જાશે.
ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી મનાવું ? ખરાં છો તમે.
ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.
ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે
દવાની ગઈ અસર ત્યારે દુવાએ લાજ રાખી છે. ~ કૈલાસ પંડિત
શાયર કૈલાસ પંડિતની કલમચેતનાને નમન.
આર.પી.જોશી રાજકોટ
****

સરસ રચના. અભિનંદન.( મીનળ ઑઝા)
પારંપરિક ગઝલના ક્ષેત્રમાં કૈલાસ પંડિત ની રચનાઓ લોકપ્રિય છે.
લાહ, સરસ સંકલન. કવિને સ્મૃતિ વંદન