વિજય રાજ્યગુરુ ~ ઘર ઢાળા

હોલાયા અંગારા, કવ છું વળો હવે ઘર ઢાળા !
જુઓ હવે આ રથ આવ્યો છે, ઘોડા છે પાંખાળા,
કવ છું વળો હવે ઘર ઢાળા !

સાથ આટલો હતો ગયો છૂટી અફસોસ ન કરશો,
ધુમ્રસેર વિખરાઈ જવા દો, મુઠ્ઠીમાં ન પકડશો !
ઝાંખીપાંખી અટકળને પણ મારી દેજો તાળાં,
કવ છું વળો હવે ઘર ઢાળા !

ક્યાંક કોઈ બોલાશ થશે, આંખો સામે ઝળહળશું !
ચીજ જોઈતી નહીં મળે ને અમે સતત સાંભરશું !
પળો પાછલી ભેગી કરી કરી કરજો સરવાળા,
કવ છું વળો હવે ઘર ઢાળા !

અમે દૂધગંગાને કાંઠે રાહ તમારી જોશું,
તમે એકલા હાથે ઘરની પૂરી કરજો હોંશું !
કડકડતી ઠંડીમાં સ્મરણોથી રે’જો હૂંફાળા,
કવ છું વળો હવે ઘર ઢાળા !

– વિજય રાજ્યગુરુ

‘કવ છું વળો હવે ઘર ઢાળા!’ શુદ્ધ કાઠિયાવાડી બોલીનો પ્રયોગ અને એનું વજન જે આ બોલી જાણતા હોય એ જ સમજી શકે. આટલા શબ્દોમાં આખા ગીતની પીડા સમાયેલી છે. પત્નીના અવસાન પછીની એકલા પતિની પીડા ખૂબ અસરકારક રીતે ચીતરાઈ છે. ‘ધુમાડો’ નહીં પકડવાની વાત અને ‘કડકડતી ઠંડીમાં સ્મરણોથી રે’જો હૂંફાળા’ – કાવ્યકલાના ઊંડાણ સાથે ભાવકનેય મૂળ સુધી વલોવી જાય છે.

કાવ્યસંગ્રહ : ‘અવઢવ’

11.6.21

***

Dipak Valera

13-06-2021

ખૂબ સુંદર હ્રદય સ્પર્શી રચના
બહુ સરસ

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

12-06-2021

આ કવિતામાં વેદના કરતાં સ્વિકારી લેવાની વાત સરસ રીતે કવિ એ કરી છે. હા, શબ્દો સમજવા કાઠિયાવાડ કે કચ્છ જવું પડે.

છબીલભાઈ ત્રિવેદી

11-06-2021

આજનુ વિજય રાજયગુરૂ નુ કાવ્ય ઘર ઢાળા ખુબજ સરસ દેશી ગ્રામ્ય ગીરા અને અેવાજ ઉતક્રુષ્ટ ભાવો ખુબજસરસ મજાનું કાવ્ય

કિશોર બારોટ

11-06-2021

સુંદર ગીત.
દિલીપ ભટ્ટનું ‘એકલો પડુંને તમે સાંભરો’ યાદ આવી ગયું.

Renuka Dave

11-06-2021

વાહ..વાહ..!
ખૂબ જ ભાવવાહી આને લયસભર ગીત..!
તદન ઘરેલુ શબ્દો..અને ખૂબ ઊંચી વાત..
કવિને ખૂબ ખૂબ અભિનંદન…
લતાબેન, સરસ…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: