કૃષ્ણલાલ શ્રીધરાણી ~ પૂજારી પાછો જા * Krushnalal Shridharani

ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય
ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય
ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા….

મંદિરના આ ભવ્ય મહાલયો, બંધન થાય મને
ઓ રે,પૂજારી તોડ દીવાલો, પાષાણ કેમ ગમે
ન પ્રેમ નું ચિન્હ આ, પૂજારી પાછો જા……

એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર
દિન કે રાત ન નીંદર લેતો, નૈવેદ્ય તું ધરનાર
ખરી તો એની પૂજા, પૂજારી તું પાછો જા……

દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે, બહાર ખડી જનતા
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં, પથરા
ઓ તું જો ને જરા, પૂજારી પાછો જા……

માળી કરે ફૂલ મહેકતી વાડી, ફૂલને તું અડ કાં
ફૂલને ધરે તું, સહવા એણે, ટાઢ અને તડકા
આ તે પાપ કે પૂજા, પૂજારી પાછો જા……

ઓ રે પૂજારી આ મંદિર કાજે, મજૂર વહે પથરા
લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા
અરે તું કાં ના શરમા, પૂજારી પાછો જા……

ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ધ્ય ભર્યો નખમાં
ધૂપ ધર્યો પરસેવો ઉતારી, ઘંટ બજે ઘણમાં
પૂજારી સાચો આ, પૂજારી પાછો જા……  

~ કૃષ્ણલાલ શ્રીધરાણી

સોનેટના સરતાજ એવા કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીનું આ ગીત લોકહૈયે વસેલું છે. શાળામાં કેટલા લોકો આ ગીત ભણ્યા હશે ! ગરીબની મશ્કરી સમાન ધાર્મિક આચારોનો વિરોધ ખૂબ સરળ અને સચોટ બાનીમાં થયો છે.

શ્રી વિષ્ણુ પંડયાની આ વાત પણ જાણવા જેવી છે. – સાહિત્ય જગતમાં કવિ તરીકે તેમની પ્રતિષ્ઠા ખરી પણ આંતરરાષ્ટ્રીય ફલક પર તેમણે પત્રકાર તરીકે જે મહત્વનું પ્રદાન કર્યું  તેની નોંધ ઓછી લેવાઈ છે. તેઓ ઉત્તમ કવિ અને પત્રકારત્વ તેમનો પ્રાણ. અમેરીકામાં બીજા ખ્યાતનામ પત્રકારો સાથે મળીને તેમણે ‘નેશનલ કમિટી ફોર ફ્રીડમ’ની સ્થાપના કરી અને પોતાના અખબારને સમગ્ર વિશ્વમાં સ્વતંત્રતાપ્રિય બૌદ્ધિકોના લેખો અને અભિપ્રાયોનો મંચ બનાવી દીધું. એમનું પુસ્તક ‘વોર વિધાઉટ વાયોલન્સ’ ભારત, સત્યાગ્રહ અને ગાંધીને સમજવા માટેનું અમેરિકનોના બાઇબલ તરીકે પ્રખ્યાત થયું.

કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીના 111મા જન્મદિવસે ગુજરાત યુનિવર્સિટી ‘શ્રીધરાણી એકેડેમીક ચેર’ ની જાહેરાત થઈ છે.

16.9.21

***

mahesh dave

23-09-2021

કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી academic chair ની જાહેરાત કરી ગુજરાત યુનિવર્સિટી એ પોતાની મહત્તા વધારી છે.

છબીલભાઈ ત્રિવેદી

16-09-2021

ક્રુષ્ણલાલ શ્રીધરાણી સાહેબ નુ કાવ્ય ખુબજ સુન્દર પ્રભુ તો ભાવના ના ભુખ્યા છે આવા ઘણા કાવ્યો રચાયા છે હવેલી બનાવી હરી ને કાજે અેમા શ્રી મંતો ના થાતા પ્રવેશો ભુખ્યા ટળવળે ઓલા ભાખરી વિનાના તેની ભુખ કયારે હરી લેશો પ્રભુજી તમે કેટલા દિ પરદા મા રેશો અભિનંદન આભાર લતાબેન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

16-09-2021

હાર્દિક શ્રધાંજલિ કવિ, પત્રકાર‌, લેખક શ્રી શ્રીધરાણીને. વંદન. ઈશ્વરની માનવિય સંવેદનાનું ગીત કવિની મજૂર અને નીચલા વર્ગની વેદના વ્યકત કરે છે.

Varij Luhar

16-09-2021

કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી નું ખૂબ જ ઉત્તમ કાવ્ય
આ કાવ્ય વાંચીને હૈયું ભરાઈ આવે.. કવિશ્રી ની દિવ્ય ચેતનાને વંદન
તેઓના સમગ્ર પ્રદાનને ઉચિત સન્માન મળી રહ્યું છે તેનો આનંદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: