પ્રીતિ સેનગુપ્તા ~ ચોકમાં ચણ

ચોકમાં ચણ નાખીને બેસી રહું છું

મારા બોલાવ્યાથી જપંખી આવી નથી જતું.

એ આવે છે એની મરજીથી.

ફૂલો મધુના ભારથી લચી પડે તો શું ?

મન થશે ત્યારે જ ફરફરતું પતંગિયું આવશે.

રસ્તામાંનાં ખાબોચિયામાં

છબછબિયાં કરવાનું મન નથી થતું હવે.

ભેજની શેવાળથી છવાયેલા કાચ પર

નામ લખી દેવાનું તોફાન નથી સૂઝતું હવે.

અવરજવર તો રહી ને ધૂળિયાં પગલાંયે ઘણાં પડ્યાં

પણ કોઇનાયે પદક્ષેપથી

શલ્યાનો ઉદ્ધાર નથી થયો હજી.

જાણું છું, જે પંખી ના આવે તેને માટે

ચણ નાખીને બેસી રહેવું,

જે પતંગિયું ભમ્યા કરે તેને માટે

ફૂલોએ સાજ સજવા,

જેનો સ્પર્શ થવાનો નથી

તે સુવર્ણમણિની આશામાં તપોમગ્ન રહેવું

તે તો છે

અપાત્રને કરેલું પ્રેમનું દાન…….

પ્રીતિ સેનગુપ્તા

રોબર્ટ ફ્રૉસ્ટની એક સરસ વાત છે કે કવિતા મુગ્ધ આનંદમાં પ્રારંભ પામે છે અને ઉદાસ શાણપણમાં વિરમે છે. પ્રવાસિની કવયિત્રી પ્રીતિ સેનગુપ્તાનું આ કાવ્ય મુગ્ધતાને અડીને આવેલું અને એની નિરર્થકતાને પામીને પછી શાંત ઠરેલ ઉદગારોથી સજેલું છે.

નાયિકાને અનુભવાય છે આભાસી સુખનું મહોરું !! જે રસ્તો પોતાનો નહોતો ત્યાં પગલાંઓ પાડીને એણે થાકની ઝોળી ભરી… અપેક્ષાઓ પૂરી નથી થઇ અને એક ઊંડા વિષાદ સાથે હકીકતનો સ્વીકાર છે. એવું થવા બદલનો કોઇ ધૂંધવાટ વ્યક્ત નથી થયો. બસ રાત વીતી ગઇ છે.. પ્રભાતે નાયિકા શું ઝંખે છે એ કદાચ અહીં અધ્યાહાર છે… કેમ કે ‘અપાત્રને કરેલું  પ્રેમનું દાન’ શબ્દો કોઇ ભાવુકતા વગરની સ્વસ્થતામાંથી પ્રગટ્યા છે. 

23.1.21

રીંકું રાઠોડ

13-04-2021

વાહ…આદરણીય પ્રીતિ બેનની રચના લાજવાબ…

Purushottam Mevada, Saaj

13-04-2021

કવિયત્રી પ્રીતિ સેનગુપ્તાની કવિતા માં રહેલી.અધ્યાહાર વેદના સ્પર્શી જાય છે,.થોડામાં ઘણું.

સુરેશ જાની

13-04-2021

ચોકમાં ચણ નાખીને બેસી રહું છું
પોતાના અંતરમાં જાગતા ભાવની અભિવ્યક્તિ એ સર્જકનો વિશેશાધિકાર હોય છે. પણ, એક પ્રતિ વિચાર કદાચ આ ઉદાસી અને આક્રોશનાં વાદલને વિખેરી શકે –
ફૂલ કે કુદરતનું કોઈ પણ સર્જન કોઈ પણ જાતની અપેક્ષા વિના પોતાનો ધર્મ ( ભલે બેભાનપણે) બજાવે છે. માત્ર આપણે માનવો જ આપણને મળેલી અભૂત્પૂર્વ ભેટ – આપણું મન – એનો અર્થેહીન દુરૂપયોગ નથી કરતાં હોતાં વારૂ?
અને એમન જાગૃત થાય અને પોતાનો ધર્મ બજાવે તો ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: