રમેશ પારેખ ~ વ્હાલ કરે તે વ્હાલું Ramesh Parekh

‘વ્હાલ કરે તે વ્હાલું !

આ મેળામાં ભૂલો પડ્યો હું કોની આંગળી ઝાલું?

ફુગ્ગા ને ફરફરિયાં જોઉં જોઉં લેણાદેણી

કોઈક વેચે વાચા કોઈક વ્હોરે ફૂલની વેણી

કોઈક ખૂણે વેચે કોઈ પરમારથનું પ્યાલું!

ક્યાંક ભજન વેચાય ક્યાંક વેચાય કંઠી ને ઝભ્ભો

શું શું અચરજ કરે કાળના જાદુગરનો ડબ્બો

સૌ સૌનો ઉત્સવ છે એમાં હું અટવાતો ચાલું!

કોઈક છાતી ખરીદ કરતી સસ્તા ભાવે સગડી

કોઈક લેતું મોંઘામૂલી છતાં લાડની લગડી

‘શું લઈશ તું?’- પૂછે મને આ મારું ગજવું ઠાલું !’

~ રમેશ પારેખ

રમેશ પારેખની નમ્રતા જુઓ. ‘છ અક્ષરનું નામ’ સંગ્રહમાં એમણે નિવેદનમાં લખ્યું છે કે એમાં  1991માં છપાયો ત્યાં સુધીની લખાયેલી તમામ  કવિતાઓ એટલા માટે લીધી છે કે જેથી સર્જકની મર્યાદાઓ શું છે એની સર્જક અને વાચક બંનેને જાણ થાય!

 કવિની ‘આ મનપાંચમના મેળામાં’ ખૂબ જાણીતી કૃતિ છે. ર.પા.ની  અનેક રચનાઓમાં મેળો આવે છે-

‘મેળામાં ખોવાઈ ગયેલો છોકરો એના બાપને જડે / એમ હું છે તે ઝાડને જડું’

**

‘પગથી માથા લગી સમૂળો મને લીધો તેં ચોરી

તને એકલીને મેં આખ્ખા મેળામાંથી ચોરી

કોઈ કહે કે જીવતર છે,એમાં આવુંય બને!‘

પણ અહીં એવા મેળાની, સાક્ષીભાવે જોયેલી, વાત છે  જ્યાં ફુગ્ગા જેવા (egoist?), ગમે ત્યારે ફૂટી પણ જાય તેવા માણસો હોય, જ્યાં ફરફરિયાં(petty?) જેવાં લોકો હોય, બહુ બોલીને આંજનારાં પણ હોય ને કોઈક સુગંધ વેરતી ને પરમાર્થ કરતી વ્યક્તિઓ પણ હોય. આ બધામાંથી કવિને લેવી છે લાડની મોંઘામૂલી લગડી ને વહેંચવો છે વ્હાલભર્યો સંદેશ – વ્હાલ કરે તે વ્હાલું!

થોડી સ્વરનિયોજનની ટેક્નિકલ વાત કરું-ખાસ કરીને અંતરામાં મેળામાં ફરતાં કવિ સાક્ષીભાવે જે જુએ છે તે સાક્ષીભાવ અભિવ્યક્ત કરવા ઉપરના ષડ્જ-સા -થી દરેક અંતરા શરૂ કર્યા છે. દરેક અંતરાની પ્રથમ પંક્તિ પહેલી વાર અને બીજી વાર ગવાય તેની વચ્ચે,એ પંક્તિના શબ્દોને રુચે એવાં, subtle variations છે. તેવું જ ‘ઝાલું’, ‘પ્યાલું’, ‘ચાલું’, ‘ઠાલું’ શબ્દોમાં છે.  ‘પ્યાલું’માં ગ’રે’સા’,સા’નિ(કોમળ)ધ, મગરે, ગમપ છે; તો ‘ચાલું’ પહેલાં ‘અટવાતો’ શબ્દ હોવાથી આ જ સ્વરો છે પણ થોડા ‘કોમ્પ્લિકેટ’ કરીને ગયા છે –

ગ’-રે’સા’, નિ-ધપ, મ-ગરે, ગમપ.

અમર ભટ્ટ

27.11.20

***

13-04-2021

વ્હાલ કરે તે વ્હાલું…અત્યંત હ્રદયસ્પશી…

કવિ: રમેશ પારેખ સ્વરકાર:ગાયક:અમર ભટ્ટ આલબમ: કાવ્યસંગીતયાત્રા:1

***

મધુકાન્ત પ્રજાપતિ રાણીપ અમદાવાદ

13-04-2021

કવિશ્રી રમેશ પારેખ ના જન્મ દિને તેમના સર્જન વિશે સામગ્રી પીરસવામાં બદલ લતાબેન તથા વર્ષાબેનને અભિનંદન .કાવ્ય વિશ્ચ માં વિહરવું ગમે છે. આપના પરિશ્રમ ને સલામ…….

Sujata Samir Shah

13-04-2021

કવિ માનવ સંસ્કૃતિ ના રોજીંદા વ્યહાર નો ચિતાર ખૂબ તળપદી ભાષામાં પોતાની કવિતામાં રજૂ કરી કુદરતના સાનિધ્ય ના મૂલ્યો સમજાવી હકારાત્મક માહોલ સર્જે છે . મહાન કવિઓને જન્મદિવસ ની શુભકામના.

કાલિન્દી પરીખ

13-04-2021

આજના સેતુ, અનુવાદ, આસ્વાદ, સર્જક એમ તમામ વિભાગોમાં રમેશ પારેખને ગૂંથી લઈને કાવ્યવિશ્વએ ર.પા.ના જન્મદિવસને પર્વમાં પલટાવી દીધો. અમરવલ્લી આ માટે ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે.સર્વ સર્જકો અને લતાબેનને સરસ ઉપક્રમ માટે અભિનંદન પાઠવું છું.

પ્રફુલ્લ પંડ્યા

13-04-2021

આજે તો રમેશ પારેખ અને હરિવંશરાય બચ્ચનનાં ‌, એમ બે-બે કાવ્ય મહોત્સવો ઉજવીને ” કાવ્ય વિશ્વ” વૅસાઈટે સુવર્ણ ઈતિહાસ રચી લીધો છે.સાહિત્યમા઼ં આવી ધટનાઓ જ્વલ્લે જ બને છે.તમારી સૌની અપૂર્વ તપશ્ચર્યા એક મહાન સિદ્ધિ માં પરિવર્તિત થતી જોઈ શકાય છે.અદભૂત ! હાર્દિક અભિનંદન ! પ્રફુલ્લ પંડ્યા

ઉર્વી પંચાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: