દક્ષા વ્યાસ ~ મહેનતની રોટી

એમણે

ખાખી વર્દીવાળાઓએ

પકડી લીધો હતો

બંધ કર્યો’તો કોઇ કમરામાં.

કાકાભાઇ સાથે આવ્યો’તો દેશથી

લાગ્યો’તો સાડી-કટાઇના કામમાં.

વિચાર્યું’તું

લઈ જઈશ સાડી સરસ મઝાની માને માટે.

સમજાતું નથી, કામ કરવામાં ખોટું શું છે ?

સૌ કામ તો કરે છે !

બાપા લારી ખેંચે છે

મા વાસણ ચમકાવે છે

ભોલો ચાની લારી પર.

કામ કરશું નહીં તો ખાશું શું ?

માએ કહ્યું’તું, ’મહેનતની રોટી ખાજે બેટા !’

મહેનત તો કરતો’તો, એમાં ખોટું શું કર્યું ?

માની વાત

કદી ખોટી હોઈ શકે ખરી ? ……….

~ દક્ષા વ્યાસ

એક અબુધ અભણ બાળમજૂરની વ્યથા. એનો ગુનો એ છે કે એ ગરીબ છે. એનો ગુનો એ છે કે એ મહેનત-મજૂરી કરીને રળે છે. એનો ગુનો એ છે કે એ પેટ ભરવા માટે કામ કરે છે. એની મજબુરી એ છે કે એને માટે કામ કરવાનો કોઇ વિકલ્પ નથી. કોઇ બાળક મજૂરી કરતો મળે તો એ ગુનો ગણી એને પૂરવામાં આવે. એનાથી બાળકનું શું ભલું થયું ? મજૂરી કરવી કોઇ બાળકનું સ્વપ્ન ન હોઈ શકે. બાળકને તો રમવું હોય છે. એને મસ્તી કરવી હોય છે, મજા કરવી હોય છે પણ જેના ભાગ્યમાં આ નથી લખાયું, જેને પેટ માટે વેઠ કરવી ફરજીયાત છે એનું શું ? એને કોઇ સુખનો રોટલો આપશે ? સવાલ આઘાતભર્યું મૌન આપે અને જવાબ શૂન્ય… બાળક આવા કાયદા વિશે કંઇ જાણતો નથી. એ તો માએ કહ્યું એ પ્રમાણે કામ કરે છે અને મા કદી ખોટું ન કહે !! કવયિત્રીએ તો સમાજ સામે એક મહાપ્રશ્ન મૂકી દીધો છે.. કોઇ જાગે અને જવાબ શોધે, ઉપાય માટે કંઇક કદમ ઉઠાવે !!

દક્ષાબહેને આવા બાળકો સાથે કામ કર્યું છે અને નજરોનજર પીડા જોવાનો અનુભવ શબ્દોમાં વિશેષ શક્તિ પ્રગટાવે.

સાભાર : 1. ‘અલ્પના’   2. ‘પગલાં જળનાં’   3. ‘તરસ ટકોટક’  કાવ્યસંગ્રહો 

26.12.20

સુરેશ જાની

13-04-2021

દક્ષાબેન વ્યાસની કવિતા – એમણે ખાખી વર્દીવાળાઊએ …

કાકાભાઇ સાથે આવ્યો’તો દેશથી

લાગ્યો’તો સાડી-કટાઇના કામમાં.

સાડી કટાઈ એટલે?

(દક્ષાબહેન, જવાબ આપીદીધો છે. – લતા)

Purushottam Mevada, Saaj

13-04-2021

કવિયત્રી દક્ષાબેનની કવિતામાં આપણે દરરોજ જોતાં હજારો બાળકોની વ્યથા અને લાગણી બંને અનુભવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: